સાહસિક નિર્ણયો ન લેવાને કારણે નિરાશા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
-અપેક્ષાઓ અધૂરી |સારા રેકોર્ડ બાદ પણ મોદી પોતાના સમર્થકોની ઊંચી અપેક્ષાઓને મેનેજ કરવામાં નિષ્ફળ રહ્યા છે
રાજકારણ થોડા સમયનો ખેલ હોય છે જ્યારે અર્થતંત્ર લાંબા સમયનો. બંને અંતિમ સમયે ભેગા થાય છે, પરંતુ વચ્ચેના સમયમાં તેઓ વિરુદ્ધ દિશામાં જવા લાગે છે. આ વિરોધાભાસને કારણે મોટાભાગના લોકોનું નિરાશ થવું વ્યાજબી છે. પોતાની સરકારની પ્રથમ વર્ષગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જ સમસ્યા છે. સારા રેકોર્ડ બાદ પણ તેઓ પોતાનાં સમર્થકોની અસમાન્ય રીતે ઊંચી અપેક્ષાઓને મેનેજ કરવામાં નિષ્ફળ રહ્યા છે. મુખ્ય પ્રાથમિક્તાઓ પર નજર ન રાખી શકવાને કારણે યોજનાઓના અમલીકરણમાં લાવવાની તેમની લાયકાત શંકાના ઘેરામાં આવી ગઈ છે. સૌથી મોટું આશ્ચર્ય તો એ રહ્યું છે કે તેઓ સાહસિક સુધારકને બદલે વ્યવહારિક અને ધીમે-ધીમે સુધારા લાવનારા વડાપ્રધાન બની ગયા છે.

અર્થતંત્ર એક વર્ષની સરખામણીએ સુધર્યું છે, પરંતુ એ તેની મૂળ ક્ષમતાની નજીક પણ પહોંચી શક્યંુ નથી. જીડીપીના વિરુદ્ધ દરે વલણ બદલી નાખ્યું છે. ભારત આગામી વર્ષ સુધી ચીનને પાછળ મુકીને દુનિયાની સૌથી ઝડપીથી આગળ વધતું મુખ્ય અર્થતંત્ર બની જશે. ફુગાવાનો દર 18 મહિનાની સરખામણીએ અડધો રહી ગયો છે. ગયા વર્ષે રૂપિયો સૌથી સ્થિર ચલણમાંનો એક રહ્યો છે. સરકારની આર્થિક સ્થિતિ પણ મજબુત છે. આર્થિક અને ચાલુ ખાતા, બંને કાબુમાં છે અને બહારથી મૂડીની આવક વર્ષ 91-92 બાદ સૌથી વધુ છે. વીમા તથા સંરક્ષણ ક્ષેત્રનું ઉદારીકરણ અને ડીઝલને નિયંત્રણ મુક્ત કરી દેવાયું છે. કોલસાનું ઉત્પાદન 8.3 ટકા વધ્યું છે, 23 વર્ષમાં સૌથી વધુ પાવર પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે. પરિયોજનાઓને મંજૂરી આપવામાં અનિર્ણયની સ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે. સામાન્ય અને રેલવે બજેટ રોકાણ વધારનારા હતા. છેલ્લા 12 મહિનામાં કોઈ કૌભાંડ સામે આવ્યું નથી અને દેશમાં કૌભાંડોનો યુગ સમાપ્ત થવાની પાતળી આશા બંધાઈ છે.

