(તસવીર પ્રતિકારાત્મક)
જાતિ આધારિત ચૂંટણીલક્ષી રાજકારણ અને સત્તાકારણે સર્જેલા સામાજિક વિરોધાભાસોનાં વરવાં દશ્ય ગુજરાતમાં ભજવાઈ રહ્યાં હોય એવું અનુભવાય છેઃ ‘થોડા દાયકાઓ પહેલાં શૂદ્ર અને હવે વૈશ્ય ગણાતી ગુજરાતની પાટીદાર કોમ’ (સુપ્રીમ કોર્ટના બહુચર્ચિત ઈન્દ્રા સહાની વિ.ભારત સરકાર કેસના ૧૬ નવેમ્બર ૧૯૯રના ચુકાદામાં ઘનશ્યામ શાહ જેવા નિષ્ણાતને ટાંકવામાં આવ્યા મુજબ) ત્રિભેટે આવીને ઊભી છે. પોતાને ઉજળિયાત કોમ તરીકે ઓળખાવવામાં ગર્વ લેનાર પટેલ કોમ હવે અન્ય પછાત વર્ગ(ઓબીસી)ની અનામત શ્રેણીમાં ગણાવા જંગે ચઢી છે. સત્તાસ્થાને પટેલ મુખ્યમંત્રી હોય અને સરકારમાં પટેલોની વગ ખાસ્સી ચલણી હોય ત્યારે એકાએક અનામત વિરોધી આંદોલનકાર પ્રજાના વર્ગને અન્ય પછાત વર્ગ(અધર બૅકવર્ડ ક્લાસીસ-ઓબીસી)માં સામેલ થવાનું કાં સૂઝયું એની કથાની પાર્શ્વભૂ રસપ્રદ છે.
ભડકો ઉત્તર ગુજરાતમાં થયો છે. સંકેત બહુ સ્પષ્ટ છે. નેતાગીરી કોણ લે એનો પ્રશ્ન હવે રહ્યો નથી. પાડોશનાં ત્રણેય રાજ્યોમાં એટલે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પટેલ કે પાટીદારને ઓબીસી તરીકેના લાભ માત્ર રાજ્યકક્ષાએ જ નહીં, રાષ્ટ્રીયકક્ષાએ પણ મળતા હોય તો પછી ઘરઆંગણે ગુજરાતમાં ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો જેવો ખેલ શેં સહન થાય? એમાંય પાછું ગુજરાતની ૬ કરોડને વટાવી ગયેલી વસ્તીમાં માંડ ૮ લાખની વસ્તીવાળા હરિભાઈ વેલજીભાઈ ચૌધરીના આંજણા પટેલ-ચૌધરી સમાજને રાજ્યમાં ઓબીસીનો ભરપટ્ટે લાભ મળે અને એમના સમાજના પ્રભાવક્ષેત્રવાળા મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠાના કડવા પટેલ અને લેઉવા પટેલ સમાજને એ ના મળે એ શેં સહન થાય? ગુજરાતના મુખ્યમંત્રીપદે હવેના સ્વર્ગસ્થ છબીલદાસ મહેતા હતા ત્યારે ૧૯૯૪-’૯પમાં ‘સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની રાજ્ય સરકારની યાદી’માં એટલે કે ઓબીસીમાં આંજણા પટેલ, આંજણા ચૌધરી, આંજણા દેસાઈનો સમાવેશ કરાવવામાં સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરી સફળ રહ્યા હતા.
ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રહેલા હરિભાઈ કાયમ શંકરસિંહની છાવણીના ગણાય, પણ આંજણા પટેલ સમાજની વાત આવે ત્યારે પક્ષભેદ ભૂલીને કામ કરે. એમના પુત્ર અમીત ચૌધરી માણસાના કૉંગ્રેસી ધારાસભ્ય છે. નિષ્ઠાવંત કૉંગ્રેસી હરિભાઈનો પોતાના સમાજના ભાજપી કેન્દ્રીય રાજ્ય મંત્રી હરિભાઇ ચૌધરી, રાજસ્થાનના ભાજપી રાજ્યપ્રધાન અમરારામ અને ભાજપી રાજ્યપ્રધાન શંકરભાઈ ચૌધરી સાથેનો ઘરોબો જાણીતો છે. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને ગળે આંજણા પટેલોને કેન્દ્રીય યાદીમાં સમાવવાની વાત ઉતારવા માટે હરિભાઈએ બરાબરનો તખ્તો ગોઠવ્યો, પણ આયોગની ટીમ ૧૯૯૮માં ગુજરાત આવી ત્યારે કડવા પટેલ સમાજના મનુભાઈ નાથુલાલ પટેલ, માણેકલાલ પટેલ અને એ.ટી.પટેલ ઉપરાંત મોઢ પાટીદાર સમાજના માણેકલાલ પટેલ પણ કડવા પટેલોને ઓબીસીની યાદીમાં મૂકાવવાની માગણી સાથે પહોંચી ગયા.
ગુજરાતના કડવા પટેલોમાં ૧૯૯૧ની ગણતરી મુજબ ૭૦% શિક્ષિત હોવા ઉપરાંત ૬૩% પરિવાર કાચા ઘરમાં રહેતા હોવાનો દાવો કરાયો હતો. આંજણા પટેલ-ચૌધરી-દેસાઈ સમાજ વતી હરિભાઈ ઉપરાંત મોહનભાઈ દેસાઈ, વી.કે.ચૌધરી અને ડી.જે.ચૌધરીએ રજૂઆત કરી. આંજણા પટેલ સમાજમાં શિક્ષણનું પ્રમાણ રપ% હોવા ઉપરાંત ૯પ% પરિવાર કાચા ઘરમાં રહેતા હોવાનો દાવો કરાયો હતો. જો કે ત્રણેય પટેલ સમાજની રાષ્ટ્રીય ઓબીસીમાં સમાવેશની માગણી ફગાવાઈ.
પછાત વર્ગ આયોગ થકી અત્યાર સુધી ૧૪૬ જાતિઓને ‘સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત’ જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં ર૭% અનામતનો લાભ આ જાતિઓને શિક્ષણ અને સરકારી નોકરીઓ માટે મળે છે. ઉત્તર ગુજરાતમાં ઓબીસીનો લાભ લેવામાં આંજણા પટેલ અને બારોટ સમાજ સૌથી અગ્રેસર હોવાથી સ્વાભાવિક રીતે જ અન્ય સમાજોમાં પણ આવી અનામતનો લાભ લેવાના ધખારા જાગે. રાજ્યમાં કહેવાતી ઉજળિયાત કોમમાંથી માત્ર પટેલ સમાજે જ એનો લાભ લેવાના પ્રયાસો કર્યા છે એવું નથી. બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ પણ એ મેળવવા પ્રયત્ન કર્યા છે.
કેટલાક સફળ થયા છે તો કેટલાકની માગણી ફગાવી દેવાઈ છે. રાજ્યમાં મોદીયુગમાં રાજગોર બ્રાહ્મણો અને કાયસ્થોનો સમાવેશ ઓબીસીમાં થયો ત્યારે મુખ્યમંત્રી રહેલા સુરેશ મહેતાએ અમને કહ્યું હતું કે અમારા સમાજે તો આવી માગણી કરી નહોતી અને છતાં એને ઓબીસીમાં મૂકવામાં આવ્યો છે. કેશુભાઈ-શંકરસિંહ યુગથી ઓબીસી આયોગની જવાબદારી સુજ્ઞાબહેન ભટ્ટ સંભાળે છે. હવે પટેલોને અનામત આપવા માટે પ્રવર્તમાન ૧પ ટકા આદિવાસી અને ૭.પ ટકા દલિત અનામત ઉપરાંતની ર૭ ટકા ઓબીસી અનામતમાં જ તેમનો સમાવેશ કરશે કે પછી રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેની જેમ અનામતની ટકાવારીને પ૦ ટકા કરતાં વધારવાનો નિર્ણય લેશે એ આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. કારણ સરદાર કે સચ્ચિદાનંદની ઓથે, પટેલોને ‘કણબી’ ગણાવવાની શરતે પણ, અનામતનો લાભ મળે નહીં ત્યાં સુધી ચળવળકારો ઝંપીને બેસે એવું લાગતું નથી.
