ગોરક્ષાના નામે: નોટ ઇન માય નેઇમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલ્યા, બોલ્યા. વડાપ્રધાન ગોરક્ષાના નામે ચાલતી ગુંડાગીરી સામે બોલ્યા. સાબરમતી આશ્રમના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ગૌભક્તિના નામે લોકોની હત્યા સ્વીકાર્ય નથી. મહાત્મા ગાંધીએ તેને સંમતિ ન આપી હોત... આ દેશમાં કોઈને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી... ચાલો, આપણે મહાત્મા ગાંધીના સ્વપ્નનું ભારત બનાવીએ...

કેટલી ઉમદા વાત! એક શાસક પાસેથી આનાથી વધારે કયા શબ્દોની અપેક્ષા હોઈ શકે? કેટલીક અપેક્ષાઓ 15 વર્ષ મોડી સંતોષાય તોપણ એટલું આશ્વાસન તો લઈ શકાય કે ચાલો, અત્યારે વડાપ્રધાન બનેલા નેતા ‘હર ક્રિયા કી પ્રતિક્રિયા હોતી હૈ’થી પ્રગતિ કરીને ‘કોઇને કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી’ ત્યાં સુધી પહોંચ્યા છે. ટૂંકમાં, થિયરીના પેપરમાં તે સરસ રીતે પાસ. પરંતુ પ્રેક્ટિકલનું પેપર હજુ રહ્યું. શાસક માટે એ પણ ઓછું  અગત્યનું નથી. શાસકના માર્ક મૂકવાના થાય ત્યારે થિયરી અને પ્રેક્ટિકલનો સરવાળો કરવો પડે. વડાપ્રધાને પ્રેક્ટિકલના પેપરમાં ઘણું કરવાનું બાકી છે.
 
આમ તો એ ગોરક્ષાને નામે ચાલતી ગુંડાગીરી કે અસહિષ્ણુતા જેવા મુદ્દે મૌન રાખવા માટે કુખ્યાત છે. તે બોલે ત્યારે એટલું મોડું થઈ ચૂક્યું હોય છે કે તેમનું બોલવાનું બધાને મોળું લાગે. આમ પણ શાસકના શબ્દોમાં વજન તેના આચરણથી ઉમેરાતું હોય છે - અને વડાપ્રધાને જેમને યાદ કર્યા છે, જેમના સ્વપ્નનું ભારત સર્જવાની વાત કરી છે, એ ગાંધીજીની સૌથી મોટી ખૂબી એ હતી કે તેમની કથની અને કરણી વચ્ચે અંતર ન હતું. ગાંધીજીની સંમતિ-અસંમતિની ચિંતા કરનારા ને તેમના સ્વપ્નનું ભારત બનાવવા ઇચ્છનારા વડાપ્રધાન પોતાના શબ્દો અને કાર્યોને એકરૂપ કરવાની, તેમની વચ્ચેનો મસમોટો તફાવત ઘટાડવાની શરૂઆત પોતાનાથી કરી શકે છે.
 
વડાપ્રધાનપદે પહોંચ્યા પછી તેમણે જાતે ધરપકડના આદેશ કરવાના હોતા નથી. પણ તેમણે પોતાના સ્થાનેથી શાસન-વહીવટી તંત્રને એવો સંદેશો આપવાનો હોય છે કે તે આવી ગુનાખોરી જરાય ચલાવી નહીં લે. બોલીને કે બોલ્યા વિના પણ અપાતા આવા સંદેશા વહીવટી તંત્ર ઝીલી લેતું હોય છે. ફક્ત ગોરક્ષા જ નહીં, મુસ્લિમવિરોધી કે દલિતવિરોધી કે આ પ્રકારના કોઈ પણ ધિક્કારથી પ્રેરાઇને બનેલી હિંસાની ઘટનાઓ વિશે પણ  સરકારે કડકાઈથી કામ લેવાની જરૂર છે.
 
અત્યારે એવું નથી થતું, તેના પરિણામસ્વરૂપે #NotInMyName (‘અમારા નામે નહીં’) જેવી ઝુંબેશો જન્મ લે છે. ટ્રેનમાં બેઠકના ઝઘડામાંથી વધી પડેલી વાતમાં એક મુસ્લિમ કિશોરની હત્યાના પગલે પહેલાં ઇન્ટરનેટ પર અને પછી વાસ્તવિક વિશ્વમાં આ ઝુંબેશ અને વિરોધપ્રદર્શન થયાં. માત્ર દિલ્હી જ નહીં, બીજાં શહેરોમાં પણ લોકોએ આ પ્રકારની ગુંડાગીરી સામે પોતાનો શાંત વિરોધ વ્યક્ત કર્યો. આ પ્રદર્શનની રાજકીય અસર કે તેના રાજકીય શાણપણ વિશે ટીકા હોઈ શકે, પણ તેની પાછળ રહેલી લાગણી એ જ હોય કે વડાપ્રધાનનું નિવેદન આવકાર્ય, હવે અમલનો વારો.
અન્ય સમાચારો પણ છે...