બાથ ભીડતાં શીખવે તે સાચી રમત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોમન ફિલસૂફ અને સર્વજ્ઞાનના દાતા મહર્ષિ ઓવિડે ‘આર્ટ ઓફ લવ’ પુસ્તકમાં કહેલું કે ‘રમતગમત દ્વારા આપણે આપણો ખરો મિજાજ, સ્વભાવ કે સંસ્કાર કે ચરિત્ર ખુલ્લાં કરીએ છીએ. અંગ્રેજીમાં આ પ્રમાણે વાક્ય છે, ‘ઈન પ્લે વી રિવિલ વ્હોટ કાઈન્ડ ઓફ પીપલ વી આર.’ નવી દિલ્હી નવા પોચટીયા શબ્દથી હવે પીડાય છે. તેનું નામ ‘પોલ્યુશન’ છે. ભારત અને શ્રીલંકાની ક્રિકેટમેચ વખતે શ્રીલંકાના ક્રિકેટરો રમતમાં પાણીમાં બેસી ગયા, તો દિલ્હીના હવામાનની ફરિયાદ કરતા હતા-મહિલાઓ પહેરે એવો મોઢાનો બુરખો પહેરવા માંડ્યા હતા! ભારતના ક્રિકેટરોને મોઢાના બુરખાની જરૂર પડી નહોતી. વિરાટ કોહલીએ પ્રદૂષણમાં જ ડબલ સેન્ચુરી ઠપકારી હતી.
શું શ્રીલંકાના ખેલાડીને ક્રિકેટ રમવા માટે ‘એરકંડીશન્ડ પ્લેગ્રાઉન્ડ’ જોઈએ? ક્રિકેટ એ આપણી અસલ રમત નથી કે શ્રીલંકાની પણ અસલ રાષ્ટ્રીય રમત નથી. આપણી રમત તો કૃષ્ણ ભગવાન અને ગોવાળો- ભરવાડોનો ગેડી દડો હતો. રમત કોને કહે? પ્લે કોને કહે? ગમ્મત કોને કહે? પ્રતિકુળ સંયોગોને ગમ્મત માનીને બાથ ભીડે તેને રમત કહે છે. હિન્દુસ્તાનના પંજાબ-ઉ. પ્રદેશના કુસ્તીબાજો હાથે કરીને- જાણી જોઈને શરીરે ગારો-કાદવ ચોપડીને કુસ્તી કરતા. પ્રતિકૂળ સંયોગોમાં જ વધુ રમાય છે-વધુ જામે છે. વરસાદ વરસે ત્યારે વર્ષામા ગેડીદડો રમવાની ઔર મજા આવે છે. આપણી હુતુતુની રમત શું હોય છે? માત્ર શરીરનું બળ હોય છે. શ્રીલંકાના ક્રિકેટરોને પ્રદૂષણ નડતું હતું! અરે, અમારી ઘરકામ કરનારી બહેનોને ટાઢ, તડકા કે અનરાધાર વરસાદ કાંઈ નડતું નથી. તેની ફરજ છે ઘરકામ! ફરી ફરી કહું છું ક્રિકેટ એ અસલ આપણી રમત નથી કે શ્રીલંકાની નથી. છતાં આપણે એને અપનાવી છે. બેટ ન મળે તો કપડા ધોવાના ધોકાને બેટ બનાવીને રમીએ છીએ. લુગડાના ગાભાનો દડો-બોલ બનાવીને રમીએ છીએ. ટૂંકમાં ઓછા કે ટાંચા સાધને અને પ્રતિકુળતામાં પાડોશીને નારાજ કરીને રમીએ છીએ. પણ ક્રિકેટ હવે માત્ર પ્યોર રમત રહી નથી. ક્રિકેટરો બધા કરોડપતિ અને કેટલાક અબજપતિ બની ગયા છે. 
તમે સાંભળ્યું કે વાંચ્યું હશે કે ભોપાલ આખું શહેર એક કમિકલ કંપનીના પ્રદૂષણમાં વરસો સુધી જીવતું હતું અને કોંગ્રેસ કે પછીની સરકારોનું પેટનું પાણી હલતુ નહોતું! ખરો લડવૈયો કોણ છે? ટાઢ, તડકો, વરસાદ અને ભગવાન- અલ્લાહ કે જે દેવમાં માનતા હો તે દેવને માનીને, જે રમતમાં ખુલ્લે દિલે ખાબકે તે રમતવીર છે. અમે બચપણમાં વાદથળ ગડગડાટ બોલાવે ત્યારે કહેતા કે દેવતાઓ ગેડીદડે રમે છે? ક્રિકેટ તો ઈગ્લેંડના શાસન સાથે ભારતમાં આવ્યું છે, પણ આપણે તેને પૂર્ણપણે અપનાવીને તેને મરદાનગી-રમત બનાવી છે- પૂર્ણ બનાવી છે અને આ ‘પ્રદૂષણ’ જેવો ગંદો શબ્દ પણ આપણને પશ્ચિમના લોકોએ શીખવાડયો છે. 
