તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશવ્યાપી વિરોધની અસરકારકતા કેટલી?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશના ચલણી નાણાંમાંથી રૂ.500-1000ની નોટ રદ થયાને પખવાડિયાથી વધુ સમય થઈ ગયો. હજી પણ રોજનું કરી ખાનારો દેશનો એક મોટો વર્ગ બેહાલ છે. નોકરિયાતો-વેપારીઓએ કામ છોડીને કલાકો બૅન્કની લાઇનમાં ઊભા રહેવું પડે છે. બૅન્કની બહારની કતારોમાં નગણ્ય ફરક પડ્યો છે અને મોટા ભાગનાં એટીએમ હજી પણ ‘નિર્ધન’ છે. મોટાં શહેરોની સામે ગામડાંમાં સ્થિતિ વધારે ખરાબ છે. દરમિયાન, સંસદનું શિયાળુ સત્ર વિરોધ પક્ષોના હંગામા વચ્ચે ચાલી શરૂ થયું છે.આદર્શ લોકશાહીમાં સરકારની ભૂલ હોય, તો વિપક્ષે તેનો અસરકારક વિરોધ પણ કરવો જોઈએ અને સરકારનો કાન પણ આમળવો જોઈએ.
નિ:શંકપણે નોટનાબુદી મુદ્દે સરકારનું પગલું પૂર્વાયોજન વિનાનું છે, જેની ટીકા થવી જ જોઈએ. પરંતુ વિપક્ષોનો વિરોધ મોડો અને મોળો છે. ઇન્દિરા સરકાર પછીથી દેશમાં ક્યારેય સત્તાપક્ષ અને વિપક્ષ એક સાથે મજબૂત અને કસોકસ બળિયા હોય તેવી સ્થિતિ સર્જાઈ નથી. આજે સત્તા મજબૂત છે, તો વડાપ્રધાનની આંખમાં આંખ પરોવીને સવાલ કરી શકે તેવો કોઈ વિપક્ષી નેતા નથી. મહામહેનતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ મૌન તોડે છે, તેમણે દર્શાવેલી ભીંતિ ઘણે અંશે સાચી હોવા છતાં, તેમની વાતનો ગજ વાગતો નથી.
પણ, ડોલર સામે રૂપિયો 68.86ના તળિયે પહોંચી ગયો છે, એ હકીકતને ભૂલવી ન જોઈએ.સંસદમાં નોટનાબુદી મુદ્દે વડાપ્રધાનની ગેરહાજરીને નિશાન બનાવવામાં આવી, તો ચાટુક્તિમાં માહેર વડાપ્રધાને એવું કહ્યું કે વિપક્ષોને ‘સમય ન મળ્યો’ તેનું પેટમાં દુખે છે. વિરોધમાંથી પણ પોતાની તરફેણમાં ફાયદો લેવામાં વડાપ્રધાન માહેર છે. નોટનાબુદી મુદ્દે તેમણે મોટું રાજકીય જોખમ લીધું હોય, ત્યારે તેઓ વધારે સાવચેત હોય એ સ્વાભાવિક છે. એટલે જ સત્તાપક્ષ આ નિર્ણયને રાષ્ટ્રવાદી નિર્ણય તરીકે ખપાવવા મથી રહ્યો છે. કારણ કે રાષ્ટ્રવાદના ઊભરા તળે નોટનાબુદીના ઘા ભૂલવી શકાય છે. દરમિયાન, ભટીંડામાં વડાપ્રધાને પાકિસ્તાનને અપાતું સિંધુ નદીનું પાણી રોકીને પંજાબને આપવાની ધમકી ઉચ્ચારી છે, તેમાં જળવિવાદ હોવાની સાથે રાષ્ટ્રવાદ જગાવવાનો છુપો આશય પણ હોઈ શકે છે.
આ બધાની વચ્ચે ડિમોનેટાઇઝેશનના છેક 20 દિવસ પછી વિરોધ પક્ષો દ્વારા સોમવારે સાર્વત્રિક વિરોધનું એલાન અપાયું છે. જેની સામે સરકારતરફી સોશિયલ મીડિયા ચેનલો સક્રિય થઈ ગઈ છે અને આ વિરોધને કેમ નિષ્ફળ બનાવવો તેની કસરત શરૂ કરી દેવામાં આવી છે.આમ છતાં, મુદ્દાનો પ્રશ્ન એ છે કે, શું આ પ્રકારના વિરોધ દ્વારા સરકાર પર દબાણ આવશે? ડિમોનેટાઇઝેશનનું પગલું ખોટું સાબિત થશે અથવા સરકાર તેને પાછું ખેંચવા મજબૂર થશે? અને આ વિરોધમાં આમ જનતાનો કેટલો સહકાર મળશે એ પણ એક પ્રશ્ન છે, કારણ કે દેશનો સૌથી મોટો વર્ગ વ્યક્તિગત રીતે વડાપ્રધાનના નિર્ણયને યોગ્ય માને છે.
28મીના દેશવ્યાપી વિરોધનો ફાયદો થાય કે ન થાય એ પછીની વાત છે, પણ જેમના ધંધા બંધ રહેશે એવા નાના ધંધાર્થીઓને નુકસાન ચોક્કસ થશે. વિરોધ હોય કે તરફેણ, ત્યારે જ સમગ્રપણે સફળ થાય, જ્યારે તેનો સ્વીકાર સાર્વત્રિક હોય. જેમના માટે વિરોધ થાય છે, જો તેને જ ફાયદાના બદલે નુકસાન પહોંચશે, તો એ વિરોધ નિરર્થક બની રહેશે.
અન્ય સમાચારો પણ છે...