તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વદેશી ટેકનોલોજીની ટકોરાબંધ સફળતા, ઉપગ્રહ ઇન્સેટ-3ડીઆર તરતો મૂક્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અવકાશ ક્ષેત્રે સસ્તા ભાડામાં ઉપગ્રહો મોકલવાથી માંડીને એક સાથે સંખ્યાબંધ ઉપગ્રહો તરતા મૂકવાના મામલે ભારતની અવકાશ સંશોધન સંસ્થા ‘ઇસરો’ પંકાયેલી છે. તેની સિદ્ધિઓમાં અને સ્વાવલંબનમાં સમય સાથે ઉમેરો થતો રહે છે. ગઇ કાલે ‘ઇસરો’એ વધુ એક વાર સફળતાપૂર્વક જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વેહિકલ- GSLVની મદદથી 2,211 કિલો વજનનો ઉપગ્રહ હવામાન ક્ષેત્રે ઉપયોગી એવો ઉપગ્રહ ઇન્સેટ-3ડીઆર તરતો મૂક્યો. તેને કેવળ વધુ એક સફળતા નથી. તેનો જરા વિશેષ મહિમા છે. પોલર કહેતાં ધ્રુવીય ભ્રમણકક્ષામાં ઉપગ્રહ મૂકવા કરતાં, પૃથ્વીની સાથે અને સમાંતરે ભ્રમણ કરતો રહે એવો એટલે કે જીઓસિન્ક્રોનસ ભ્રમણકક્ષા ધરાવતો ઉપગ્રહ મોકલવાનું કામ વધારે પેચીદું છે. તેના માટેના ઉપયોગમાં લેવાયેલા લોન્ચ વેહીકલમાં ક્રાયોજેનિક એટલે કે વિશિષ્ટ બળતણ અને દહનપ્રક્રિયા ધરાવતા એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો. આ એન્જિન સંપૂર્ણપણે સ્વદેશી બનાવટનું હતું અને લગભગ બે દાયકાથી આવું એન્જિન વિકસાવવાનું ‘ઇસરો’નું સ્વપ્ન હતું.

‘ઇસરો’ સામેનો મોટો પડકાર ભારતના અવકાશ કાર્યક્રમને રશિયા-અમેરિકા જેવા દેશોના અસહકાર સહિત આગળ વધારવાનો હતો, જે દેશી સંશોધકો-ઇજનેરોએ ઉપાડી લીધો અને સફળતાપૂર્વક પાર પાડ્યો. GSLVના ત્રીજા તબક્કામાં ખપમાં આવતું ક્રાયોજેનિક એન્જિન તૈયાર કરવું અને તેને અખતરાના ધોરણેથી કાયમી વપરાશના સ્તરે લઇ આવવું, એ ‘ઇસરો’ના સંશોધકો માટે પૂરું થવાના આરે આવેલું કામ હતું. GSLVની આ દસમી અને સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન સાથેની ચોથી ઉડાન હતી. છ વર્ષ પહેલાં તેનો પહેલો અખતરો નિષ્ફળ થયો હતો અને લોન્ચ વેહિકલ તૂટી પડ્યું હતું. તેના પગલે એન્જિનમાં કરાયેલા ફેરફારો પછી બન્ને અખતરામાં સ્વદેશી બનાવટના ક્રાયોજેનિક એન્જિને ધાર્યું કામ આપ્યું હતું. માટે, આ વખતની ઉડાન પ્રયોગાત્મક નહીં, પણ સ્વદેશી એન્જિનની વિશ્વસનીયતા અને ઉપયોગીતાને સિદ્ધ કરવા માટેની હતી. તેમાં સંપૂર્ણપણે સફળતા મળતાં ‘ઇસરો’ માટે નવા રસ્તા ખુલ્યા છે. કેમ કે, લાંબા અંતરની ઉડાનો માટે ક્રાયોજેનિક એન્જિનની ટેકનોલોજી સિદ્ધ કરવી જરૂરી છે. તેના માટે અત્યાર લગી ‘ઇસરો’ આશરે રૂ.500 કરોડનો ખર્ચ કરી ચૂક્યું છે. પરંતુ તેમાં મળેલી સફળતા પછી, ‘ઇસરો’નો ખર્ચ ઉગી નીકળ્યો છે.

ક્રાયોજેનિક ટેકનોલોજી વિકસાવવા પાછળ ‘ઇસરો’એ કરેલો ખર્ચ કેટલો વાજબી છે તેનો અંદાજ એ વાત પરથી પણ આવશે કે અત્યાર લગી આવા બે-અઢી ટન વજન ધરાવતા ઉપગ્રહો ચડાવવા માટે ‘ઇસરો’ને યુરોપીઅન સ્પેસ એજન્સી પર આધારિત રહેવું પડતું હતું. ત્યાં સાડા ત્રણ ટનની આસપાસ વજન ધરાવતો એક ઉપગ્રહ તરતો મુકાવવા માટે એજન્સીને રૂ.500 કરોડ ચૂકવવા પડતા હતા—અને એ રકમ તો ફક્ત ભાડા પેટેની હતી. ઉપગ્રહ તૈયાર કરવામાં જે ખર્ચ થાય તે અલગ. તેની સામે, બે દાયકામાં આશરે રૂ.500 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ‘ઇસરો’એ હવે ક્રાયોજેનિક એન્જિનમાં પારંગતતા મેળવી લીધી છે. ટૂંક સમયમાં ચારેક ટન વજનના ઉપગ્રહ ચડાવી શકાય એવું લોન્ચ વેહીકલ વિકસાવીને ‘ઇસરો’ આગેકૂચ ચાલુ રાખવાનું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો