ભારતમાં આજે એક ‘એનિગ્મા’ પેદા થયો છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: નરેન્દ્ર મોદી)
-વ્યક્તિ અને વ્યક્તિત્વ| ભારતના બ્લડમાં ડેમોક્રસી નથી અને ડિકટેટરશિપ પણ નથી. ભારતના લોહીમાં રાજાશાહી છે

અંગ્રેજીમાં એક શબ્દ છે- એનિગ્મા (Enigma) તેના હિન્દી-ગુજરાતીમાં ઘણા પર્યાય (અર્થ) છે. એનિગ્મા એટલે પ્રહેલિકા, પહેલી, રહસ્ય, ગૂઢ પ્રશ્ન, ભ્રમકારી વ્યક્તિ કે વસ્તુ (દા.ત. નરેન્દ્ર મોદી) એનિગ્મા એટલે સમસ્યા, ઉલઝન, પેચીદો મામલો. અંગ્રેજીમાં તેનો અર્થ છે રિડલ- કોયડો (Riddle) આજે નરેન્દ્ર મોદી ભારત માટે અને તેના રાજકારણી માટે મોટી ઉલઝન છે. તે માત્ર ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાન છે. જનતાના નથી. સમગ્ર ભારતની પ્રજાના કે મતદારોના વડા પ્રધાન નથી. તેમને ભાજપે ચૂંટયા પછી તો એ વધુ ‘એનિગ્મા’ રૂપ બની ગયા છે. એ માત્ર પોતાના જ અને થોડાક ખુશામતખોરો અને ઉદ્યોગપતિઓ માટેના દિલ્હીના પ્રધાન છે. તેમને વરસ પૂરું થયું પણ તેમની સત્તાના શરૂના 9-10 મહિના સુધી 99.9 ટકા પત્રકારો તેમના પ્રભાવમાં હતા. મોટે ભાગે ‘આર્થિક પ્રભાવ હતો.’ પણ હવે અમુક અખબારો બીતાં બીતાં ટીકા કરે છે.2001માં ‘એનિગ્મા’ નામની હોલિવૂડની ફિલ્મ પણ ઉતરેલી. રોબર્ટ હેરીસ નામના લેખકે એક નવલકથા લખેલી તે ઉપરથી આ ફિલ્મ બીજા વિશ્વયુદ્ધના એક હીરોના જીવન આસપાસ રચાયેલી છે. તેના હીરોને તેના ટેકેદારો- ચમચાઓ કેપ્ટન બનાવે છે પછી તે તેના ટેકેદારોને ભુલી જાય છે પોતાને જ એકલાને જુએ છે અને પછી પોતાનો નાશ નોતરે છે.

