મૂળ ગુજરાતી રાજીવ શાહ અમેરિકી રાજદૂત બનશે?

બરાક ઓબામાના વિશ્વાસુ સાથી, રાજીવ શાહના પિતા ફોર્ડ કંપનીમાં એન્જિનિયરની નોકરી કરતા હતા

Sanjay Vora | Updated - Apr 03, 2014, 03:19 AM
Gujarati Rajiv shah may replace nancy powell

અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ટીમમાં અનેક ભારતીયો ટોચના હોદ્દાઓ ઉપર છે. તેમાં મૂળ ગુજરાતના ૪૦ વર્ષના ડો. રાજીવ શાહ મોખરાનું સ્થાન ધરાવે છે. ભારતમાંના અમેરિકી રાજદૂત નેન્સી પોવેલે જ્યારે રાજીનામું આપ્યું છે ત્યારે અમેરિકામાં જન્મેલા રાજીવ શાહનું નામ તેમના અનુગામી તરીકે બોલાઇ રહ્યું છે. ભારતના ભવિષ્યના સંભવિત ગુજરાતી વડાપ્રધાનને રાજી કરવા અમેરિકા ભારતમાં ગુજરાતી રાજદૂત મોકલવા વિશે વિચારી રહ્યું છે.

ઇ. સ. ૧૯૬૦ના દાયકામાં રાજીવ શાહના પિતા ગુજરાતથી સ્થળાંતર કરીને અમેરિકા પહોંચ્યા હતા. રાજીવ શાહના દાદાએ તેમના જીવનની બધી કમાણી તેમના પુત્રને આપીને તેને અમેરિકા ભણવા મોકલ્યો હતો. રાજીવના પિતા અમેરિકામાં ભણીને એન્જિનિયર બન્યા હતા. તેમણે એપોલો મિશનમાં અને ફોર્ડ મોટર કંપનીમાં પણ નોકરી કરી હતી. રાજીવનાં મમ્મી ડેટ્રોઇટ શહેરમાં એક મોન્ટેસરી સ્કૂલ ચલાવતાં હતાં. ભારતીય સંસ્કારને કારણે તેમને સેવામાં વધુ રસ હતો. રાજીવ શાહનો જન્મ ઇ. સ. ૧૯૭૩માં મિશીગનમાં થયો હતો. તેમનો ઉછેર ડેટ્રોઇટ શહેરમાં થયો હતો. રાજીવ શાહને તેમણે પોતાની ટાંચી આવકમાંથી ભણાવીને ડોક્ટર બનાવ્યા હતા.

પેન્સિલ્વિનિયા યુનિવર્સિ‌ટીમાંથી તેમણે એમ.ડી.ની. ડિગ્રી હાંસલ કરી હતી. ત્યારબાદ હેલ્થ ઇકોનોમિક્સ જેવા વિષયમાં તેમણે એમ.એસસી.ની ડિગ્રી મેળવી હતી. તેમણે આરોગ્યના નિષ્ણાત તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ઇ. સ. ૨૦૦૦ની સાલમાં તેમણે અલ-ગોરેને તેમના ચૂંટણી પ્રચારમાં મદદ કરી હતી. ઇ. સ. ૨૦૦૮ની સાલમાં બરાક ઓબામા પહેલી વખત અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી લડયા ત્યારે રાજીવ શાહ તેમના પ્રચારમાં પણ જોડાયા હતા. રાજીવ શાહે સાત વર્ષ સુધી 'બીલ એન્ડ મેલીન્દા ગેટ્સ ફાઉન્ડેશન’માં પણ કામ કર્યું છે. આ સંસ્થાએ દુનિયાભરમાં પોલિયોની રસી માટે જે ૧.પ૦ અબજ ડોલરનું ભંડોળ ભેગું કર્યું તેનો વહીવટ રાજીવ શાહના હાથમાં હતો. આ કાર્ય માટે તેમણે બીજા પાંચ અબજ ડોલરનું દાન પણ મેળવ્યું હતું. ત્યારબાદ આ ફાઉન્ડેશનના એગ્રિ‌કલ્ચરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના તેઓ ડિરેક્ટર હતા. દુનિયામાં ભૂખે મરતાં લોકોની ભૂખ વિજ્ઞાન દ્વારા કેવી રીતે ભાંગી શકાય તેના મિશનમાં તેઓ જોડાયેલા હતા. તેમણે આફ્રિકામાં 'ગ્રીન રિવોલ્યુશન’નો વ્યાપ વધારવા પુરુષાર્થ કર્યો હતો. તેમના હાથ નીચે વિવિધ ક્ષેત્રોના ૬૦ નિષ્ણાતો કામગીરી બજાવતા હતા.