સ્પોર્ટ્સને ડો. રસેલ બેકર ‘ઓપીઅમ ઓફ ધ માસ કહે છે.’ સામાન્ય માનવીને સસ્તામાં અફીણનો અમલ આપનારી કોઈ પણ રમત છે. રમતગમતમાં જ માનવીનો જુસ્સો- સ્પીરીટ ઉંચો ચડે છે, તેમ એક લેખક ડો.પીએટી હેને કહ્યું છે. ઘણા ક્રિકેટની રમતને એ રીતે જુએ છે કે જાણે પોતે જ ક્રિકેટ રમતા હોય. એરિસ્ટોટલે મોજીલા અને રમતિયાળ માણસોને શીખામણ આપેલી કે ‘પ્લે, સો ધેટ યુ મે બી સીરીયસ’ તમે તમારા જીવનમાં થોડા જવાબદાર થાઓ- ગંભીર થાઓ તે માટે કોઈ રમત રમો. શ્રીલંકા કે કોઈ પણ દેશની ક્રિકેટટીમ કે બીજી રમતની ટીમવાળા ધ્યાન રાખે કે રમત કાંઈ માત્ર ફદીયા કમાવાનો ધંધો નથી. રમત તમને ગંભીર અને જવાબદાર થતાં શીખવે છે. મહાન ફિલસૂફ સી. કે. ચેસ્ટરફીલ્ડે કહેલુ ‘ધ ટ્રુ ઓબ્જેક્ટિવ ઓફ ઓલ હ્યુમન લાઈફ ઈઝ પ્લે.’ માનવજીવનનો ખરો હેતુ રમતિયાળ જીવન જીવવાનો છે. રમતગમતમાં વધુ પડતા ગંભીર બનવાની જરૂર નથી. બુરખા પહેરવાના નથી. રમવું તો મરદ થઈને રમવું પ્રતિકુળ સંયોગોમા પણ રમવું. ડો. માર્ટીન બેકરે કહેલું કે ‘પ્લે ઈઝ ધ એકઝલ્ટેશન ઓફ ધ પોસીબલ.’ અર્થાત્ રમતગમત શું છે? ‘એક્ઝલ્ટેશન’ શબ્દ બહુ ઊંચો છે. એકઝલ્ટેશન એટલે આહ્લાદ, અત્યાનંદ, પરમાનંદ, ઉલ્લાસ, રમતગમતનો હેતુ માણસના ચરિત્રને-તેના મનના આનંદને ઊંચે લઈ જનારી ચીજ છે. આ પૃથ્વી એક કર્મ કરવાનો બગીચો છે અને સ્વર્ગ જ તમને નિર્મળ રમતનો અવસર આપે છે. ફિલસૂફ મોલીયરે કહેલુ કે ‘આપણા આ કાવાદાવા કરનારા મનને પણ વિરામ જોઈએ છે અને તે વિરામ માત્ર રમત આપી શકે છે. તે વિરામ સૌથી વધુ ભારતમા ક્રિકેટની રમત આપે છે. એક સંતની શિખામણ છે કે તમારે અવારનવાર જગતની કડાકુટમાંથી સમય ઝુંટવીને રમત રમવી કે નિહાળવી જોઈએ. અહીં તો ક્રિકેટના મેદાનમાં પણ શ્રીલંકાના ક્રિકેટરો કડાકુટ લઈ આવ્યા. તેના દેશના સંચાલકોએ કહેવું જોઈતુ હતુ કે પ્લે ધ ગેમ એન્ડ પ્લે ઈટ ફુલ્લી એન્ડ ઈવન પેઈનફુલ્લી.
ફરી ફરી કહીશ કે રમત કોને કહે? માણસ મજબુત બનાવે કે મુશ્કેલીઓ કે તકલીફો કે અવરોધો સામે બાથ ભીડતા શીખવે તે રમત છે. માણસને બહાદુર બનતાં શીખવે તે રમત છે. એક પ્રદૂષણ જેવા પરદેશી અને નક્કામા શબ્દથી પાછા પડી જવું બાયલાપણું છે. ભડ હોય તો આવી જાઓ- એમ કહેનારો ભારતનો ભડ છે. ખરેખર પુછવાનું મન થાય છે કે આ પ્રદૂષણ વળી કંઈ વાડીને મૂળો છે?
અન્ય સમાચારો પણ છે...