તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાશ્મીર: કોની ‘બાપ કી જાગીર’?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના રાજનેતાઓ ઇતિહાસમાં એવા રમમાણ રહે છે કે પ્રજાને માટે વર્તમાન અને ભવિષ્યનો વિચાર કરવાનો વખત ભાગ્યે જ કાઢી શકે છે. માત્ર સત્તા મેળવવા માટે ઈતિહાસનાં એવાં પ્રકરણો વહેતાં મૂકીને એને આડા રસ્તે વાળી દેવાની કે એ ગઈ કાલમાં જ અટવાયા કરે. જમ્મુ-કાશ્મીર પ્રકરણમાં પણ આવું જ બન્યું છે. સત્તા મેળવવા ઈતિહાસ અને પક્ષપલટાના સહારા લેવાય છે અને પ્રજા વિકાસની આશા માટે મીટ માંડીને બેસી રહે છે.
કૉંગ્રેસ અને ભાજપ સાથે જોડાણ કરીને દાયકાઓ સુધી રાજ કરનારા અબદુલ્લા પરિવારની સત્તા ડૂલ થતાં ઘાંઘા થયેલા એના નબીરા બેફામ નિવેદનો કરીને ચર્ચામાં રહે છે. એવું જ કંઇક મહારાજા હરિસિંહના વંશજ રાજનેતાઓનું છે. પ્રત્યેકની દ્રષ્ટિએ જમ્મુ-કાશ્મીરનો ઈતિહાસ નોખો છે અને ભારત સાથેનું જોડાણ પણ એમના રાજકારણને અનુકૂળ આવે તે રીતના પલટા લે છે. અત્યારે રાજ્યમાં શાસન કરતા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને એમના ગોત્ર સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ‘અધિકારીઓની દૃષ્ટિએ’ 1947થી આજ લગીનો ઘટનાક્રમ પણ જુદોજુદો છે.

હમણાં નેશનલ કોન્ફરન્સના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ડૉ.ફારુક અબદુલ્લાએ જમ્મુના કિશ્તવરમાં પક્ષના કાર્યકરોને સંબોધતાં પાકિસ્તાને ગપચાવેલા જમ્મુ–કાશ્મીરના હિસ્સા (પીઓજેકે, જેને આપણે પીઓકે કહીએ છીએ) વિશે કહ્યું : ‘અરે તુમ્હારે બાપકા હૈ ક્યા? તુમ્હારે પાસ વો તખ્ત નહીં કિ તુમ વો હિસ્સા વાપસ લે સકો.’ ભારતીય સંસદમાં એ હિસ્સાને ભારતનો ગણાવતા ઠરાવનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. બંને બાજુના કાશ્મીરને ઓટોનોમી મળે એમાં જ કાયમી ઉકેલ જોતા ડૉ. અબદુલ્લા સાથે જ કહે છે કે કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો હિસ્સો નહીં બને,પણ એ વાત વિવાદમાં ઓગળી જાય છે. હજુ વધુ વરસ વીત્યાં નથી, જ્યારે અબદુલ્લા પરિવાર અને સંઘ પરિવાર સાથે હતા.
વાજપેયી યુગમાં કેન્દ્ર સરકારમાં ડૉ.અબદુલ્લાના શાહજાદા ઓમર અબદુલ્લા વિદેશ રાજ્યમંત્રી હતા. ડૉ.અબદુલ્લા મુખ્ય મંત્રી હતા અને ભાજપના વડપણવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)માં નેશનલ કોન્ફરન્સ હતી. ‘શેર(શ્યામાબાબુ) હમારા મારા હૈ, અબદુલ્લાને મારા હૈ’નો નારો લગાવનારા જનસંઘ–ભાજપવાળા સત્તાસુંદરીના ભોગવટામાં સાથે હતા. નોખા પડ્યા અને અબદુલ્લા પરિવાર ફરી કૉંગ્રેસ સાથે ગયો અને મોદીયુગ બેઠો ત્યારે સંઘ-ભાજપવાળા અબદુલ્લા પરિવારના રાજકીય શત્રુ એવા અફઝલ ગુરુવાદી મુફ્તી પરિવાર સાથે સત્તાનાં હસ્તધૂનન કરવા માંડ્યા.