ઇ. સ. ૨૦૦૮માં બરાક ઓબામા પહેલી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે ડો. રાજીવ શાહનો સમાવેશ પોતાના પ્રધાનમંડળમાં કર્યો હતો. અમેરિકાના કૃષિખાતામાં તેમને નાયબ મંત્રી અને મુખ્ય વિજ્ઞાની બનાવવામાં આવ્યા હતા. તેમના હાથ નીચે ૨,૨૦૦ વિજ્ઞાનીઓ સહિ‌ત કુલ ૧૦,૦૦૦ કર્મચારીઓ દુનિયાભરમાં કામ કરતા હતા. આ ખાતાનું વાર્ષિ‌ક બજેટ ૨.૬ અબજનું ડોલરનું હતું. કૃષિના ક્ષેત્રમાં વિજ્ઞાનનો ઉપયોગ કરીને વિશ્વની ગરીબી દૂર કરવાના ઓબામાના મિશનમાં તેઓ જોડાઇ ગયા હતા. બરાક ઓબામાએ 'ફીડ ધ ફ્યુચર ફૂડ સિક્યોરિટી’નામનો જે કાર્યક્રમ શરૂ કર્યો તેને દુનિયાભરમાં અમલ કરાવવાની જવાબદારી રાજીવ શાહને સોંપી હતી.

ડો. રાજીવ શાહ તબીબી કોલેજમાં ભણવા ગયા તે પહેલાં એક સ્વૈચ્છિક સંસ્થા વતી કામ કરવા માટે તેઓ દક્ષિણ ભારતના અંતરિયાળ ગામોમાં ફર્યા હતા. આ ગામોની ગરીબી અને રોગચાળો જોઇને તેમનું હૃદય દ્રવી ગયું હતું. આ ગરીબ લોકોને તબીબી સારવાર અને પોષણ આપવા માટે સ્કૂલોમાં બોલાવવામાં આવતા હતા. રાજીવ શાહે જોયું કે આ સ્કૂલોમાં બ્લેકર્બોડની ઉપરના ભાગમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુની સાથે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જોન કેનેડીની તસવીર પણ હતી. રાજીવ શાહ ક્લાસરૂમની આ તસવીર અમેરિકામાં આવેલી પોતાની ઓફિસમાં રાખે છે.

અમેરિકાની સરકાર દ્વારા દુનિયાના ગરીબ દેશોને બિનલશ્કરી મદદ આપવા માટે 'યુએસએઇડ’ નામની એજન્સીની સ્થાપના કરવામાં આવી છે, જેના સ્થાપક પ્રમુખ જોન કેનેડી હતા. ઇ. સ. ૨૦૦૯માં આ વટવૃક્ષ જેવી વિશાળ એજન્સીના ૧૬મા અધ્યક્ષ તરીકે ઓબામાએ રાજીવ શાહની વરણી કરી હતી. બીજા વર્ષે હૈતીમાં ભીષણ ભૂકંપ આવ્યો ત્યારે ભૂકંપગ્રસ્તોને રાહત પહોંચાડવાની કામગીરીની જવાબદારી રાજીવ શાહને સોંપવામાં આવી હતી. યુએસએઇડ દ્વારા વાર્ષિ‌ક આશરે પ૦ અબજ ડોલરની સહાય ગરીબ દેશોને આપવામાં આવે છે.

યુએસએઇડના અધ્યક્ષ તરીકે રાજીવ શાહને ભારત સરકાર સાથે કામ કરવાનો પણ અનુભવ છે. ઇ.સ. ૨૦૧૨ના જૂનમાં તેમણે યુનિસેફની સાથે મળીને ભારતમાં અને ઇથિઓપિયામાં બાળમરણનું પ્રમાણ ઘટાડીને દર ૧,૦૦૦ જન્મદીઠ ૨૦ અથવા તેથી પણ ઓછું કરવાના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. આ વિશ્વવ્યાપી કાર્યક્રમમાં ૧૭૪ દેશોની સરકારો અને ૪૩૦ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સામેલ થઇ છે. ઇ. સ. ૨૦૧૩માં યુએસએઇડના ઉપક્રમે તેમણે આફ્રિકાના દેશોમાં ઊર્જા‍નું ઉત્પાદન વધારવાના મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમનો પણ પ્રારંભ કર્યો હતો.

ડો. રાજીવ શાહની ગણતરી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના અત્યંત વિશ્વાસપાત્ર સલાહકાર તરીકે થાય છે. અમેરિકાએ અત્યારસુધી ભારતમાં જેટલા રાજદૂતો મોકલ્યા છે, તેમાં ભારતીય મૂળના એક પણ અમેરિકન નાગરિકનું નામ આવતું નથી. ડો. રાજીવ શાહ કદાચ ભારતીય મૂળના પ્રથમ અમેરિકન રાજદૂત બનશે. રાજીવ શાહને દિલ્હી મોકલવા માટે જ કદાચ હાલના અમેરિકી રાજદૂત નેન્સી પોવેલનું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી દિલ્હીમાં વડાપ્રધાનની ગાદી ઉપર બેઠા હોય અને અમેરિકાના રાજદૂત સાથે તેઓ ગુજરાતી ભાષામાં વાત કરતા હોય તો કેવું લાગે ? અમેરિકાની સરકાર નરેન્દ્ર મોદીને રાજી કરવા આવું જ દૃશ્ય ઊભું કરવા માગે છે.

X
Gujarati Rajiv shah may replace nancy powell
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App