કર્ણાટકની ચૂંટણીઓનાં પરિણામોનો બોધપાઠ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણી પદ્ઘતિની ખામી : ૩૬ ટકા મત મેળવનાર પક્ષના કબજામાં પ૪ બેઠકો આવી જાય છે

કર્ણાટકમાં સોનિયા ગાંધીએ અથવા રાહુલ ગાંધીએ નહીં પણ ભાજપના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી.એસ. યેદીયુરપ્પાએ કોંગ્રેસને જીત અપાવી છે. પેટનો બળ્યો ગામ બાળે, એ કહેવત યેદીયુરપ્પાએ સાબિત કરી આપી છે. યેદીયુરપ્પા જ્યારે કર્ણાટકના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે બેફામ ભ્રષ્ટાચાર આચર્યો હતો એ વાતમાં કોઈ શંકા નથી, પણ આ ભ્રષ્ટાચારને ભાજપના તત્કાલીન અધ્યક્ષ નીતિન ગડકરીના અને ભાજપના મોવડીમંડળના પણ આર્શીવાદ હતા. આ કારણે જ જ્યારે ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલા યેદિયુરપ્પાને જનતાના દબાણ હેઠળ મુખ્યપ્રધાનપદેથી દૂર કરવામાં આવ્યા ત્યારે તેઓ વિફર્યા હતા અને તેમણે કર્ણાટકમાં ભાજપને હરાવવાનો સંકલ્પ કર્યો હતો. કર્ણાટકમાં થયેલી મતગણતરીના આંકડાઓ સાબિત કરે છે કે ભાજપને કોંગ્રેસે નહીં પણ યેદીયુરપ્પાએ હરાવ્યો છે.

દિલ્હીમાં જ્યારે અણ્ણા હઝારેનું આંદોલન ખૂબ ચાલ્યું ત્યારે લાગતું હતું કે ભારતની જનતા ભ્રષ્ટાચાર સામે જાગૃત થઈ ગઈ છે અને ભ્રષ્ટાચારીઓને પોતાનું સ્થાન બતાવી દેવા માગે છે. આ આંદોલનની પરાકાષ્ટા વખતે જ ભાજપે પોતાની છબી ઉજળી બનાવવા કર્ણાટકમાં યેદીયુરપ્પાનો ભોગ ધરી દીધો હતો. ભાજપના મોવડીમંડળે ધાર્યું હશે કે યેદીયુરપ્પાને રાજીનામું આપવાની ફરજ પાડીને તેઓ ભ્રષ્ટાચારવિરોધી જંગમાં પોઇન્ટ સ્કોર કરી શકશે, જેનો લાભ તેમને વિધાનસભાની ચૂંટણીઓમાં થશે. આ ગણતરી કર્ણાટકના મતદારોએ ખોટી સાબિત કરી આપી છે. તેઓ ભ્રષ્ટાચાર સામે લડવાનો દાવો કરનારા ભાજપની સાથે રહેવાને બદલે ભ્રષ્ટાચારથી ખરડાયેલા કોંગ્રેસ પક્ષ સાથે રહ્યા છે. ભ્રષ્ટાચારી સાબિત થઈ ગયેલા યેદીયુરપ્પાને પણ કર્ણાટકના મતદારોએ ખોબા ભરીને મતો આપ્યા છે.

કર્ણાટકની ચૂંટણી પછી જાહેર થયેલા આંકડાઓ કહે છે કે ઈ.સ. ૨૦૦૮ની સરખામણીએ કોંગ્રેસને માત્ર બે ટકા જ વધુ મતો મળ્યા છે, પણ તેમને મળેલી બેઠકોના આંકડામાં ૪૧ની વૃદ્ધિ થઈ છે. તેની સામે ભાજપને ૨૦૦૮ની સરખામણીએ ૧૪ ટકા ઓછા મતો મળ્યા છે, જેને પરિણામે તેને ૭૦ બેઠકોનું નુકસાન ગયું છે. ઈ.સ. ૨૦૦૮માં કોંગ્રેસને ૩પ ટકા મત સાથે ૮૦ બેઠકો મળી હતી, જ્યારે ભાજપને ૩૪ ટકા મત સાથે ૧૧૦ બેઠકો મળી હતી. આ વખતે ભાજપના મતોમાં જે ૧૪ ટકાનો ઘટાડો થયો તેને કારણે તેને ૭૦ બેઠકોનું નુકસાન થયું છે. યેદીયુરપ્પાના પક્ષને ૧૦ ટકા મતો મળ્યા છે, પણ બેઠકો માત્ર ૯ જ મળી છે. યેદિયુરપ્પાના ઉમેદવારોનું લક્ષ્ય જીતવાનું નહોતું પણ ભાજપના ઉમેદવારોને હરાવવાનું હતું. આ મિશનમાં તેઓ સફળ થયા છે. ભાજપની ગણતરી એવી હતી કે ભ્રષ્ટાચારી યેદીયુરપ્પાની હકાલપટ્ટી કરીને તેમને કર્ણાટકમાં હાનિ થશે, પણ રાષ્ટ્રીય રાજકારણમાં ફાયદો થશે. કર્ણાટકમાં તો જે હાનિ થવાની હતી તે થઈ ગઈ છે. હવે ફાયદો કેટલો થશે તેનો ખ્યાલ તો ઈ.સ. ૨૦૧૪માં આવશે.

