પ્રજાના હિ‌તોનું રક્ષણ પ્રથમ ફરજ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક બાદશાહ હતો. તેનું રાજ્ય પર્યાપ્ત પ્રમાણમાં સમૃદ્ધ હતું. તે પ્રજાહિ‌તનું ખૂબ જ ધ્યાન રાખતો હતો. દુર્ભાગ્યવશ એક વખત તેના રાજ્યમાં દુષ્કાળ પડયો. સમૃદ્ધ લોકોને બહુ અસર ન થઈ, પરંતુ ગરીબો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઉદાર બાદશાહે ગરીબો માટે ખજાનો ખુલ્લો મૂકી દીધો, પરંતુ એક દિવસ તે પણ ખાલી થઈ ગયો. હવે બાદશાહ શું કરવું તે અંગે વિચારમાં પડી ગયો. તેની પાસે હવે માત્ર એક કિંમતી અંગૂઠી બચી હતી, જેમાં મોંઘું કિંમતી રત્ન જડેલું હતું. બાદશાહે તેને વેચી દેવાની આદેશ આપ્યો.

બાદશાહના મંત્રીને આ વાતની ખબર પડતાં તેણે બાદશાહને કહ્યું, 'આપની વીંટીંમાં જડેલું રત્ન બહુ કિંમતી હતું. આવું રત્ન મળવું ખૂબ જ મુશ્કેલ છે. તે આપે શા માટે વેચ્યું? બાદશાહે મંત્રીને કહ્યું, 'મારી પ્રજા ભૂખે મરતી હોય ત્યારે કિંમતી રત્નો પહેરવા મારા માટે શોભાસ્પદ નથી. મારી સૌપ્રથમ જવાબદારી પ્રજા પ્રત્યે છે. મારી દૃષ્ટિમાં પોતાની પ્રજાનું દુ:ખ-દર્દ સમજે તે રાજા જ સારો છે.