આરોગ્યવર્ધક મધની મધમીઠી વાતો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘ગોડ ઇન હીઝ વિઝડમ ક્રિએટેડ હની બી, ધેન હી સ્લેપ્ટ વેલ બીકોઝ હની બીઝ ડીડ સો મેની ઓફ ગોડઝ ડ્યૂટીઝ.’ ઈશ્વરે તેનું તમામ ડહાપણ વાપરીને મધમાખી પેદા કરી. પછી નિરાંતે ઉંઘી ગયા કારણ કે મધમાખીએ ઈશ્વરની ઘણી ફરજો અદા કરવા માંડી. ખાસ તો ઈશ્વરે ફૂલ બનાવ્યા તેનો ઉપયોગ માનવ ઈશ્વર કે અલ્લાહ કે માનવી કબરમાં કે શબમાં કરે તે પહેલા ફૂલમાંથી ઉત્તમ સત્વ માખીઓ ચુસી લે છે. ઘણા ઘણા વરસો પછી હું મધ ઉપર લેખ લખું છું. હું માની લઉં છું કે તમામે જગતના માનવના ઘરમાં અને ખાસ કરીને ગુજરાતીના ઘરમાં મધની બોટલ 99.9 ટકા હાજર હશે જ. કારણ કે મધ અને આયુર્વેદને સગપણ છે. ચાટણ તરીકે મધને ઘણા આયુર્વેદના ચૂર્ણો સાથે ખવાય છે.

પુણેથી પંદર માઈલ દૂરના મહાત્મા ગાંધી નેચરક્યોર આશ્રમમાં દરદી દાખલ થાય એટલે તેનાં પલંગ પાસેના કબાટમાં શુદ્ધ મધની બોટલ આવી જાય છે. સવારે તુલસી અને આદુના ઉકાળામાં નાખીને પીવાનું પીણું એ નિસર્ગોપચાર આશ્રમનું પ્રથમ ઔષધીય પીણું છે. ‘ડિવાઈન સોંગઝ ફોર ચિલ્ડ્રન’ નામના બાળકો માટેના કાવ્યસંગ્રહના લેખક કવિ ઇશાક વોટસે લખ્યું છે કે ‘મને મધમાખીની ઈર્ષ્યા એટલા પુરતી આવે છે કે બાળક તરીકે હું આ સૃષ્ટિ ઉપર ખીલતા ફૂલનો અર્ક ચુસું તે પહેલા મધમાખી તો ક્યારની સૂર્યના કિરણો ખીલે ત્યા ફૂલમાંથી મધ ચુસી લે છે.’

ગાંધીનગરના પોપટભાઈ પરમારને જાણે અંતર્યામી હોય તેમ ખબર પડી ગઈ કે મારે ઘરે હું જન્મ્યો ત્યારથી મધ ખટતું નથી. અને હવે આ ઉંમરે 85 વર્ષે તો અમેરિકા, બ્રાઝિલ, જર્મની અને બીજા દેશોનું મધ ઘરમાં હોય છે. પોપટભાઈ મારે માટે ‘ફોરએવર બી. હની’ લાવેલા. તે મધ મને 100 ટકા ચોખ્ખું જણાયું. તમારો દીકરો-દીકરી- ભાઈ કે સગા પરદેશ રહેતા હોય તો અમેરિકા કે બ્રાઝિલ કે જર્મનીનું મધ જરૂર મંગાવજો. ભારતમાં મધની માંગ એટલી બધી માઝા મુકી ગઈ છે કે ચોખ્ખુ મધ મળતું નથી.

મહુવા પાસેના ગામડામાં મારા ફૈબાને ઘરે રહેતો ત્યારે જંગલમાંથી વેડવા વાઘરી બાવળ કે બીજા ઝાડ ઉપરથી આખો મધપુડો ઉંચકીને લાવતા અને એ મધપુડામાંથી તમારી નજર સામે મધ વેડી દેતા. મધપુડામાંથી મધ કાઢવું તેને ‘મધ વેડવું’ એવા શબ્દ પ્રયોગ થાય છે. રાણી ક્લીઓપેટ્રા આરોગ્યના જ્ઞાનનો ઉપયોગ શરીરનું સૌંદર્ય વધારવા કરતી. રાણી ક્લીઓપેટ્રા સૌપ્રથમ ટબમાં દૂધ અને મધ નાખીને તેમાં સંપૂર્ણ નગ્ન બનીને સ્નાન કરતી. ‘ન્યુયોર્ક ટાઈમ્સ’ના 24-5-2016ના અંકમાં ખબર છે કે પેરીસ જેવા શહેરની અધવચ્ચે પાર્લામેન્ટના ઘણા બિલ્ડિંગો પૈકીના એક બિલ્ડિંગમાં મધપુડાઓ જામ્યા છે! પત્રકાર ઓર્લીયન બ્રિડન લખે છે કે ‘તમને જો ઈશ્વર કે ગોડ મધમાખીનો અવતાર આપે તો પેરીસમાં જન્મવાનુ પસંદ કરજો.