નરેન્દ્ર મોદી વિશેના મારી પાસે જ એક ડઝન પુસ્તકો આવ્યા છે. તે તમામે તમામ પુસ્તકો માત્ર તેની ખુશામત કરે છે- નગ્ન ખુશામત કરે છે. છેલ્લે દિલ્હીથી મારી પત્નીએ- ‘મોદી ઈફેકટ- ઈનસાઈડ નરેન્દ્ર મોદીઝ કેમ્પેન ટુ ટ્રાન્સફોર્મ ઈન્ડિયા’ના મથાળાવાળું ઈન્ટેલેકચ્યુઅલ- ખુશામત કરનારું 342 પાનાનું થોથું છે તેમાં તમને ભ્રમ થાય કે લેખક લાન્સ પ્રાઈસ મોદીના ટીકાકાર છે. પરંતુ હું દાવા સાથે કહી શકુ કે મોદીને તટસ્થ ભાવે અને ભારતની લોકશાહીને જાણનાર અને મોદીને અંદરથી જાણનાર લેખક હજી જન્મ્યો નથી. ઘણા લોકોને મોદીને પ્રો- બિઝનેસ ગણે છે! (દા.ત. ફરીદ ઝકરીયા) અરે પત્રકાર સાહેબો! ક્યો વડા પ્રધાન પ્રો. બિઝનેસ થયા વગર જીવી શકે? ઉરૂલીકાંચનમા એક વખત યશવંતરાવ ચવ્હાણ તેના ગાંધીવાદી મિત્ર મણીભાઈ દેસાઈને મળવા આવેલા. ત્યારે તે ડીફેન્સ પ્રધાન હતા. તેમણે મણીભાઈને કહેલુ (હું તેમની સાથે ટ્રેનમા હતો) ‘મણીભાઈ દિલ્હી આવો. વધુ મોજથી વાતો કરીશું... ત્યા મારે ડીફેન્સ મીનીસ્ટર તરીકે કંઈ જ કામ કરવાનુ હોતું નથી.’ ‘મણિભાઈએ યશવંતરાવને પૂછ્યુ પણ તમારા વડા પ્રધાન તમને કોઈ અગત્યના કામ માટે બોલાવશે તો?’ ‘અરે ચવ્હાણે કહ્યુ વડા પ્રધાન? વડા પ્રધાન તો મારા કરતાંય નવરા હોય છે.’ આ ઉદગાર આજે 2015માં પણ સાચા છે ટકોરા બંધ છે.
નરેન્દ્ર મોદી તેનાં સ્થાન અને હોદ્દાને ટકાવી રાખવા અનેક જાતના ઉદગારો કાઢે છે જે ઉદગારો પણ એનિગ્મા- (કોયડો) છે તેમણે 5-5-13ના એક પત્રકારને ઉલ્લુ બનાવ્યો. તેને કોયડારૂપ ઉદગારમાં કહેલું ‘ભારતમા લોકશાહી છે પણ એ લોકશાહી એટલા માટે નથી કે તેના બંધારણમાં છે. પણ લોકશાહી ભારતનાં લોકોમાં ડીએનએમાં છે!!! મુળભુત સૂત્રોમા છે. એ એક શ્રદ્ધાનો વિષય છે...!!! વાહ, વાહ, વાહ, વાહ! મોદી સાહેબ! તમે પોતે પણ કહી શકશો કે ભારતના ગુણ સૂત્રોમાં લોકશાહી છે? આ બૌદ્ધિક ગપ્ય મોદી સાહેબ ક્યાંથી ગોતી લાવ્યા? ભારતના ડીએનએમાં તો માત્ર રાજાઓ છે, નગરપતિઓ છે, કરોડપતિઓ છે. ભારતના બ્લડમાં ડેમોક્રસી નથી અને ડિકટેટર શીપ પણ નથી. અમે નાના હતા ત્યારે 84 વર્ષ પહેલાં અમારી બા એરંડીયાથી કે ગાયના ઘીથી દીવો કરે તેના ઉપર છાલીયું ધરે. છાલીયાને દીવાની મેશ લાગેલી. એ મેશ પછી અમારી બા આંખમાં આંજતી. આંજણ આંજીને ગાલે પણ કાળું ટપકુ કરતી. એટલા માટે કે અમારા ‘રૂપ’ ઉપર કોઈની નજર ન પડે.
આજે ચારેકોર મોદી મોદીના વખાણના દેશ-પરદેશમા ઢોલનગારા વાગે છે અને વગડાવે છે ત્યારે થોડાક જણે એ વખાણની મોદી ઉપર નજર ન લાગે તે માટે તેના ગાલે નાનુ ‘કાળું’ ટપકુ કરવું જોઈએ તેમ લાગે છે. જોકે નરેન્દ્ર મોદી આવી કોઈ નજર-ફજરને ગાંઠે તેવા નથી. એ ધરાહરના (ધરાસર) માણસ છે. દા.ત. ફેબ્રુઆરી, 2015નાં દિલ્હીની એસેમ્બલીની ચૂંટણીમાં તેમના પક્ષને અરવિંદ કેજરીવાલે મોદીના 1000 ફુટ દૂરના બે હાથ પહોળા બહાદુરી ભરેલા ભાષાણો છતાં હરાવી દીધા. સંકરેશન ઠાકુરે કલકતાના અખબાર ટેલિગ્રાફમા લખ્યુ છે કે- (સંકરેશન ઠાકુર મોદીના વિરોધી ગણાય છે- અલબત્ત ટેલિગ્રાફ તો ખરું જ)-‘આજે ગાંધીનગર કહો કે દિલ્હી કહો જે કોઈ દાવો કરે કે તે મોદીની ‘નિકટ’ છે તે તદ્દન જુઠ છે. સંકરેશન ઠાકુર લખે છે કે ‘નરેન્દ્ર મોદી તેની નિકટ કોઈને ફરકવા દેતા નથી. દિવસના પ્રારંભમા કે દિવસને અંતે મોદી એકલા છે. ‘મોદી ઈઝ એ સોલીટરી મેન.’

મુરલી મનોહર જોષી અને અડવાણીને મોદીએ જ તેના ખુશામતખોરો દ્વારા નક્કામા જંતુ તરીકે ઠરાવેલા. અને તેમનો નઝારો જોઈલો કે 437 જેટલી તો દેખીતી પબ્લીક મીટીંગો- જંગી ભાડુતી શ્રોતાની સભાઓ, ઈન્ટરનેટ અને મોડર્ન મીડીયાનો આશરો લઈ 5300 જેટલા પ્રચારના બ્રોડકાસ્ટ મોદીએ ચૂંટાયા પહેલા શરૂ ર્ક્યા. વહેલાસર વડા પ્રધાન થવાનું બેટલફીલ્ડ તૈયાર કરી નાખ્યુ! પૈસાની ચિંતા નહોતી તેના પ્રચારમાં પ્રભાવિત થયેલા ઉદ્યોગપતિઓ છૂટ્ટે હાથે અબજો આપતા હતા...’ ‘એવ-તામીલ્સ’ નામની વેબસાઈટ કહે છે કે મોદીએ તેમની સિદ્ધિઓના જબરા ગપ્પા મારેલા કે ગુજરાતમા તેમના શાસન વખતે 450 અબજ ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ થયુ હતું!!! પણ પણ. રિઝર્વ બેન્કે આંકડો આપેલો કે આખા ભારતમા કુલ ઈન્વેસ્ટમેન્ટ ફક્ત 33.38 અબજ ડોલરનું હતું તે ઈન્વેસ્ટમેન્ટમા ગુજરાતનો ફાળો ફક્ત ફક્ત 2.3 ટકા હતો. જ્યારે મહારાષ્ટ્રનો 45 ટકા અને દિલ્હીનો 26 ટકા હતો! પણ મોદીએ કહી નાખ્યુ કે ‘ગુજરાત ઈઝ ગેટવે ટુ ઈન્ડિયા’ અરે મોદી સાહેબ ઈન્ડિયાના ગેટવે અપરંપાર છે અને એમાંય ‘ભ્રષ્ટાચાર’ને તો મોદી સાહેબ તમે સેન્ટ્રલાઈઝ ર્ક્યા છે. તે ‘ભ્રષ્ટાચારની’ જોખીમા ઉદ્યોગપતિઓ મોદીની નજર નીચે પ્રસાદી ધરે છે. ભ્રષ્ટાચાર સેન્ટ્રલાઈઝ ઉર્ફે મોદીફાઇડ થયો છે.