આટલો સુંદર રેકોર્ડ હોવા છતાં પણ લોકોમાં અસંતોષ શા માટે ફેલાઈ રહ્યો છે? તમે જ્યારે આર્થિક મંદીમાંથી બહાર આવી રહ્યા હો ત્યારે નોકરીઓ લાવવામાં સમય તો લાગે છે. બજારમાં માગ પણ અત્યારે ઓછી છે. કંપનીઓનાં પરિણામ સારા નથી. ખેતી માટે આ ખરાબ વર્ષ રહ્યું છે અને નબળા મંત્રી હોવાને કારણે સ્થિતિ સુધારવામાં મદદ મળી નથી. નિર્માણ ક્ષેત્રમાં રોજગાર ધીમે-ધીમે પાછું ફરશે, કેમ કે છેલ્લી સરકારે મંજૂરી આપવામાં જે અનિર્ણય દેખાડ્યું છે તેનાથી માળખાગત નિર્માણમાં લાગેલી કંપનીઓને નુકસાન પહોંચ્યું હતું.
પાછલી સરકારની નિર્ણય ન લેવાની ક્ષમતાથી કંટાળીને તથા નરેન્દ્ર મોદીનું અમલીકરણનું કૌશલ્ય જોઈને લોકોએ તેમને ચૂંટ્યા છે. અત્યાર સુધી તો તેમણે આ બાબતનું કોઈ પાકું ઉદાહરણ આપ્યું નથી. જનધન યોજનાના અમલીકરણમાં સરકાર સફળ રહી છે. એક વર્ષ અગાઉ કોઈએ તેની કલ્પના પણ કરી ન હતી કે દરેક ભારતી પરિવાર ક્યારેક બેન્કનું ખાતું ખોલાવી શકવાની આશા રાખી શકે છે. હવે આધાર અને મોબાઈલ ફોનના માધ્યમથી ગરીબો સુધી ફાયદા પહોંચાડવામાં ઐતિહાસિક પરિવર્તનની પૃષ્ઠભુમિ તૈયાર થઈ ગઈ છે.
આ ઉપરાંત બેંક ખાતા સાથે જોડાયેલી ત્રણ યોજનાઓ પણ શરૂ કરાઈ છે. ઓછા ખર્ચે દુર્ઘટના વીમા, જીવન વીમા અને વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન યોજના. ત્રણેયનું પ્રીમિયમ ઘણું ઓછું છે. જો ‘વ્યવસાય કરવામાં સરળતા’ પર મોદીએ ધ્યાન કેન્દ્રીત કર્યું હોત તો અત્યાર સુધી અનેક સરકારી પ્રક્રિયાને લગતી અડચણો દૂર થઈ ગઈ હોત. આ જ રીતે તેમની પાસે નગરનિગમ સાથે મળીને કામ કરવાની મજબૂત અમલીકરણની ટીમ હોત તો તેમનું ‘સ્વચ્છ ભારત અભિયાન’ અત્યાર સુધી બીજા માટે સફળતાનું મોડલ બની ચૂક્યું હોત.
કદાચ, ‘લઘુત્તમ સરકાર, મહત્તમ શાસન’ આપવામાં સૌથી મોટી નિષ્ફળતા આવકવેરા વિભાગને કારણે છે. જ્યાં મોદી રોકાણકારોને આકર્ષિત કરવાના પ્રયાસકરી રહ્યા છે અને નાણા મંત્રી અરુણ જેટલી બિઝનેસ અનુકૂળ વાતાવરણ પેદા કરવાનું વચન આપી રહ્યા છે ત્યારે એ વાત ચકિત કરનારી છે કે આવકવેરા વિભાગ હજુ પણ જૂની વસુલીમાં વ્યસ્ત છે. વિદેશી સંસ્થાગત રોકાણકારો તાજેતરની માગથી એટલા નારાજ થયા કે તેમણે ભારતીય શેર વેચવાની શરૂઆત કરી દીધી અને શેરબજાર ધરાશાયી થવા લાગ્યું.

જોકે નરેન્દ્ર મોદીની નજર તો આગામી સામાન્ય ચૂંટણી પર છે. તેઓ જાણે છે કે વોટ તો રાજકીય મધ્યમાર્ગ પર ચાલવાથી જ મળશે. રાજનીતિ અને અર્થનીતિનું મિલન થતાં વર્તમાન અસંતોષ તો સમાપ્ત થવાનો જ છે. મોદી વ્યવહારિક્તાના માર્ગ પર ચાલીને ચાર વર્ષ બાદ પાક લણશે અને 2019ની ચૂંટણી જીતી લેશે. કુલ મળીને વડાપ્રધાને મતદારની પસંદગીને સાચી સાબિત કરી છે. રાહુલ ગાંધી કે અરવિંદ કેજરીવાલની સરખામણીમાં તેમણે ઘણું સારું પ્રદર્શન કર્યું છે.
-ગુરચરણ દાસ
તેઓ પ્રસિદ્ધ કટારલેખક અને લેખક છે.
અન્ય સમાચારો પણ છે...