જસ્ટિસ કર્ણન વિલન છે કે વ્હિસલબ્લોઅર ?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતના ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની અફવાઓ ઘણી વાર સંભળાય છે, પણ અદાલતના તિરસ્કારના કાયદાના ડરથી તે કદી જાહેર ચર્ચાનો મુદ્દો બનતો નથી. થોડા સમય પહેલાં સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંતભૂષણે જાહેરમાં નિવેદન કર્યું હતું કે સુપ્રિમ કોર્ટના ૧૬ પૈકીના ૮ ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો ભ્રષ્ટ હતા. આ વિધાન માટે પ્રશાંતભૂષણ સામે અદાલતના તિરસ્કારનો કેસ કરવામાં આવ્યો હતો, જેનો ચુકાદો હજુ આવ્યો નથી. હવે કોલકાતા હાઇ કોર્ટના જસ્ટિસ ચિન્નાસામી સ્વામિનાથન કર્ણને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ઉપરાંત ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હાઇ કોર્ટના તેમ જ સુપ્રિમ કોર્ટના ૨૦ જજ સાહેબોની યાદી સુપરત કરી છે, જેઓ ભ્રષ્ટ હોવાનું કહેવાય છે. આ પત્રને કારણે ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ભારતના ન્યાયતંત્રના ઇતિહાસમાં પહેલી વખત કોઇ સીટિંગ જજ સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
 
જસ્ટિસ કર્ણને પોતાના લેટરપેડ પર તા.૨૩ જાન્યુઆરીના રોજ ભારતના વડા પ્રધાનને ઉદ્દેશીને જે પત્ર લખ્યો છે, તેની એક નકલ આ લખનારના વાંચવામાં પણ આવી છે. તેમણે પત્રની પ્રસ્તાવના બાંધતા લખ્યું છે કે ‘‘નોટબંધીનાં પગલાં પછી જવાબદાર અધિકારીઓ દ્વારા ગેરકાયદે નાણું જપ્ત કરવામાં આવી રહ્યું છે અને ભ્રષ્ટાચારના પ્રમાણમાં પણ ઘટાડો થઇ રહ્યો હોવાનું જણાય છે. જોકે, ન્યાયતંત્રમાં ઉચ્ચ ભ્રષ્ટાચાર કોઇ પણ જાતના ડર વિના બેરોકટોક ચાલી રહ્યો છે. હું તમને પ્રારંભમાં ૨૦ ભ્રષ્ટ જજોની યાદી સુપરત કરું છું, જેમનાં નામો નીચે મુજબ છે.’’ જસ્ટિસ કર્ણન દ્વારા જે ૨૦ જજોની યાદી સુપરત કરવામાં આવી છે, તેમાં મોટા ભાગના તેમના ભૂતપૂર્વ સાથીદારો છે, જેઓ મદ્રાસ હાઇ કોર્ટમાં કામ કરી ચૂક્યા છે. તેમાં સુપ્રિમ કોર્ટના ચાર ભૂતપૂર્વ અથવા વર્તમાન જજ સાહેબોનાં નામો પણ છે, જેમાંના એક તો સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રિટાયર થઇ ચૂક્યા છે. જસ્ટિસ કર્ણને માગણી કરી છે કે સીબીઆઇ દ્વારા આ જજોના ભ્રષ્ટાચારની તપાસ કરવી જોઇએ. આ તપાસમાં ઉપયોગી થઇ શકે તેવા મદ્રાસ હાઇ કોર્ટના ત્રણ પદાધિકારીઓનાં નામો પણ તેમણે પોતાના પત્રમાં લખ્યાં છે. આ પત્ર સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે પહોંચ્યો ત્યારે તેમણે ન્યાયાધીશોના ભ્રષ્ટાચારની તપાસનો આદેશ આપવાને બદલે જસ્ટિસ કર્ણન પર અદાલતના તિરસ્કારની નોટિસ કાઢીને તેમને સુપ્રિમ કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો છે.
 