જમ્મુ–કાશ્મીરની તાસીર જ કંઈક એવી છે. સમયાંતરે મુફ્તી પરિવાર અને અબદુલ્લા પરિવાર જ નહીં, મહારાજા હરિસિંહના વંશજો પણ ભારત સાથેના કાશ્મીરના સંબંધોને પડકારવામાં કશું અજુગતું જોતા નથી. કાશ્મીરની સ્વાયત્તતાનો મુદ્દો ભાજપ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે ટકરાવ સર્જાવાનું નિમિત્ત બન્યો હતો અને એ જ મુદ્દો ગમે ત્યારે કાશ્મીરમાં ભડકા સર્જે છે. ભાજપ કાશ્મીરને વિશેષ દરજ્જો બક્ષતી અને સરદાર પટેલે દાખલ કરાવેલી બંધારણની કલમ 370 (અગાઉની 306-એ) કાઢી નાખવામાં તમામ સમસ્યાઓના ઉકેલ જુએ છે, તો પીડીપી અને ભાજપ સિવાયના રાજ્યના તમામ પક્ષો 370 કલમને કાયમી લેખાવી એને કાઢવા બાબત દિલ્હીને પડકારે છે.
મુસ્લિમબહુલ રાજ્યની મુસ્લિમ નેતાગીરી જ નહીં, મહારાજાના પૌત્ર મિયાં (સરદાર) અજાતશત્રુ પણ વિધાન પરિષદમાં કહેવાનું ચૂકતા નથી કે ‘અગર યે (રિયાસત) આપસે નહીં સંભલતી હૈ, તો જિસકી થી ઉસકો વાપસ લૌટા દો.’ માર્ચ 2013માં અજાતશત્રુએ આ શબ્દો કહ્યા ત્યારે એ સત્તા પક્ષ નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય હતા. એમ તો એ 1996થી 2002 સુધી ડૉ. ફારુક અબદુલ્લા સરકારમાં મંત્રી પણ રહ્યા. નવેમ્બર 2015માં અજાતશત્રુ સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે અને એના વિધાનપરિષદ સભ્ય છે. એમના મોટાભાઈ મિયાં વિક્રમાદિત્ય સિંહ ઑગસ્ટ 2015થી પીડીપીના અગ્રણી અને વિધાનપરિષદ સભ્ય છે.
બન્ને રાજકુમારો ભલે અત્યારના સત્તા મોરચામાં હોય, પિતા ડૉ.કર્ણસિંહ તો કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય છે. હજુ 10 ઑગસ્ટે જ તેમણે રાજ્યસભામાં જે ભાષણ કર્યું હતું તેમાં તેમણે કાશ્મીરનો પ્રશ્ન ભારતની આંતરિક બાબત નહીં હોવાની વાત કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો. એટલું જ નહીં, 9 સપ્ટેમ્બરે તેમણે ‘ગ્રેટર કાશ્મીર’ નામના દૈનિકને આપેલી મુલાકાતમાં તેમના પિતા અને મહારાજા હરિસિંહ સમક્ષ ભારત સાથે જોડાવાની વિવશ પરિસ્થિતિ સિવાયનો કોઈ વિકલ્પ ભારતે રાખ્યો નહીં હોવાની વાત પણ કરી હતી.

મહારાજા હરિસિંહની ભારત કે પાકિસ્તાનમાં વિલય અંગે દ્વિધાને કારણે કાશ્મીર સમસ્યા સર્જાઈ હતી. તેઓ જમ્મુ–કાશ્મીરને સ્વતંત્ર રાખવા ઈચ્છતા હતા. એ વેળાના ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન મહારાજાને તેમના રાજ્યની બહુમતી વસ્તી મુસ્લિમ હોવાના કારણે પાકિસ્તાન સાથે જોડાઈ જવા સલાહ આપતા હતા. મહારાજા પાકિસ્તાન સાથે જોડાણ કરે તો પણ ભારત વાંધો નહીં લે, એવી સરદાર પટેલે માઉન્ટબેટન મારફત મહારાજાને ખાતરી આપી હતી. કાશ્મીર લેવા પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદઅલી ઝીણા ઉત્પાતમાં હતા.
