આઈપીએલ જુગારીઓનો અડ્ડો બની ગયો છે

Sanjay Vora

May 17, 2013, 06:20 AM IST
IPL was became gambling spot
૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું નેટવર્ક: પન્ટરોના ભોગે બુકીઓ અને ક્રિકેટરો અઢળક કમાણી કરે છે
ઈન્ડિયન પ્રિમીયર લિગ (આઈપીએલ)નો પ્રારંભ થયો ત્યારથી તેની ઉપર મેચ ફિક્સિંગના અને સ્પોટ ફિક્સિંગના આક્ષેપો થતા રહ્યા છે, પણ હવે લાગે છે કે આઈપીએલને જુગારીઓના લાભાર્થે જ ચાલુ રાખવામાં આવ્યું છે. ફાસ્ટ બોલર એસ.શ્રીસંત સહિ‌ત રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની સ્પોટ ફિક્સિંગના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી તેને પગલે બુકીઓ સાથેની ક્રિકેટરોની એક વધુ સાંઠગાંઠ ઉજાગર થઈ છે.
ઈન્ટરનેટ ઉપર 'ક્રિકેટ બેટિંગ’ શબ્દ ટાઈપ કરવામાં આવે ત્યારે આઈપીએલની મેચો ઉપર જુગાર રમાડતી અને ટિપ્સ આપતી અસંખ્ય વેબસાઈટો જોવા મળે છે. આ વેબસાઈટના સંચાલકો બુકીઓ સાથે બુકીઓ ક્રિકેટરો સાથે સંકળાયેલા હોય છે. બુકીઓ દ્વારા બોલરોને અમુક ઓવરમાં અમુક ચોક્કસ રન આપવા બદલ તગડી રકમ ચૂકવવામાં આવે છે. મેદાન ઉપર રમતો બોલર શરીરના ચોક્કસ હાવભાવ દ્વારા બુકીને તે કેટલા રન આપવાનો છે તેની માહિ‌તી આપે છે. આ મુજબ બુકી દાવ લે છે અને કમાણી કરે છે. ઓવરમાં થનારા રન ઉપર બેટ લગાવનારાઓને જાણ જ નથી હોતી કે આ ઓવરનું સ્પોટ ફિક્સિંગ થઈ ગયું છે.
તા. પાંચમી મેના રાજસ્થાન રોયલ્સ અને પુણે વોરિયર્સ વચ્ચેની મેચમાં અજિત ચાંડીલાને સ્પોટ ફિક્સિંગ માટે ૨૦ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તેની સામે તેણે ચોક્કસ ઓવરમાં ૧૪ રન આપવાના હતા. જોકે ચાંડીલાએ યોગ્ય નિશાની કર્યા વગર ૧૪ રન આપ્યા એટલે બુકીઓ ઊંઘતા ઝડપાયા હતા. તેમણે ચાંડીલાને ૨૦ લાખ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો ત્યારે ઝઘડો પણ થયો હતો. તા. નવમી મેના રમાયેલી મેચમાં શ્રીસંતને ચોક્કસ ઓવરમાં ચોક્કસ રન આપવા માટે ચિક્કાર રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ૧પ તારીખે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં બીજી ઓવરમાં ૧૩ રન આપવા માટે અંકિત ચવાણને ૬૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
આઈપીએલ ઉપર જુગારનું રેકેટ ચલાવતા બુકીઓ કહે છે કે આઈપીએલ-પમાં આશરે ૩૨,૦૦૦ કરોડ રૂપિયાનો જુગાર રમાયો હતો, પણ આઈપીએલ-૬માં આંકડો વધીને ૪૦,૦૦૦ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો છે. આજકાલ બેન્કો, કોલ સેન્ટરો, વીમા કંપનીઓ, મેનેજરો, સરકારી ઓફિસરો પહેલા શોખ ખાતર આઈપીએલ ઉપર ૧,૦૦૦ રૂપિયાથી દાવ લગાવવાની શરૂઆત કરે છે. તેઓ શરત જીતી જાય તો તેમને ૨,૦૦૦ રૂપિયા મળે છે. ધીમે ધીમે જુગારનો નશો વધતો જાય છે તેમ દાવની રકમ પણ વધતી જાય છે. અઠંગ પન્ટરો તો એક દાવમાં એક લાખ રૂપિયા સુધી પણ પહોંચી જતા હોય છે. આઈપીએલની મેચ ઉપર દાવ લગાવવો હોય તો કોઈ પણ પન્ટર પાસેથી બુકીના ફોન નંબર સહેલાઈથી મળી જાય છે. આ સમગ્ર ધંધો જુબાન અને વિશ્વાસ ઉપર ચાલે છે.