કર્ણાટકની ચૂંટણીઓમાં યેદીયુરપ્પા ભાજપના ખલનાયક કેવી રીતે બન્યા તેના આંકડાઓ રસપ્રદ છે. ઉત્તર કર્ણાટકના વિસ્તારમાં લિંગાયત કોમની બહુમતી છે, જે યેદીયુરપ્પાનો ગઢ ગણાય છે. આ ગઢની પ૦ બેઠકો પૈકી ભાજપને ઈ.સ. ૨૦૦૮માં ૩૩ બેઠકો મળી હતી. આ વખતે યેદીયુરપ્પા ભાજપની સામે હોવાથી આ પ૦ પૈકી માત્ર ૧૩ બેઠકો જ ભાજપને મળી છે; તેને ૨૦ બેઠકોનું નુકસાન ગયું છે. આ પ્રદેશમાં કોંગ્રેસ ઈ.સ. ૨૦૦૮માં માત્ર ૧૨ બેઠકો જીતી શકયો હતો. આ વખતે તેનો આંકડો ૧૨થી વધીને ૩૧ ઉપર ગયો છે.

યેદીયુરપ્પાના ઉમેદવારો કેવી રીતે ભાજપના ઉમેદવારોને નડયા તેનો ખ્યાલ અમુક બેઠકોના મતગણતરીના આંકડાઓ તપાસતાં આવે છે. બેલગામ જિલ્લાના રામદુર્ગ મતવિસ્તારમાં લિંગાયતોના ૩પ ટકા મત છે. આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારને ૪૨,૩૧૦ ભાજપના ઉમેદવારના મતોનો સરવાળો કરવામાં આવે તો આંકડો પ૩,૩૬૯ ઉપર પહોંચી જાય છે. તેમ છતાં ૪૨,૩૧૦ મત મેળવનાર કોંગ્રેસનો ઉમેદવાર જીતી ગયો હતો.
બાગલકોટ જિલ્લાની તેરડાલ બેઠકમાં લિંગાયત કોમના ૩૧ ટકા મત છે. આ બેઠક ઉપર કોંગ્રેસની ઉમેદવાર ઉમાશ્રી ૭૦,૧૮૯ મત મેળવી જીતી ગઈ છે. આ ક્ષેત્રમાં ભાજપને ૬૭,પ૯૦ અને યેદીયુરપ્પાના ઉમેદવારને પ,પપ૮ મતો મળ્યા છે. અહીં પણ યેદીયુરપ્પાએ ભાજપને હરાવવાનું કામ કર્યું છે. બીજાપુર જિલ્લાની દેવરા-હિ‌પ્પારાગી બેઠક ઉપર કોંગ્રેસના વિજયી ઉમેદવારને ૩૬,૨૩૧ મતો મળ્યા છે. તેની સામે ભાજપના ઉમેદવારને ૨૮,૧૩પ અને યેદીયુરપ્પાના ઉમેદવારને ૨૪,૭૦૭ મત મળ્યા છે. આ બંનેનો સરવાળો પ૨,૮૪૨ થાય છે. કોંગ્રેસવિરોધી મતો વહેંચાઈ જવાનો લાભ કોંગ્રેસને કોઈ મહેનત વગર મળી ગયો છે.

ભાજપમાંથી જેમ યેદીયુરપ્પાની હકાલપટ્ટી કરવામાં આવી હતી તેમ ભ્રષ્ટાચારના આરોપોથી ખરડાયેલા રેડ્ડી બ્રધર્સને પણ ભાજપ છોડવાની ફરજ પડી હતી. તેમણે બીએસઆર કોંગ્રેસ નામના પક્ષની રચના કરીને વિધાનસભાની ચૂંટણીઓમાં ઝંપલાવી દીધું હતું. આ પક્ષે પણ અનેક બેઠકો ઉપર ભાજપના મતો તોડવાનું કાર્ય કર્યું હતું. ગડગ જિલ્લાની સિરાહાટ્ટી બેઠક ઉપર કોંગ્રેસનો ઉમેદવાર ૪૪,૭૩૮ મત સાથે જીતી ગયો હતો. કોંગ્રેસની તરફેણમાં ૪૪,૭૩૮ મતો સામે તેની વિરુદ્ઘમાં ૭પ,૦પપ મતો પડયા હતા. આ બેઠક ઉપર ભાજપના ઉમેદવારને ૪૪,૪૨૩ યેદીયુરપ્પાના ઉમેદવારને ૩,૮૪૧ અને રેડ્ડી બ્રધર્સના ઉમેદવારને ૨૬,૭૯૧ મત મળ્યા હતા.

કર્ણાટકની ચૂંટણીઓનો બોધપાઠ એ છે કે ભારતની પ્રજાને ભ્રષ્ટાચારી રાજકારણીઓ ગમે છે, માટે ભ્રષ્ટાચારીઓની પક્ષમાંથી હકાલપટ્ટી કરવાની ભૂલ કોઈ રાજકીય પક્ષે કરવી નહીં. કર્ણાટકની ચૂંટણીઓનો બોધપાઠ એ છે કે ભારતના મતદારો જ્ઞાતિજાતિના આધારે જ મતદાન કરે છે, માટે ચૂંટણીઓ જીતવી હોય તો જ્ઞાતિપ્રથાને મજબૂત બનાવવી જોઈએ. કર્ણાટકની ચૂંટણીઓનો બોધપાઠ એ છે કે આપણી ચૂંટણી પદ્ઘતિમાં ૩૬ ટકા મત મેળવનાર પક્ષના કબજામાં પ૪ ટકા બેઠકો આવી જાય છે; માટે આ ખામી ભરેલી પદ્ઘતિ બદલવી જોઈએ.