તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેટ-ઈતિહાદ સોદામાં કૌભાંડની ગંધ આવે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાને બ્રેક મારી ; ૨,૦પ૮ કરોડ રૂપિયામાં વિદેશી કંપની દ્વારા જેટ એરવેઝના ૨૪ ટકા હિ‌સ્સાનો સોદો

2-જી સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ ગેમ્સ અને કોલસા કૌભાંડમાં ડો. મનમોહનસિંહ ઉપર એવો આક્ષેપ કરવામાં આવતો હતો કે તેમણે ધૃતરાષ્ટ્રની જેમ આંધળા બનીને પોતાના હાથ નીચેના પ્રધાનોને અને અધિકારીઓને મસમોટાં કૌભાંડો આચરવાની છૂટ આપી હતી. આ કૌભાંડોમાંથી બોધપાઠ લઇને મનમોહનસિંહે ભારતની જેટ એરવેઝ અને અબુ ધાબીની ઇતિહાદ એરવેઝ વચ્ચેનો ૨,૦પ૮ કરોડ રૂપિયાનો શંકાસ્પદ સોદો અટકાવી દીધો છે. આ સોદાના શિલ્પી નાગરિક ઉડ્ડયન ખાતાના પ્રધાન અજિત સિંહે સોદો રદ્દ થાય તો રાજીનામાની ધમકી આપી છે.

ભારતમાં નાગરિક ઉડ્ડયનક્ષેત્રમાં સીધાં વિદેશી રોકાણને મંજૂરી આપવામાં આવી તે પછીના પહેલા સોદામાં અબુ ધાબીની ઇતિહાદ એરવેઝ કંપની ભારતના ખાનગી ક્ષેત્રની જેટ એરવેઝમાં ૨૪ ટકા િહસ્સો ખરીદવા માગે છે. આ સોદાની વિચિત્રતા એ છે કે ભારતની કંપનીમાં ૨૪ ટકા મૂડીનું રોકાણ કરનારી વિદેશી કંપનીના હાથમાં જેટ એરવેઝનો અંકુશ આવી જશે. આ કંપનીની હેડ ઓફિસ પણ અબુ ધાબીમાં ખસેડવામાં આવશે. વળી ૨૪ ટકાની મૂડીના પ્રમાણમાં જોઇન્ટ વેન્ચરમાં ઇતિહાદના ડિરેક્ટરોની સંખ્યા નિયત કરતાં વધી જશે.

જો ભારતની કંપનીના હાથમાં ૭૬ ટકા મૂડી રહેવાની હોય તો તેનો અંકુશ વિદેશી કંપનીના હાથમાં કેવી રીતે આવી જાય ? આ સોદામાં કોઇ છૂપા કૌભાંડની ગંધ આવતાં જનતા પાર્ટીના સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાનને પત્ર લખીને તેની તપાસ કરવાની માગણી કરી છે. ભાજપના નેતા જસવંત સિંહે પણ પત્ર લખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

જેટ - ઇતિહાદ વચ્ચેના સોદા ઉપર સહીસિક્કા કરવામાં આવ્યા તેના બે દિવસ પહેલાં જ કેન્દ્ર સરકારે અબુ ધાબીની સરકાર સાથે એક દ્વિપક્ષી કરાર ઉપર સહી કરીને બે દેશો વચ્ચે હવાઇ બેઠકોની ૧૩,૦૦૦ની સંખ્યામા ૩૬,૬૭૦ની વૃદ્ધિ કરવાનું નક્કી કર્યું હતું. આ કરારનો સૌથી મોટો લાભ જેટ-ઇતિહાદને જ થશે. એમ કહેવાય છે કે ઇતિહાદ કંપનીને ભારત સરકાર આ પ્રકારનો કરાર કરવાની છે તેની આગોતરી જાણકારી મળી ગઇ હતી. કેન્દ્ર સરકાર દ્વારા અબુ ધાબી સાથે જે કરાર કરવામાં આવ્યો તે વિદેશી એરલાઇન્સના લાભાર્થે જ કરવામાં આવ્યો હતો.

એક સમયે જેટ એરવેઝ કંપની ભારતની નંબર વન ખાનગી એરલાઇન્સ હતી. જ્યારે કેન્દ્ર સરકારે નાગરિક ઉડ્ડયનક્ષેત્રમાં વિદેશી રોકાણની હિ‌લચાલ શરૂ કરી હતી ત્યારે જેટ એરવેઝના અધ્યક્ષ નરેશ ગોયલે તેનો વિરોધ કર્યો હતો, કારણ કે તેમને ડર હતો કે વિદેશી એરલાઇન્સ સામેની સ્પર્ધામાં જેટનાં ધંધાને માર પડશે. જ્યારે જેટ એરવેઝ દેવામાં ડૂબી ગઇ ત્યારે નરેશ ગોયલે તેને વિદેશી કંપનીને વેચવાની યોજના બનાવી હતી અને તે માટે કેન્દ્ર સરકારની નીતિમાં પણ ફેરફાર કરાવ્યો હતો. આ નીતિ એક કંપનીના ફાયદા માટે બદલવામાં આવી હતી.

