તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેફ બેઝોસ: હવે અવકાશમાં તમને હનિમૂન કરાવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અતિ ઊંચા પગારથી ધરપત નહીં અને કંઈક નવું કરવું એ બની આકાશી સિદ્ધિ

આપણે અમેરિકાના કમ્પ્યૂટર ટેક્નોલોજી તેમ જ સુપરસ્ટોરના માલિક જેફ બેઝોસની અધૂરી વાત પૂરી કરીએ છીએ. તે 'એમેઝોન ડોટ’ કોમનો માલિક છે. તેની કંપની ૨૦મું વર્ષ ઊજવે છે ત્યારે એની કંપનીની માર્કેટ-વેલ્યુ ૧૪૦ અબજ ડોલર છે. અમેરિકાના આલ્બુકર્ક શહેરમાં તે ૧૨ જાન્યુઆરી ૧૯૬૪ના જન્મ્યો છે અને આજે પ૦ની ઉંમરે તે ૭પ અબજ ડોલરનો સ્વામી છે. જેફ બેઝોસ માત્ર ૩ વર્ષનો હતો ત્યારથી તેને કમ્પ્યૂટર પ્રત્યે આકર્ષણ થયું હતું. તે તેને જિંદગીમાં અબજપતિ બનવામાં કામ લાગ્યું.

અમેરિકામાં તે પ્રિન્સટન યુનિવર્સિ‌ટીમાં કમ્પ્યૂટર-સાયન્સ અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિષયમાં ગ્રેજ્યુએટ થઈ તેણે અમેરિકાની શેરબજાર જે વોલસ્ટ્રીટ તરીકે ઓળખાય છે તેમાં તે જલદીથી ૧૯૯૦માં માત્ર ૨૬ વર્ષની ઉંમરે એક કંપનીનો યંગેસ્ટ સિનિયર વાઈસ પ્રેસિડન્ટ બન્યો. કંપની પણ જેવી તેવી નહોતી. તે સવાઈ અબજપતિ ડી.ઈ.શોની કંપનીનો વાઈસ પ્રેસિડન્ટ બન્યો. પણ અતિ ઊંચા પગારમાં તેને ધરપત ન થઈ. તેને કંઈક નવું કરવું હતું. સાહસ, કરવું હતું.

ઊંચો પગાર ખાઈને ''ગળિયા-બળદ’’ની જેમ પગાર ખાઈને પોદળા નહોતા કરવા આ અતિ ઊંચા પગારની નોકરી છોડી તેણે સાવ નાની ઉંમરે પોતાની એમેઝોન-ડોટ-કોમ નામની કંપની શરૂ કરી તે શરૂમાં તો ઈન્ટરનેટ ઉપરથી જ એક ઘોલકીમાં બેસીને પુસ્તકો વેચતો. પણ તે પછી માત્ર પુસ્તકો નહીં પણ ઈન્ટરનેટ ઉપરથી તેણે ''એવરીથિંગ સ્ટોર’’બનાવ્યો. તમને જે ચીજ જોઈએ તે કમ્પ્યૂટરના ''બેચાર અક્ષર’’ ટાઈપ કરો ત્યાં મળી જાય. તેની માતાનું નામ જેકલીન ગીઝ હતું તે હજી ટીનેજર હતી અને માસિકમાં પણ બેઠી નહોતી ત્યારે જેકલીન ગીઝ જેફ બેઝોસના પિતા રેડજોરગેનસેનને પરણી. પણ હજી જેફ બેઝોસ ચાર વર્ષનો થયો ત્યાં તેની માતાએ છૂટાછેડા લઈને આજે જે અટક ધરાવે છે તે માઈક બેજોસને પરણી. માઈક બેજોસ કમ્પ્યૂટર ટેક્નોલોજીમાં કમાયો હતો.