સરદારે પટેલોને કણબી તરીકે અનામતનો લાભ લેવાની વાત ક્યાં કરી એનો સંદર્ભ મળતો નથી. સાથે જ જેએનયુના નિવૃત્ત પ્રાધ્યાપક ડૉ.ઘનશ્યામ શાહ તો કહે છે કે સરદાર જીવતા હતા ત્યાં લગી આ વાત થઈ નહોતી. ઓછામાં પૂરું, પાડોશી રાજ્યોમાં પાટીદારો અને લેઉવા પટેલોને પણ ઓબીસી અનામતનો લાભ કેન્દ્રીય સૂચિમાં સામેલ કરીને અપાતો હોય, તો પછી ગુજરાતમાં કેમ નહીં એવો તર્કસંગત પ્રશ્ન થવાનો જ. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે જાહેર કરેલી ઓબીસી જાતિઓમાં મહારાષ્ટ્રમાં ૭૦મા ક્રમે ‘કુણબી(કણબી), લેવા કુણબી, લેવા પાટીલ, લેવા પાટીદાર અને કુર્મી’નો સમાવેશ છે. મધ્યપ્રદેશમાં કેન્દ્રીય લાભ અપાવતી ઓબીસીની સૂચિમાં ૬૦મા ક્રમે ‘પાટીદાર, કુણબી અને કુર્મી’નો સમાવેશ છે. રાજસ્થાનમાં રાજ્યની જે ૮૧ જાતિઓને ઓબીસીમાં સમાવાઈ છે તેની યાદીમાં ર૮મા ક્રમે ‘કણબી, કલબી, પટેલ, પાટીદાર આંજણા, ડાંગી પટેલ, કુલમી’નો સમાવેશ છે.
ચરોતરના મહેળાવથી રાજસ્થાન જઈ વસેલા લેઉવા પટેલનેય રાજસ્થાનમાં અનામતનો લાભ મળે છે. દ્બારકાના ગુગળી બ્રાહ્મણો ઉપરાંત સમગ્રપણે ગુજરાતમાંથી બ્રાહ્મણોને કેન્દ્રીય ઓબીસી અનામતમાં મૂકાવવા રજૂઆત થવા ઉપરાંત રાજપૂતો અને પુરબિયા રાજપૂતોને પણ ઓબીસીમાં સમાવવા માટે પછાત વર્ગ આયોગને રજૂઆત થઈ છે. એક વાર કડવા અને લેઉવા પટેલોનો ઓબીસીમાં સમાવેશ થઈ જાય, પછી બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો સમાવેશ ઓબીસીમાં થતો રોકી નહીં શકાય. જૈનોને તો લઘુમતી જાહેર કરીને લાભ આપવાનું શરૂ થઈ જ ગયું છે. સમાજશાસ્ત્રી એમ.એસ.શ્રીનિવાસની સંસ્કૃતિકરણની વિભાવનાથી વિપરીત સમાજના ઉજળિયાત ગણાતા વર્ગોએ હવે પછાત ગણાઈને અનામતનો લાભ લેવાની હૂંસાતૂંસી આદરીને નવા વિરોધાભાસ સર્જ્યા છે. એની પાછળ દોરીસંચાર તો રાજકીય અગ્રણીઓનો જ છે.
-હરિ દેસાઈ
લેખક સરદાર પટેલ સંશોધન કેન્દ્રના નિયામક અને જાણીતા પત્રકાર છે
}haridesai@gmail.com