અહંકારથી બચવા પોતાના મોહથી મુક્ત થાઓ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્યાઓના સમાધાન માટે દરેકના પોતાના રસ્તા હોય છે. કેટલાક લોકો એવું માનીને ચાલતા હોય છે કે કેટલીક સમસ્યાઓનું સમાધાન હોતું જ નથી. કેટલાક એવું માને છે કે સમસ્યા છે તો તેનું સમાધાન પણ હશે જ અને કેટલાક લોકો સમસ્યાને સમસ્યા માનતા જ નથી. તેઓ તેને જીવનશૈલી સમજીને પોતાની સાથે જ સમાધાન કરી લે છે. ભારતીય સંસ્કૃતિએ એક ખૂબ જ મૌલિક રસ્તો દરેક સમસ્યા માટે શોધ્યો છે અને તે છે મૂળને જાણવાનો. દરેક બાબતમાં કંઈક ને કંઈક છુપાયેલું હોય છે, બસ જોવા માટે યોગ્ય દ્રષ્ટિ હોવી જોઈએ. રાવણની રાજસભામાં જ્યારે હનુમાનજી તેને સમજાવી રહ્યાં હતા ત્યારે તેમને લાગ્યું કે રાવણની મોટી સમસ્યા છે તેનું અભિમાન. તે હતો વિદ્વાન એટલે તેને સામાન્ય ભાષામાં સમજાવવું શક્ય નહોતું એમ માનીને હનુમાનજીએ એ સિદ્ધાંતનો આધાર લીધો કે દરેક બાબતના મૂળમાં શું હોય છે તે જોવું. રાવણની સમસ્યા હતી અહંકાર, તેથી હનુમાનજી કહે છે, ‘મોહમૂલ બહુ સૂલ પ્રદ ત્યાગહુ તમ અભિમાન. ભજહુ રામ રઘુનાયક કૃપા સિંધુ ભગવાન.’ મોહ જેનું મૂળ છે, એવા પીડાદાયક તમરૂપ અભિમાનનો ત્યાગ કરી દો અને રઘુકુળના સ્વામી, કૃપાના સાગર ભગવાન શ્રી રામચંદ્રજીનું ભજન કરો. રાવણને તેમણે કહ્યું, આ અભિમાનનો ત્યાગ કરી દો, જેના મૂળમાં મોહ છે. મોહ વ્યક્તિને મજબૂર કરી દે છે કે તે યથાર્થથી દૂર જઈને અંગત પસંદ પર વધારે આધારિત થઈ જાય છે. અહંકારી હંમેશાં એમ ઈચ્છે છે કે તેને જે પસંદ છે તે થવું જ જોઈએ અને તેથી મોહગ્રસ્ત થઈને તે કોઈની પણ વાત સાંભળતો નથી. હનુમાનજીએ અહીંયા એક સિદ્ધાંત આપ્યો કે અહંકારથી બચવું હોય તો પોતાના મોહથી મુકત થઈ જાઓ. જીવન - પંથ, પં. વિજયશંકર મહેતા humarehanuman@gmail.com