હજી સ્કૂલમાં હતો, ત્યાં જ જેફ બેઝોસે પોતાનો પ્રથમ બિઝનેસ નામે 'ડ્રીમ ઈિન્સ્ટટયૂટ’ શરૂ કર્યો. સ્કૂલમાં બેઠો ત્યારે જ ચોથા, પાંચમા અને છઠ્ઠા ધોરણના છોકરડા માટે 'સમર કેમ્પ’ યોજી તેને નિત નવા હજાર શીખવીને કમાતો. આખરે તેને ઈન્વેસ્ટમેન્ટ કંપનીમાં અતિ ઊંચા પગારની નોકરી મળી તે છોડીને તેણે પોતાની ઈ-કોમર્સની કંપની 'એમેઝોન’ શરૂ કરી તે તમે જાણો છો. આ એમેઝોન કંપની જે આજે ઈંગ્લેન્ડની રાણીના મહેલ ખરીદી શકે તેમ છે તે એમેઝોન.ડોટકોમ તેણે થોડાક નોકરો સાથે એક ખખડધજ મોટર-ગેરેજમાં શરૂ કરી અને તેમાં થોડાક બુદ્ધિના તારકસો સાથે મળી નવા નવા સોફટવેર વિકસાવવા માંડયો. દક્ષિણ અમેરિકાની એક વિરાટ નદી એમેઝોન ઉપરથી જેફ બેઝોસે પોતાની કંપનીનું નામ રાખ્યું. શું કામ?

બચપણમાં જેફ બેઝોસ હોડીમાં નહીં પણ વિરાટ સ્ટીમરમાં બેસીને જગતની આ અમુક દૃષ્ટિએ સૌથી પ્રથમ નંબરની મોટી નદીની ભવ્યતા જોઈ ગયો. એમેઝોન ૩૯૦૦ માઈલ લાંબી છે. તે સમુદ્ર જેવી છે પણ મીઠો સમુદ્ર છે. જંગી સ્ટીમરો ચાલે તેવી નદી રહી જાણે-મીઠો સમુદ્ર છે આ વિરાટ નદી અડધા બ્રાઝિલને પાણી પૂરું પાડે છે અને તેની અડધો ડઝન નદીઓ જગતના તરસ્યાઓ લોકોને જળ આપે છે. આવી ભવ્ય નદી જેવી જ પોતાની એ કંપનીને ભવ્ય બનાવવા તેનું નામ જેફ બેઝોસે એમેઝોન ડોટકોમ રાખ્યું હતું.એમેઝોન નામ ખૂબ શુકનિયાળ નીવડયું માત્ર છ વર્ષમાં જ ઈ-કોમર્સ એટલે કે કમ્પ્યૂટર ઉપરથી પુસ્તકો વેચવાનો ધંધો સફળ થતાં તેની કંપની ૪પ દેશોમાં પુસ્તકો વેચતી થઈ ગઈ.

કંપનીની સ્થાપના કરી ત્યાં જ બે મહિ‌નામાં દર સપ્તાહે તે કમ્પ્યૂટર પરથી ૧૨૦૦૦૦૦ રૂપિયાનાં પુસ્તકો વેચવા માંડયો. કંપનીને વિરાટ બનાવવા અને માત્ર પુસ્તકો નહીં પણ તેને ''એવરીથિંગ સ્ટોર’’ બનાવવા એમેઝોનને લિમિટેડ કંપની ૧૯૯૭માં બનાવી. શરૂમાં કમ્પ્યૂટર ડીસ્ક, વીડિયોઝ પણ વેચવા માંડયો પછી એમેઝોન ડોટકોમ ઉપરથી ફેશનેબલ વસ્ત્રો, ઈલેક્ટ્રોનિકસ, રમકડાં અને માગો તે ચીજ વેચવા માંડયો. તેનો એવરીથિંગ સ્ટોર સફળ થઈ જતાં તે ૧૪૦ અબજ ડોલરની માર્કેટ વેલ્યુ વાળી કંપનીનો માલિક થયો તેનાથી ઓડકાર નહીં ખાધો તેણે વોશિંગ્ટન પાસે સિએટલમાં એક એરોસ્પેસ કંપની શરૂ કરી અને ટૂંક સમયમાં તમારા ખિસ્સામા ખનખનિયા હશે અને હૈયડે હામ હશે તો તમને અવકાશની સફર કરાવશે.

