તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ત્રીઓ જમીનમાલિક બને તો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
ઉનાકાંડ યાદ છે? એક વર્ષ પહેલાં ઉનામાં ચાર દલિતોને ગોરક્ષકો દ્વારા ગાડી સાથે બાંધી દઈ જાહેરમાં લાકડીએ લાકડીએ મારવામાં આવ્યા હતા. કારણ એટલું કે તેઓ મરેલી ગાયનો નિકાલ કરી રહ્યા હતા, જે કામ તેઓ અનેક પેઢીઓથી કરતાં આવ્યા છે. મારનારનું ઘમંડ તો એવું કે એનો વિડિયો પોતે ઉતારી વટભેર સોશિયલ મીડિયા પર શેર કર્યો! એમને માનવતાડનમાં ગર્વ દેખાયો. આ ઘટનાએ ‘દેશમાં હવે નાત-જાતના વાડા નથી રહ્યા અને દલિતો પરના અત્યાચાર ઇતિહાસ બની ગયા છે.’ એ દલીલને વધુ એખ વાર સાવ ખોખલી સાબિત કરી આપી.
 
આ ઘટના પછી યથાયોગ્ય જ બે મોરચે સંઘર્ષ શરૂ થયો છે. એક તો કાનૂની જંગ. કેસ સી.આઈ.ડી. પાસે ગયો અને ગુનેગારોની ધરપકડ થઈ છે. કેસ અત્યારે અદાલતની વિચારણા હેઠળ છે. અને બીજું, જનઆંદોલન જેમાં ઘણા દલિત અને બિનદલિત નાગરિકો સીધા કે આડકતરી રીતે જોડાયા છે. ઉનાકાંડના એક વર્ષ દરમ્યાન જે દલિત ચેતના ઊભી થઈ છે તેને સુદૃઢ કરીને, જ્ઞાતિ પ્રથાને જડમૂળથી ઉખેડવા માટે જરૂરી લાંબા ગાળાના આર્થિક-સામાજિક બદલાવ તરફની કૂચ પણ શરૂ થઈ છે.

દલિતોનાં શોષણ અને અત્યાચારોનો આપણો કાળો ઇતિહાસ છે. તેમાં પરિવર્તન આવી તો રહ્યું છે, પણ ધીમું આવી રહ્યું છે. કારણ કે, તેઓ સામાજિક અને આર્થિક એ બંને પ્રકારના શોષણનો ભોગ બનતા આવ્યા છે. આથી આ બંને સૂચકો પર હજી પણ આ વર્ગ ખૂબ પછાત છે. સામાજિક અને આર્થિક પરિબળો એકબીજા સાથે એવા ગૂંથાયેલાં છે કે એકનો ઉપાય કરવો હોય તો બીજાનો ઉપાય શોધ્યા વગર શક્ય જ ન બને. દલિતો પરના અત્યાચાર રોકવા હોય તો તેઓ સ્વમાનભેર જીવી શકે એ માટે તેમના આર્થિક ઉત્થાનનું માળખું ઉભું કરવું જ પડે. એ માટે સાબૂત શિક્ષણની સાથે સાથે આર્થિક ઉપાર્જનનાં સાધનો પણ એમને ઉપલબ્ધ કરાવવા જ પડે. દલિત યાત્રાની મુખ્ય માગ જમીનહકની છે: સરકારે જે જમીન દલિતોને ફાળવી છે એના પર કબજો આપો.

જમીનના માલિકીહક એ માટેની પહેલી શરૂઆત છે. આ વાત આજની નથી. જમીન સુધારણાના કાર્યક્રમો અંતર્ગત સરકાર દ્વારા દલિતોના નામે જમીન  ફાળવવામાં આવી છે. આમ તો એમાંની મોટે ભાગે ખરાબાની જ જમીન છે. એટલે સૂકી, બિનપિયત અને ઓછી ઉપજાઉ. તો તેના માલિકીના હક મોટે ભાગે કાગળ પર જ રહ્યા છે. એનો કબજો હજી પણ ઉપલી જ્ઞાતિના હાથમાં જ છે. સદીઓથી શોષિત થતા રહેલા દલિતો મોટે ભાગે સવર્ણોની સામે ખોંખારો ખાઈને જમીન માંગતા ડરે છે. કારણ કે, જ્યારે પણ કોઈકે હિંમત કરીને જમીન માગી છે તો બદલામાં તેમની ઉપર લાકડી-તલવારના હુમલા થયા છે, તેમનાં ઝૂંપડાં સળગ્યાં છે, ગાળાગાળી થઈ છે, મા-બહેન પર હુમલા થયા છે. આ કોઈ સદીઓ પુરાણી વાતો નથી કે નથી કોઈ એકલદોકલ ઘટના. એકવીસમી સદીના આધુનિક ભારતમાં પણ બનતી રહેતી ઘટનાઓ છે. એને અટકાવવા છેક છેવાડેથી સશક્તિકરણ કરવું પડે.
 