ભારતના ન્યાયતંત્રમાં પ્રવર્તમાન કથિત ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પોતાની કારકિર્દીને હોડમાં મૂકી દેનારા જસ્ટિસ કર્ણનની નિમણુક ઇ.સ.૨૦૦૯માં મદ્રાસ હાઇ કોર્ટમાં થઇ ત્યારથી તેઓ અનેક વિવાદોમાં ચમકી ચૂક્યા છે. ગયાં વર્ષે સુપ્રિમ કોર્ટની કોલેજિયમે તેમની બદલી મદ્રાસ હાઇ કોર્ટમાંથી કોલકાતા હાઇ કોર્ટમાં કરવાનો આદેશ આપ્યો તેની સામે તેમણે પોતે મનાઇહુકમ ફરમાવી દીધો હતો. તેમણે મનાઇહુકમમાં આક્ષેપ કર્યો હતો કે તેમનો જન્મ દલિત પરિવારમાં થયો હોવાથી તેમની બદલી કરવામાં આવી છે. પાછળથી આ બાબતમાં તેમણે માફી માગી લીધી હતી. જસ્ટિસ કર્ણન ૨૫ વર્ષથી મદ્રાસ હાઇ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા, માટે તત્કાલીન ચીફ જસ્ટિસ એ.કે. ગાંગુલીએ તેમનું નામ વધારાના જજ તરીકે સૂચિત કર્યું હતું. પાછળથી જસ્ટિસ ગાંગુલીએ જણાવ્યું હતું કે તેઓ જસ્ટિસ કર્ણનને ઓળખતા નહોતા, પણ તેઓ દલિત કોમોનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
 
જસ્ટિસ કર્ણનની પસંદગી કરનારા બીજા બે જજ સાહેબોએ તો તેમની સામે મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવાની સિફારસ કરી હતી.ઇ.સ.૨૦૧૧માં જસ્ટિસ કર્ણને નેશનલ કમિશન ફોર શિડ્યુલ્ડ કાસ્ટ સમક્ષ ફરિયાદ કરી હતી કે તેઓ દલિત છે માટે મદ્રાસ હાઇ કોર્ટના ૪-૫ જજો તેમનું નિયમિત અપમાન કરે છે. આ જાહેરાત કરવા માટે તેમણે પોતાની ચેમ્બરમાં પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી હતી. તેમાં એક મુદ્દો એવો પણ હતો કે કોઇ લગ્નસમારંભમાં બીજા જજે ઇરાદાપૂર્વક તેમના પગ પર પગ માર્યો હતો. નેશનલ કમિશને આ ફરિયાદ સુપ્રિમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસ એસ.એચ. કાપડિયાને મોકલી આપી હતી. ઇ.સ.૨૦૧૩માં જસ્ટિસ કર્ણને વિવાદાસ્પદ ચુકાદો આપ્યો હતો કે કોઇ ૨૧ વર્ષથી વધુ ઉંમરનો અપરિણીત પુરૂષ કોઇ ૧૮ વર્ષથી વધુ ઉંમરની અપરિણીત મહિલાને લગ્નનું વચન આપીને તેની સાથે જાતીય સંબંધ બાંધે તો તે મહિલા આપોઆપ પુરૂષની પત્નીનો દરજ્જો હાંસલ કરી લે છે. મદ્રાસ હાઇ કોર્ટના આ ચુકાદાને કારણે દેશનો પિનલ કોડ બદલાઇ ગયો હતો. મીડિયામાં આ ચુકાદાની બહુ ટીકા થવા લાગી ત્યારે તેમણે બીજો આદેશ બહાર પાડીને ટીકા પર પણ પ્રતિબંધ ફરમાવી દીધો હતો.
 
ઇ.સ.૨૦૧૪માં જસ્ટિસ કૌલ જ્યારે મદ્રાસ હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા ત્યારે જસ્ટિસ કર્ણને તેમના હાથમાં ૨૦ જજોની યાદી પકડાવી દઇ ફરિયાદ કરી હતી કે તેઓ બધા ભ્રષ્ટ છે. આ ૨૦ જજોએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસને પત્ર લખીને જસ્ટિસ કર્ણનની બદલી કરવાની માગણી કરી હતી. જસ્ટિસ કર્ણનની કોલકાતા હાઇ કોર્ટમાં બદલી થઇ ત્યારે તેમણે ફરી આક્ષેપ કર્યો હતો કે તેઓ દલિત છે માટે તેમને ભેદભાવનો ભોગ બનાવાઇ રહ્યા છે. ઇ.સ.૨૦૧૫માં તેમણે આક્ષેપ કર્યો હતો કે મદ્રાસ હાઇ કોર્ટના જજ દ્વારા મહિલા વકીલનું તેમની ચેમ્બરમાં શારીરિક શોષણ કરવામાં આવ્યું છે. જો જસ્ટિસ કર્ણને અદાલતના તિરસ્કારની સજાથી બચવું હશે તો તેમણે સુપ્રિમ કોર્ટને ૨૦ જજ સાહેબોના કથિત ભ્રષ્ટાચારના પુરાવા આપવા પડશે, જે કામ તેમના માટે બહુ મુશ્કેલ પુરવાર થાય તેમ છે.
અન્ય સમાચારો પણ છે...