પેરીસમાં તમને ચોખ્ખુ અને લીચીના વૃક્ષો અને બોરડીના ઝાડના બોરમાંથી મધમાખી મધ ચૂસે છે તે ચોખ્ખું મધ મળે છે. અને આ મધ ફ્રાંસના ગામડા કરતાં પેરીસની પાર્લામેન્ટનું મધ મધપુડામાં બમણું અને સ્વાદમાં બમણુ મધુર હોય છે! જરૂર પેરીસ અને બીજા શહેરમાં પ્રદૂષણને કારણે બધી વસ્તુમાં બગાડ આવ્યો છે પણ પેરીસની મધમાખી જ ફૂલના અર્કમાંથી પોતે પ્રદૂષણને હટાવી લે છે. તમારે માટે શુદ્ધ મધ મધપુડામાં છોડે છે. ફ્રાંસ અને ખાસ તો પેરિસમાં અને આખા યુરોપમાં છેક 1856થી એકસોસાઠ વર્ષ પહેલાં મધમાખી પળાય છે. ફ્રાંસની નેશનલ એસેમ્બ્લી (લોઅર હાઉસ ઓફ પાર્લામેન્ટમાં) મધપુડા પાળે છે અને 17 ડોલરમાં એક ચોખ્ખા મધની બરણી ફ્રેંચ સાંસદો વેચે છે.

આપણી ભારતની પાર્લામેન્ટના ફિઝુલ ખર્ચી કરીને ઉંચા ભથ્થા લેતા સાંસદો પાર્લામેન્ટમાં દિલ્હીમાં મધપુડા પાળે તો પણ ઘણું છે! ફ્રેંચ કોમ્યુનીસ્ટ પાર્ટી પણ મધપુડાના અર્થતંત્રથી વંચીત નથી. સામ્યવાદીઓ પણ ઘણા મધપુડા પેરીસમાં ઉછરે છે! અમેરિકનો ભલે દારૂ પીએ કે બીજું ‘રાખધૂળ’ ખાય પણ જો તમે જાણો કે દરેક અમેરિકન વર્ષે 1.1 રતલ મધ ખાય છે તો તેના તરફ માન થશે. ઉનાળામાં મહિનામાં જર્મનીમાં ટ્રેડફેર યોજાય છે તેમાં 100 દેશોમાંથી 6800 એક્ઝિબીટરો આવે છે તે વિવિધ દેશના મધનું પ્રદર્શન યોજે છે ખાસ આ પ્રદર્શનમાં લોકોને મનમાં ઠસાવાય છે કે ચોખ્ખા મધમાં ખાંડના દોષો હોતાં નથી અને અનેક ખનીજો હોય છે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે અને તે ગુણને કારણે ગળપણના દોષો મધને લાગતા નથી.

જર્મનીમાં પ્રદર્શન ભરાયું તેમાં હિમાલયની ટેકરીમાંથી વેડેલુ મધ પણ પ્રદર્શન થયેલું. ઝાંબિયાની ઝાંબેસી નદીને કાંઠે થતા જંગલોમા મધમાખી મધપુડા બનાવે છે તેનુ મધ ઉત્તમ હોય છે. ચીનમાં દર ચાર મહિને મધનું પ્રદર્શન ભરાય છે. આ વખતે નવેમ્બરની 5મીથી ચાર દિવસ માટે કુનમીંગ ગામના ગામે જગતભરના દેશોનુ મધનું પ્રદર્શન ભરાશે.

જાપાનીઓ ચીનમાંથી 20 ટકા મધ વેચાતું લઈ લે છે. ચીનનું મધ અમેરિકનો, જર્મનો, બ્રિટીશરો અને ફ્રેંચમેનો ખાય છે. ગુજરાતીઓ તો મધને માત્ર દવારૂપે જ ચાટણમાં ખાય છે પણ મારી જેમ લુખું મધ ખાઓ તો તે કફ મટાડે છે. શરીરની કાંતિ વધે છે. ભારતનું ચોખ્ખુ મધ વિયેતનામીઓ ખાઈ જાય છે. કોણ જાણે જગતના આરબો અને મુસ્લિમોના વડવાઓ મધના ગુણ જાણી ગયા છે. આ વાત 2016ની નવી પેઢીના મુસ્લિમોએ જાણવી જોઈએ ‘આફ્રિકન બિઝનેસ મેગેઝિન’ લખે છે કે મધને મુસ્લિમો ખાદ્ય ઔષધ તરીકે વાપરે છે. તેમાં આરબો મોખરે છે. આરબ દેશો મહિને 20 ટન મધ ખાઈ જાય છે. નાઈજીરીયાના દરેક મુસ્લિમને ઘરે મધની એક બોટલ નહીં પણ મધની બે-ત્રણ બરણીઓ હોય છે. (મધ વિશે વધુ માહિતી હવે પછી).
અન્ય સમાચારો પણ છે...