જમીનની માલિકીના હક સ્ત્રીના નામે મળે તો છેક શોષિતોમાં પણ શોષિતનું સશક્તિકારણ થાય. સ્ત્રીઓના નામે જમીનની માલિકી હોય તેના ઘણા ફાયદા છે. સૌથી મોટો ફાયદો તો એ છે  કે એમાંથી થતી આવકનો ઉપયોગ દારૂ અને બીડી જેવા બિનજરૂરી ખર્ચમાં નહિ, પણ ઘર ચલાવવામાં અને બાળકોની જરૂરિયાત સંતોષવા  માટે થાય. એટલે સાચા અર્થમાં કુટુંબનું કલ્યાણ થાય. દારૂના નશામાં પુરુષ એને વેચી પણ ન શકે તેમજ જમીનમાંથી થયેલી આવક પર સ્ત્રીનું નિયંત્રણ હોવાથી સ્ત્રી પર હાથ ઉપાડતાં પહેલાં પણ એ સત્તર વખત વિચારતો થઈ જાય. એટલે કુટુંબમાં પણ સ્ત્રીનું માન જળવાય અને આખું કુટુંબ સચવાઈ જાય.

2016માં સરકારે એ વાત ફરી વાર કહી હતી કે સ્ત્રીઓના નામે જમીન માલિકી વધે એ માટે તેઓ પ્રતિબદ્ધ છે. આજે 74 ટકા ગ્રામીણ સ્ત્રીઓ ખેતી સાથે સંકળાયેલી છે, પણ એમાંની માત્ર 13 ટકા પાસે જ માલિકીહક છે. દલિત સ્ત્રીઓમાં તો જમીનની માલિકીનું પ્રમાણ એકાદ ટકા જેટલું માંડ હશે.  મૂળભૂત રીતે દલિતો પાસે જમીનની ઓછી. એટલે સ્ત્રીઓના નામે જમીન હોવાની માત્રા સ્વભાવિક રીતે નહીંવત્ છે. 
દલિત સ્ત્રીઓના ભાગે અનેક સ્તરે ભેદભાવનો ભાર સહન કરવાનો આવે છે. એક, તો દલિત, તે પણ સ્ત્રી, વળી પાછી ગરીબ અને મોટે ભાગે અભણ. સદીઓથી દલિત સ્ત્રીઓ માથે તો સવર્ણોના ખેતરમાં જ કામ કરવાનું લખાયેલું આવ્યું છે. પોતાનું ઘર ચલાવવા અને બાળકોની જરૂરિયાત પૂરી કરવા એણે મજૂરીની સાથે કાકલૂદી કરવાની હોય, ગાળો સાંભળવાની હોય, અનેક અહેસાન માથે લેવાના હોય. દેવું તો હોય જ, જેને પરત ચૂકવવાની જવાબદારી પણ સ્ત્રીઓ જ નિભાવતી હોય છે. આ પરિસ્થિતિમાં આર્થિક સંસાધનો પર સ્ત્રીઓને માલિકીહક આપવાથી તેમના અસહાય સંજોગોમાં તેમને મોટી સહાય તો મળી શકે, પણ આ તો બેચાર વીઘાવાળા સીમાંત ખેડૂતો છે, જેમની ખેતીમાં જોખમ પણ ખૂબ મોટું રહેલું છે.  

જમીનહકની સાથે સાથે જમીનને ઉપજાઉ બનાવવા પાણી પણ જોઈએ. કારણ કે દલિતોને ગામની નહેર કે તળાવમાંથી જો પીવાનું પાણી મળવાની તકલીફ હોય તો સિંચાઈ માટેના પાણી પર તો એમનો વારો છેલ્લો જ આવવાનો. એ સાથે ખાતર, બિયારણ અને ધિરાણ જેવી વ્યવસ્થામાંથી પણ આભડછેટના અંશોનો નાશ ના થાય ત્યાં સુધી દલિત સ્ત્રીઓ માટે જમીનની સાથે બાકીની વ્યવસ્થા આપોઆપ ગોઠવાઈ જશે એવું ધારી ન લેવાય. પાણી અને અન્ય સુવિધા વગરની જમીન દેવાનો નવો સ્રોત બની ન જાય એ ખાતરી પણ આપવી પડશે. વળી, કાયદાના શાસનની પણ વ્યવસ્થા ના ગોઠવાય તો પોતાની જમીન પરથી એને કોઈ ઉઠાડી દે એ ડર હંમેશાં માથા પર ઝળુંબતો રહે. એ માટેની રાજકીય ઇચ્છા શક્તિ અને સામાજિક તૈયારી જ સૌથી મોટા પડકાર છે.  

આજે દલિત ચળવળનું નેતૃત્વ યુવા નેતાઓના હાથમાં છે. સમય બદલાયો છે. ચેતના બદલાઈ છે. આ યુવાનો વિશ્વસનીયતા ખોઈ ચૂકેલા મોટા રાજકીય પક્ષોને બાજુ પર રાખી બંધારણીય હક માટે લડી રહ્યા છે. નવી ચેતના સાથે જમીનની માલિકી પછાતમાં પછાત વર્ગને મળે - એટલે કે દલિતોમાં પણ સ્ત્રીઓને અને સ્ત્રીઓમાં પણ વિધવા સ્ત્રીના નામે માલિકી મળે એ વાત તેમણે આંદોલનના મંચ પરથી ઉચ્ચારવામાં આવી છે, જે આવકાર્ય છે. સ્ત્રીના જમીનના માલિકીહકની બાબતમાં જે દરેક જ્ઞાતિમાં બનતું આવ્યું છે તેમ સામજિક દબાણ અને લાગણીના કાવાદાવા સ્ત્રીઓને તેમના હકથી વંચિત ન રહી જાય એ તકેદારી રાખવાની રહેશે.
 
અન્ય સમાચારો પણ છે...