આઈપીએલની મેચો ઉપર સટ્ટો રમાડતા બુકીઓ કેટલા સુગ્રથિત હોય છે તેનો ખ્યાલ તાજેતરમાં મુંબઈમાં પકડાયેલા જુગારના અડ્ડા ઉપરથી આવે છે. કાલબાદેવીમાં આવેલા અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડયો ત્યારે ટેબલ ઉપર બેટ લેવા માટે ૩૦ મોબાઈલ ફોનનો ઉપયોગ થઈ રહ્યો હતો. આ બુકી પાકિસ્તાન અને દુબઈમાં આવેલા બુકીઓ અને ભારતના બુકીઓ વચ્ચે કડીનું કામ કરતો હતો. આઈપીએલની મેચ ચાલુ થાય ત્યારે તે વિદેશમાં રહેલા બુકીને ફોન જોડતો. આ ફોન સમગ્ર મેચ દરમિયાન જોડાયેલો રહેતો. ૩૦ ફોનના માધ્યમથી ભારતના ૩૦ બુકીઓ અને ૩૦ વિદેશી બુકીઓ વચ્ચેની કોન્ફરન્સ ચાલુ રહેતી. બીજા ૩૦ મોબાઈલ ફોન તેમણે બેટ લેવા માટે અનામત રાખ્યા હતા. રોજના તેમને આશરે ૪,૦૦૦ ફોન આવતા હતા. આ અડ્ડાનું દૈનિક ટર્નઓવર પ૦૦ કરોડ રૂપિયાનું હતું.
ઇન્ટરનેટ ઉપર પણ આઈપીએલની મેચો ઉપર સટ્ટો રમાડવા માટે અનેક વેબસાઈટો ચાલુ થઈ છે. આ +વેબસાઈટો ઉપર જે જુગાર રમાડવામાં આવે છે તેમાં હારજીતના રૂપિયાની ચૂકવણી ક્રેડિટ કાર્ડના માધ્યમથી થતી હોય છે. મુંબઈમાં રહેતો એક ૧૭ વર્ષનો કોલેજિયન યુવાન ગૌરવ બેટિંગનું રેકેટ ચલાવતો હતો. તેના ગ્રાહકો પણ મોટા ભાગના કોલેજિયન યુવક-યુવતીઓ હતા. ગૌરવે અનેક જુગારીઓ સાથે છેતરપિંડી કરીને રૂપિયા રળ્યા હતા. ગૌરવ દ્વારા છેતરાયેલા જુગારીએ પોલીસમાં ફરિયાદ કરતાં ઈન્ટરનેટ માધ્યમથી ચાલતા જુગારના નેટવર્કનો ભાંડો ફૂટયો હતો.
ઈન્ટરનેટ ઉપર જુગારનું જે નેટવર્ક ચાલે છે તે ઈન્ડિયન ક્રિકેટ ફેન્સના નામે ઓળખાય છે. તેનો માસ્ટરમાઈન્ડ રાજીવભાઈ તરીકે ઓળખાતો યુવાન છે. તેણે જુગાર રમવા માટે લોનની સવલત આપતી વેબસાઈટ પણ ખોલી છે. આ લોનની રકમ વસૂલ કરવા તેણે ગુંડાઓ રાખ્યા છે. બેટિંગની વેબસાઈટનું સંચાલન કરવા દિલ્હીમાં રહેતા આઈઆઈટીના એન્જિનિયર વરુણની સેવા લેવામાં આવે છે. ડ્રગ્સનો બંધાણી વરુણ અગાઉ પોર્નસાઈટનું સંચાલન કરતો હતો. હવે તેને માતબર રકમ આપીને ઈન્ટરનેટ ઉપર જુગારનું સંચાલન કરવા માટે રોકી લેવામાં આવ્યો છે.
આઈપીએલની મેચોમાં હવે દર્શકોની સંખ્યા ઘટતી જાય છે તેમ જાહેરખબરોમાંથી થતી આવક પણ ઘટતી જાય છે. તેમ છતાં આ તમાશો ચાલુ રાખવાનું એકમાત્ર કારણ જુગારમાંથી થતી બેનંબરી આવક છે. આઈપીએલનો ઢાંચો સટોડિયાઓ માટે આદર્શ છે. તેમાં કુલ ૭૦ મેચો હોય છે અને ભારે ચઢાવ-ઉતરાવ હોય છે. આઈપીએલની દરેક મેચ ઉપર આશરે ૩૦૦થી ૪૦૦ કરોડનો જુગાર ખેલવામાં આવે છે. અંતિમ રાઉન્ડની મેચો ઉપર આશરે ૧,૦૦૦ કરોડ રૂપિયાનો જુગાર રમવામાં આવે છે. તેમાંથી બુકીઓ ઉપરાંત ખેલાડીઓ પણ રમાય છે.
આઈપીએલના જુગારમાં જો કોઈને સૌથી મોટું નુકસાન થતું હોય તો તે પન્ટરો અથવા દાવ લગાવનારાઓ છે. રૂપિયાની લાલચમાં તેઓ રીતસરના લૂંટાય છે. હમણાં જ મુંબઈના એક પન્ટરે આઈપીએલના સટ્ટામાં નુકસાન જતાં પોતાના પિતરાઈ ભાઈનું અપહરણ કરીને ૩૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. ખંડણી ન મળતાં તેણે પોતાના ૧૩ વર્ષના પિતરાઈની હત્યા કરી નાંખી હતી. આઈપીએલના સટ્ટાના કૌભાંડમાં આવા તો અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે; તેમ છતાં ક્રિકેટ બોર્ડના સત્તાવાળાઓ તેના ઉપર પ્રતિબંધ મૂકતા અચકાય છે.
sanjay.vora@dainikbhaskargroup.com
ન્યૂઝ વોચ, સંજય વોરા
X
IPL was became gambling spot
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી