કાશ્મીરમાં અસંતોષ અને અલગતાવાદની આગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાશ્મીરનો ઉકળાટ ટાઢો પડવાનું નામ લેતો નથી. કારણ કે ત્યાં અનેક મુદ્દાની અટપટી ગૂંચ પડી છે. તેના બધા પક્ષકારો ઓછાવત્તા વાંકમાં છે અને મુત્સદ્દીગીરી ધરાવતી રાજકીય નેતાગીરીનો વર્ષોજૂનો અભાવ પરિસ્થિતિને સતત વણસાવતો રહ્યો છે. ગયા વર્ષે ત્રાસવાદી બુરહાન વાનીને ભારતીય લશ્કરી દળોએ ઠાર કર્યા પછી કાશ્મીરમાં ભડકા ઉઠ્યા હતા. એ સ્તરની તો નહીં, છતાં આ વર્ષે સૌથી નોંધપાત્ર કહેવાય એવી ઘટના બનીઃ એક ત્રાસવાદીના ઠેકાણા વિશે બાતમી મળ્યા પછી સલામતી દળોએ તેનું ઘર ઘેરી લીધું. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકોએ સુરક્ષાદળોને મદદરૂપ થવાને બદલે કે કમ સે કમ, જે થતું હોય તે થવા દેવાને બદલે, તેમના પર પથ્થરબાજી કરી. આ પથ્થરમારો એવો જોરદાર હતો કે પોલીસસૂત્રોના આંકડા પ્રમાણે, 40 જવાન અને 20 પોલીસકર્મીઓ તેમાં ઘાયલ થયા.

કાશ્મીર ખીણપ્રદેશની સૌથી મોટી મુશ્કેલી ત્રાસવાદીઓ-અંતિમવાદીઓ અને સામાન્ય નાગરિકોની ભેળસેળ છે. આ સમસ્યા બેધારી છેઃ તેની એક ધાર નાગરિકોને લોહીલુહાણ કરે છે. કારણ કે ત્રાસવાદવિરોધી કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળો ઘણી વાર સૂકા ભેગું લીલું પણ બાળી નાખે છે. ઉપરાંત, સતત તનાવગ્રસ્ત, અસલામતીપૂર્ણ માનસિકતાથી માંડીને અપાર સત્તાના દુરુપયોગ જેવાં કારણોસર નિર્દોષ નાગરિકો સલામતી દળોના અત્યાચારનો ભોગ બન્યા હોય, એવા કિસ્સા પણ ઓછા નથી. તેની બીજી ધાર સુરક્ષાદળોને લોહી કાઢે છે. કારણ કે સામાન્ય નાગરિકો ત્રાસવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવવા લાગે, તેમની સામે થતી કાર્યવાહીના વિરોધમાં સુરક્ષાદળો પર પથ્થરમારો કરે અને ત્રાસવાદીઓને સમર્થન આપે, તો સુરક્ષાદળોની કામગીરી બહુ મુશ્કેલ થઈ જાય છે અને તેમાં સફળતા મળવાની શક્યતા તેથી પણ ઓછી.

સુરક્ષાદળો દ્વારા થતા બળપ્રયોગની ટીકા સતત થતી રહે છે. આ પ્રકારના બળપ્રયોગ પર સતત નજર રહેવી જોઈએ અને તે નિરંકુશ ન થવો જોઈએ, તે અગત્યનું છે. સર્વોચ્ચ અદાલત પણ પેલેટ ગનને બદલે જેલી બોમ્બ જેવાં, દેખાવકારોને ઓછામાં ઓછી ઇજા પહોંચાડીને વિખેરી શકનારાં હથિયારોના પ્રયોગ માટે સૂચન કરે છે. તે દર્શાવે છે કે કાશ્મીરના નાગરિકો પ્રત્યે ભારતીય ન્યાયતંત્ર સંવેદનશીલ છે, પરંતુ કાશ્મીર ખીણપ્રદેશના ઘણા લોકોને જોઈએ છે આઝાદી.

કાશ્મીરના ખીણપ્રદેશમાં આઝાદી જેવો છેતરામણો શબ્દ કદાચ બીજો એકેય નથી. આઝાદી પછી તરત, દેશી રાજ્યોનું વિલીનીકરણ થઈ રહ્યું હતું ત્યારે પણ, શેખ અબ્દુલ્લા જેવા પ્રચંડ લોકપ્રિયતા ધરાવતા નેતાએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે કાશ્મીર એટલું નબળું અને આર્થિક રીતે પરાધીન છે કે તે પોતાનું સ્વતંત્ર અસ્તિત્ત્વ જાળવી શકે નહીં. તે (ભારતીય સંઘ)થી આઝાદ થાય તો પાકિસ્તાન તરત તેનો કોળિયો કરી જાય. શેખની આ વાત સાત દાયકા પછી પણ એટલી જ સાચી છે. એ વખતે પાકિસ્તાન જુદી ભૂમિકામાં હતું અને હવે ચીનના ખૂંટે કૂદતું પાકિસ્તાન જુદી ભૂમિકાએ છે. પરંતુ કાશ્મીર મુદ્દે તેનું વલણ મહદ્અંશે એકસરખું રહ્યું છે.
 
તેના પૂર્વ સરમુખત્યાર જનરલ ઝિયાએ કહ્યું હતું તેમ, પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ભારતને હજાર ઘસરકાથી લોહીલુહાણ કરવાનું ચાલુ રાખ્યું છે. પરમાણુસત્તા બન્યા પછી અને અમેરિકા (હવે ચીન) જેવા દેશોની મીઠી નજર તળે પાકિસ્તાને એ કામ બેરોકટોક ચલાવ્યે રાખ્યું છે. માટે, હવે કાશ્મીરીઓ આઝાદીની વાત કરે ત્યારે તેમની માગણી અશક્ય અને ખરેખર તો અસ્પષ્ટ લાગે છે. કારણ કે કાશ્મીર પાસે ભારત-પાકિસ્તાનથી અલગ રહી શકાય, એવો વિકલ્પ રહ્યો નથી. ઉપરથી ચીન જેવો વિસ્તારવાદી દેશ પણ પાકિસ્તાનને પાંખમાં લઈને ભારતને ભીડવવા માગે છે.
 
તિબેટ જેવું તિબેટ ગળી જનાર ચીન રેઢા પડેલા કાશ્મીરને ‘આઝાદ’ રહેવા દે એ વાતમાં માલ નથી. આ સત્ય સમજીને-સમજાવીને કાશ્મીરીઓને પાકિસ્તાનના રવાડે ચડતા અટકાવી શકે એવી સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાગીરીની તાતી જરૂર છે.
અન્ય સમાચારો પણ છે...