હજી આ સ્પેસ કંપની ઊભી કર્યાના સમાચારની શાહી સૂકાણી નહોતી ત્યાં તેણે પ-૮-૨૦૧૩ના ''ધ વોશિંગ્ટન પોસ્ટ’’ નામનું અમેરિકાનું પ્રતિષ્ઠિ‌ત અખબાર ૨પ કરોડ રોકડામાં ખરીદ્યું.અરે ગઈકાલ સુધી તો હું અને ઘણા મારા મિત્રો માત્ર જાણતા હતા કે પ્રમુખ બરાક ઓબામાએ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ત્રાસવાદી સામે લડવા માનવરહિ‌ત લડાયક વિમાનો (ડ્રોન્સ) વાપર્યા હતા. પણ આ જેફ બેઝોસ નામના ભડવીરે તો ૧લી ડિસેમ્બર-૨૦૧૩ના જગતભરનાં અખબારોમાં ૧લે પાને સમાચાર ફેલાવ્યા કે તેણે ''એમેઝોન. પ્રાઈમ. એર’’ કંપની શરૂ કરીને તેના ગ્રાહકોને અનેક જાતની સેવા માનવરહિ‌ત યાત્રા દ્વારા પૂરી પાડવાનું સાહસ શરૂ કર્યું છે.

હજી આ ટેક્નોલોજી પ્રાયોગિક છે. અને માત્ર ૧૦ માઈલ છેટેની સેવા આપે છે. આવાં બધાં સાહસ કરવાનું જાણે જેફ બેઝોસને ગળથૂંથીમાં પાયું છે. તે ત્રણ વર્ષનો હતો ત્યારે જેફ બેઝોસને પારણામાં સૂવાનું ફાવ્યું નહીં, તેને મોટા માણસો પથારીમા સૂવે તેવી પથારીમાં સૂવું હતું તેથી તેણે તેના વિરાટ પારણાને કાપીને (ક્રીબ-ઈદકઇ) સ્ક્રૂ ડ્રાઈવરો વાપરીને પહોળું પથારી જેવું કરીને તે લોર્ડની જેમ સૂવા લાગેલો જેફ બેઝોસને જે કામમાં વળગાડે તે કામ તે ઉપરાંત કંઈક નવું કરતો.

મોન્ટેસોરી સ્કૂલમાં જેફ બેઝોસે પ્રયોગ ખાતર ખેતીવાડીમાં દિલ લગાડયું ત્યાં ખેતીવાડીમાં એટલો તન્મય થઈ જતો કે ટીચરોએ તેને ઊંચકીને કમ્પ્યૂટર ચલાવતો કર્યો. અને અહીં કમ્પ્યૂટરમાં તેણે જે કમાણી કરી તે તમે જોઈએ અને આજે? આજે હું આ લખું છું ત્યારે તેની ઉંમર હજી માત્ર પ૦ વર્ષની છે. ચૌદ વર્ષની ઉંમરે જ જેફ બેઝોસને એસ્ટ્રોનોટ અને પદાર્થ વિજ્ઞાની થવું હતું તે તેની મહેચ્છા હવે તે પૂરી કરશે અને તમે પોતે જ ખાતરી કરશો કે ૨૦૧પ-૧૬માં તમારી પાસે પૈસાની સંગવડ હશે. તો તમે નવાં લગ્ન કરી અવકાશમાં જેફ બેઝોસની સ્પેસ-હનીમૂન-ટ્રીપના ગ્રાહક બની અવકાશમાં મધુરજની ઊજવશો

કાન્તિ ભટ્ટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો