ઈન્સ્ટન્ટ ફૂડ એટલે ઈન્સ્ટન્ટ બીમારીઓને આમંત્રણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઈન્સ્ટન્ટ ફૂડ એટલે ઈન્સ્ટન્ટ બીમારીઓને આમંત્રણ
- સાવધાન; ડબ્બાઓમાં પેક કરેલો તૈયાર આહાર ખાવાને કારણે આપણા આરોગ્ય ઉપર જોખમ ઝળુંબી રહ્યું છે


ભારતનાં બજારોમાં આજે ઈન્સ્ટન્ટ આહારનો ખડકલો જોવા મળે છે. ઈન્સ્ટન્ટ ગુલાબજાંબુ અને રસગુલ્લાથી શરૂ કરી ઈન્સ્ટન્ટ ખમણ-ઢોકળાં અને ઈન્સ્ટન્ટ પંજાબી સબ્જી પણ હવે વેચાવા લાગી છે. નોકરી અને ઘરકામનો બેવડો બોજો ઉઠાવતી ગૃહિ‌ણીઓ સમય બચાવવા અને હોટેલના આહારથી બચવા રેડી-ટુ-ઈટ ડબ્બાઓ લઈ આવે છે અને પોતાના પરિવારનું પેટ ભરે છે. ઈન્સ્ટન્ટ ફૂડની લોભામણી જાહેરખબરોમાં ક્યારેય આ ખોરાકથી આરોગ્યને કેટલું નુકસાન થશે તેની માહિ‌તી આપવામાં આવતી નથી.
આજે બજારમાં જે ઈન્સ્ટન્ટ ફૂડના ડબ્બાઓ વેચાય છે તેમાં તાજગી ટકાવી રાખવા માટે મોનો સોડિયમ ગ્લુકોમેટ અને બેન્ઝોનેટ જેવા ઝેરી રસાયણો ઉમેરવામાં આવ્યાં હોય તે સંભવિત છે. આ ઝેરી રસાયણોને કારણે આપણને ડાયાબિટીસ, સ્થૂળતા અને બ્લડપ્રેશર જેવી વ્યાધિઓ થાય છે. આજે બજારમાં માત્ર બે મિનિટમાં તૈયાર થતાં નુડલ્સ મળે છે, જેની લોભામણી જાહેરખબરો જોઈને બાળકો નુડલ્સ ખાવાની જિદ પકડે છે. આ નુડલ્સમાં સ્વાદ અને સોડમ માટે મોનો સોડિયમ ગ્લુકોમેટ જેવાં ઝેરી રસાયણો ઉમેરવામાં આવે છે.
આ રસાયણથી કેન્સર થવાની પણ સંભાવના રહે છે. તેથી આ પ્રકારના આહારથી દૂર જ રહેવું જોઈએ.
બજારમાં મળતા તૈયાર આહારને ટકાવી રાખવા માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત તેને આકર્ષક બનાવવા માટે તેમાં કૃત્રિમ રસાયણો, રંગો અને સુગંધ પણ ઉમેરવામાં આવે છે. આ બધાં જ રસાયણો આપણા આરોગ્યને એક યા બીજા પ્રકારે નુકસાન પહોંચાડે છે. આ પ્રકારના આહારને સ્વાિદૃષ્ટ બનાવવા માટે તેમાં મીઠું (નમક) પણ વધુ ઉમેરવામાં આવે છે.
આ વધારાનું મીઠું આપણા શરીરનું બ્લડપ્રેશર વધારી મૂકે છે અને હૃદયને પણ નુકસાન કરે છે. આ પ્રકારના આહારમાં મેંદાનું પ્રમાણ વધુ હોય છે, જેને કારણે કબજિયાત ઘર કરી જાય છે.બાળકોને આહારના પોષણમૂલ્યની જાણ નથી હોતી. તેઓ જાહેરખબરો અને દેખાદેખીથી અંજાઈ જાય છે. બાળકોને જ્યારે કકડીને ભૂખ લાગી હોય ત્યારે તેમને બટાટાની વેફર ખાવા આપનારાં મા-બાપ તેમના દુશ્મનની ભૂમિકા ભજવે છે. બટાટાની વેફરને તળવા માટે વેજિટેબલ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે.