કબાઈલીઓના વેશમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીઓના માર્ગદર્શનમાં કાશ્મીર પર આક્રમણ કરવાની તેમની કવાયતે મહારાજાને ભારત સાથે વિલયપત્ર પર હસ્તાક્ષર કરવાની ફરજ પાડી. વિલયના સંજોગો વિશે છેક 1961 સુધી કાશ્મીરવટો ભોગવતા મહારાજા દેશના રાષ્ટ્રપતિને 1952માં આવેદનપત્રમાં પોતાનાં દુઃખડાં રડતા રહ્યા હતા. જોકે તેમણે કોઈ તબક્કે 21 ઑક્ટોબર 1947ના રોજ વિલયપત્ર પર હસ્તાક્ષર કરી દીધાની વાત નોંધી હોવાનું જાણમાં નથી, પણ જમ્મુ–કાશ્મીરમાં સંઘના પ્રાંત પ્રચારક રહેલા અને અત્યારે અખિલ ભારતીય સહ સંપર્કપ્રમુખ અરુણકુમારે અમારા પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું છે કે મહારાજાએ પોતાના નાયબ વડાપ્રધાન રામલાલ બત્રાને 21મીએ વિલયપત્ર પર હસ્તાક્ષર કરીને પાઠવ્યા હતા!
‘પરંતુ મહારાજા તરફથી શેખને ઇમરજન્સી એડમિનિસ્ટ્રેટર બનાવાય એની લિખિત ખાતરી મળે નહીં ત્યાં લગી તેમના વિલયપત્રને કેબિનેટમાં ધ્યાને લેનાર કોઈ નહોતું.’ સ્વયં વી.પી. મેનન પણ આ વાત સાથે અસંમત જણાતા હોવા છતાં સંઘના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી)ને મહારાજાને ભારત સાથે જોડાવા સમજાવવા સરદાર પટેલે પાઠવ્યાની સંઘની થિયરીને આગળ વધારવા આ વાત રજૂ થાય છે. હકીકતમાં મહારાજા પાસે જઇને મેનને 26 ઑક્ટોબર 1947ના રોજ વિલયપત્ર પર હસ્તાક્ષર મેળવ્યા હતા અને 27 ઑક્ટોબરે માઉન્ટબેટને એના પર મંજૂરીની મહોર મારી હતી.
જમ્મુ–કાશ્મીરમાં સંઘ અને ભાજપનાં મૂળિયાં નાખવા માટે જવાબદાર એવા પ્રા. હરિ ઑમ મહાજને લિખિત પ્રત્યુત્તરમાં જણાવ્યું છે કે ‘ગુરુજીની ભૂમિકા અંગે રેકર્ડ પર કાંઈ નથી. આરએસએસના કેટલાક નેતાઓ જે દાવો કરે છે તે માત્ર દાવો જ છે. જોકે મારે અહીં ઉમેરવું જોઈએ કે સરદાર પટેલની ભૂમિકા પણ ખાસ કંઇ પ્રોત્સાહક નહોતી.’ કુરુક્ષેત્ર ખાતે મળેલી સંઘની પ્રતિનિધિસભાના જમ્મુ–કાશ્મીરના ત્રિભાજનના ઠરાવના અમલ અને પીડીપી સાથે જોડાણ નહીં કરવાના આગ્રહી હરિ ઑમને ભાજપમાંથી જ તગેડી મૂકાયા અને એમના વિદ્યાર્થીને નાયબ મુખ્ય પ્રધાન બનાવી દેવાયા!
અન્ય સમાચારો પણ છે...