વિદેશની કોઇ કંપની ભારતની ખાનગી કંપનીમાં હિ‌સ્સો ખરીદે તેમાં કોઇ કૌભાંડ બનતું નથી; પણ વિદેશી કંપનીને લાભ કરાવી દેવા માટે ભારત સરકાર પોતાની નીતિમાં પરિવર્તન લાવે તો જરૂર કૌભાંડની ગંધ આવે છે. ઇતિહાદ કંપની જેટ એરવેઝમાં અમુક હિ‌સ્સો ખરીદવા આતુર હતી, પણ તેને સત્તાવાર ફાયદાઓ કરતાં વધુ ફાયદાઓ જોઇતા હતા. આ ફાયદાઓ માટે જેટ એરવેઝના અધ્યક્ષ માર્ચ મહિ‌નામાં નાગરિક ઉડ્ડયન ખાતાંના પ્રધાન અજિત સિંહને મળ્યા હતા અને તેમની સાથે કોઇ ખાનગી સોદાબાજી કરી હતી.

ત્યાર પછી તેઓ ઇતિહાદના અધિકારીઓને મળ્યા હતા અને તેમની સાથે ૨,૦પ૮ કરોડ રૂપિયામાં ૨૪ ટકા હિ‌સ્સાનો સોદો કર્યો હતો. તેમાં એવી સ્પષ્ટ સમજૂતી હતી કે ભારત સરકાર તમને બેઠકોની સંખ્યા વધારી આપશે ; તેની સામે તમે અમારો હિ‌સ્સો ખરીદી લેજો. ૨-જી સોદામાં જે રીતે તત્કાલીન સંદેશવ્યવહારપ્રધાન એ. રાજાની ભૂમિકા સંદેહાત્મક હતી તેમ આ સોદામાં વર્તમાન નાગરિક ઉડ્ડયન પ્રધાન અજિતસિંહની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે, જેઓ ગઠબંધનના પ્રધાન છે.

જેટ અને ઇતિહાદ વચ્ચેના ભાગીદારીના સોદા ઉપર સહીસિક્કા કરવામાં આવ્યા ત્યારથી બધાને ખબર હતી કે આ સોદો ઇતિહાદની તરફેણમાં ઝૂકેલો છે અને ભારત સરકારની માલિકીની એર ઇન્ડિયા કંપનીના ધંધાને પણ તેના કારણે નુકસાન જવાનું છે. આ સોદો થયો ત્યારે વડાપ્રધાનના કાર્યાલય દ્વારા તેનો જરા પણ વિરોધ કરવામાં ન આવ્યો, પણ વિપક્ષી નેતાઓના વિરોધને પગલે વડાપ્રધાનને પણ તેમાં કૌભાંડની ગંધ આવી રહી છે. માટે જ વડા પ્રધાનના કાર્યાલયે તાજેતરમાં નાગરિક ઉડ્ડયન ખાતા ઉપર એક પત્ર લખીને અમુક સવાલોના જવાબો માગ્યા છે. તેમાં એક સવાલ એવો ઉઠાવવામાં આવ્યો છે કે અબુ ધાબીને ૩૬,૬૭૦ બેઠકો વધુ ફાળવવાથી ભારતને નુકસાન નહીં થાય ? વડાપ્રધાનના કાર્યાલયે એવો અણસાર આપ્યો છે કે કેબિનેટમાં આ સોદાની ફેરવિચારણા કરવામાં આવશે. આ સોદો રદ્દ થવાના ડરથી નાગરિક ઉડ્ડયન ખાતાનાં પ્રધાન અજીત સિંહે સોનિયા ગાંધીની મદદ માગી છે.

ભારત-અબુ ધાબી વચ્ચે હવાઇ બેઠકોની સંખ્યામાં ૩૬,૬૭૦ જેટલી વૃદ્ધિ કરવાનો નિર્ણય નાગરિક ઉડ્ડયન ખાતાનાં પ્રધાન અજીત સિંહે એકલાએ નહોતો લીધો, પણ તેમાં નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ, વાણિજય પ્રધાન આનંદ શર્મા અને વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદ પણ સામેલ હતા. આ કારણે આ કૌભાંડનો વ્યાપ વધી જાય છે. હવે જો વડાપ્રધાન આ સોદો રદ્દ કરે તો આ ચારેય પ્રધાનોનું નાક પણ કપાઇ જાય તેમ છે.

વિપક્ષોને તો જેટ-ઇતિહાદ સોદામાં ૨ - જી પ્રકારના કૌભાંડની શંકા છે. તેમણે આ પ્રકરણમાં સુપ્રીમ ર્કોટના નિયંત્રણ સહિ‌તની સીબીઆઇ તપાસની માગણી કરી છે. વડાપ્રધાન ડો. મનમોહનસિંહને પણ આ સોદામાં કાંઇક કાચું કપાયું હોવાની ગંધ આવી છે. આ કારણે જ તેમણે જાહેર કર્યું છે કે કેબિનટની બેઠકમાં આ સોદાની ફેરવિચારણા કરવામાં આવે છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ર્બોડે અને સેબીએ પણ હજી આ સોદાને મંજૂરી આપી નથી. આ સંયોગોમાં વડા પ્રધાન આ સોદાને ફોક કરી નાંખે એવી પૂરેપૂરી સંભાવના છે. દૂધના દાઝેલા વડા પ્રધાન હવે છાશ પણ ફૂંકી ફૂંકીને પીવા અને કૌભાંડોથી બાર ગાઉ દૂર રહેવા માગે છે.