શાબ્દિક કીચડઉછાળ: બેફામ થવાની બબાલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજનેતાઓ અમસ્તા પોતાના ભાષાસૌજન્ય માટે જાણીતા નથી હોતા. અને એમાં પણ ચૂંટણીટાણું આવે ત્યારે પૂછવું જ શું? એ વખતે નેતાઓનું બેફામપણું સભ્યતાઓની બધી હદો વટાવી જાય છે. કેમ કે, એ વખતે ‘બેફામ બોલે તેનાં જ બોર વેચાય’ એવો નિયમ અનાયાસે લાગુ પડી જાય છે. એ વખતની ભાષા માટે ‘વાણીવિલાસ’ જેવો શબ્દ બહુ હકારાત્મક લાગે. કારણ કે એ વખતે મોટે ભાગે વિષવમન થતું હોય છે. કેટલાક નેતાઓ એવા છે,

 

જેમનું કામ જ આ પ્રકારનાં વિધાનો દ્વારા વિવાદમાં રહેવાનું હોય છે. દા.ત. સામાન્ય સંજોગોમાં સાક્ષી મહારાજ નામના કોઈ નેતાને કોણ જાણતું હોત? કે ઔવેસીને કોણ ઓળખતું હોત? પરંતુ તેમણે પોતાની રાજકીય ઓળખ અને અમુક અંશે રાજકીય કારકિર્દી બેફામ બોલીને દૃઢ કરી છે. આવા નેતાઓ મુખ્ય ધારાના અને પહેલી-બીજી હરોળના હોતા નથી.


બીજો પ્રકાર મનોહર પારિકર કે દિગ્વિજયસિંહ કે મણિશંકર ઐય્યર પ્રકારના નેતાઓનો હોય છે. તે પક્ષની પહેલી હરોળમાં સ્થાન પામે છે, પરંતુ તેમની જીભ કાયમ લપસી પડે છે અને અંગ્રેજીમાં જેને ‘ફૂટ ઇન માઉથ’ કહેવામાં આવે છે, એવા ગોટાળા મારતા ફરે છે. એવા નેતાઓને બોલ્યા પછી કાયમ ખુલાસા આપવા પડે છે અને તેમ છતાં નુકસાન પૂરેપૂરું ભરપાઈ થઈ શકતું નથી. રાજકીય પક્ષો પોતાની સગવડ પ્રમાણે,

 

આ નેતાઓનાં બેફામ નિવેદનોથી છેટા થઈ જાય છે અથવા તે વિશે મૌન સેવીને ચૂપચાપ તમાશો જુએ છે. આવા નેતાઓ જવાબદાર હોય છે. છતાં કેટલાક મુદ્દે તેમને ઔવેસી કે સાક્ષી મહારાજવાળી લાઈનમાં મૂકવા પડે. કેમ કે, તેમનું પહેલી-બીજી હરોળનું સ્થાન ભૂલીને પણ તે છાશવારે આડેધડ વાણીવ્યાપાર દ્વારા વિવાદમાં સપડાતા રહે છે અને જતે દહાડે તેને પોતાની મુખ્ય ઓળખનો એક હિસ્સો બનાવી લે છે.


આ બંને પ્રકારના નેતાઓ જીભને હાડકું હોતું નથી, એવી કહેણીની સાક્ષાત્ સાબિતી પૂરી પાડે છે પરંતુ સૌથી વધારે ચિંતા ત્રીજી કક્ષાના નેતાઓ કરાવે છે. તે પક્ષની અને ઘણી વાર સરકારની ટોચે બિરાજતા હોય છે, બંધારણીય હોદ્દા અથવા ભારે જવાબદારી ધરાવતા હોય છે પરંતુ તે ચૂંટણીના માહોલમાં ઉશ્કેરાઈને કે ગણતરીપૂર્વક પોતાની કક્ષાથી નીચે ઉતરી જાય છે અને પ્રતિપક્ષી પર આકરા શાબ્દિક પ્રહારોથી માંડીને હલકી કક્ષાની કીચડઉછાળ કરવામાં રાચે છે.

 

આમ કરવાથી તેમના પ્રતિપક્ષી જેટલી જ કે તેનાથી પણ વધારે એ નેતાઓની ગરિમા હણાવી જોઈએ પરંતુ આવા બોલબચ્ચનો માને છે કે ચૂંટણી વખતે કંઈ પણ ઘસડી મારીએ તો ચાલે અને લોકોને મજા આવે.


બેફામ આરોપબાજીની મુશ્કેલી એ છે કે તેમને વર્તમાનકાળ સાથે કશી લેવાદેવા હોતી નથી. ચૂંટણીમાં લોકોની વાસ્તવિક સમસ્યા અને સરકારની કામગીરી કેન્દ્રસ્થાને હોવાં જોઈએ, પરંતુ બને છે એવું કે લોકોની લાગણી ભડકાવતા મુદ્દા ચૂંટણીના કેન્દ્રસ્થાને આવી જાય છે અને માહોલ કીચડમાં ખેલાતા દંગલ જેવો બની જાય છે. લોકશાહી માટે તે કરુણતા ગણાય.

અન્ય સમાચારો પણ છે...