જેનાથી આપણા હૃદયને હાનિ થાય છે. વળી બટાટાની વેફરમાં માત્ર કાર્બોહાઈડ્રેટ જ હોય છે. તેમાં વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ જેવા પોષક પદાર્થો બિલકુલ નથી હોતા. બાળક પોતાનું પેટ આ વેફર ખાઈને ભરે ત્યારે તે બાકીનાં બધાં પોષણથી વંચિત રહી જાય છે. આ પ્રકારની વેફર અને ચિપ્સ ખાવાને કારણે બાળકની ભૂખ મરી જાય છે અને તેની પાચનશક્તિ પણ ખરાબ થઈ જાય છે.ડબ્બામાં પેક કરવામાં આવેલા કોઈ પણ ખાદ્ય પદાર્થોનું ફેક્ટરીમાં પ્રોસેસિંગ કરવામાં આવે ત્યારે તેમાં રહેલાં આવશ્યક વિટામિન્સ ક્ષારો નાશ પામતાં હોય છે.
આ પદાર્થ જેટલો સમય ડબ્બામાં રહે તે દરમિયાન પણ પોષક પદાર્થોના વિઘટનની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. આ પદાર્થો ખાવાને કારણે આપણા શરીરને આવશ્યક પોષણ નથી મળતું, પણ પેટ ભરાઈ જાય છે. આ કારણે પેટ ભરીને ખાધા પછી આપણું શરીર કુપોષણનો ભોગ બને છે, જેને કારણે એનિમિયા અને આર્થરાઈટીસ જેવી બીમારીઓ થાય છે.ઘણા લોકો બજારમાંથી તાજાં શાકભાજી ખરીદીને ખાવાને બદલે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા વટાણા અને બીજાં શાકભાજી ખાવાનું પસંદ કરે છે.
તાજાં શાકભાજી અને ફળોમાં જે સત્ત્વ અને માધુર્ય હોય છે તે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા પદાર્થોમાં હોઈ શકે જ નહીં. કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલા વટાણાને આકર્ષક બનાવવા માટે ઘણી વખત તેમાં કૃત્રિમ લીલો રંગ પણ ભેળવવામાં આવે છે. કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલાં ફળોના રસને ટકાવી રાખવા માટે તેમાં સાઈટ્રિક એસિડ જેવા પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. આ રસાયણ આપણાં આંતરડાંમાં ચાંદા પણ પાડી શકે છે.જે ગૃહિ‌ણી નોકરી પણ કરતી હોય તેઓ ઘરમાં જાતજાતના સૂપના પેકેટ રાખે છે.
ઘરે તાજાં બનાવેલાં સૂપમાં અને આ પેકેટનાં સૂપમાં ઘણો તફાવત હોય છે. પેકેટનાં સૂપને આકર્ષક દેખાડવા માટે તેમાં કૃત્રિમ રંગો અને સુગંધ ઉમેરવામાં આવે છે. તેમાં સડો પેદા ન થાય તે માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ પણ ઉમેરવામાં આવે છે. તેમાં રહેલા ઉપકારક વિટામિન્સ તેમ જ ક્ષારો રાસાયણિક પ્રક્રિયાને કારણે નાશ પામ્યા હોય છે. આ સૂપ પીવાને કારણે આરોગ્યને ફાયદા કરતાં નુકસાન વધુ થાય છે. બજારમાં મળતાં ટોમેટો કેચ-અપ પણ આપણા આરોગ્યના દુશ્મન છે.
આ કેચ-અપમાં કૃત્રિમ રંગો, રસાયણો અને સુગંધ ઉમેરવામાં આવ્યાં હોય છે. તાજાં ટામેટાંમાં જે વિટામિન્સ અને ક્ષારો હોય છે તે કેચ-અપ બનાવવાની પ્રક્રિયામાં નાશ પામે છે. બજારમાં સસ્તી બ્રાન્ડના જે કેચ-અપ મળતાં હોય છે તેમાં તો કેન્સર પેદા કરે તેવા પ્રતિબંધિત રંગો વાપરવામાં આવે છે. રેંકડી પર મળતી સેન્ડવિચમાં તો તદ્દન હલકા પ્રકારનો કેચ-અપ વાપરવામાં આવે છે. આજે આપણા દેશમાં ખોટા આહારના ભક્ષણને કારણે પેદા થતી બીમારીઓ વધી રહી છે.
ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, મેંદો, ખાંડ, વેજીટેબલ ઘી અને કૃત્રિમ રસાયણો જેવા આપણા આરોગ્યના બીજા કોઈ દુશ્મન નથી. આજે કેન્સર, હૃદયરોગ, ડાયાબિટીસ, સ્થૂળતા, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી જે બીમારીઓ વધી રહી છે, તેનું મુખ્ય કારણ બજારનો આહાર છે. આપણે જો બજારનો ખોરાક ન ખાવાની પ્રતિજ્ઞા લઈએ તો મોટા ભાગની બીમારીઓથી બચી શકીએ છીએ.
@ sanjay.vora@dainikbhaskargroup.com