તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતની અધૂરી વિકલ્પ ખોજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શું કહીશું સુરતના પાટીદાર શક્તિભક્તિ જમાવડા વિશે? અમિત શાહને ‘હાર્દિક’ આવકાર મળ્યો એને અલબત્ત આખા આયોજનની બોલતી ટીકા રૂપે જોઈ શકાય. રાહુલ ગાંધીના ખાટલા પ્રકરણની કળ અહીં સામેવાળાઓને ખુરશીઓની ઉછળકૂદથી વળીયે હોય! ગમે તેમ પણ, એક વાત સાચી કે આનંદીબહેનને ખસેડ્યાં પછી અને છતાં પણ, પાટીદાર સમાજને ભાજપ સાથે પૂર્વવત સમીકૃત કરવાનું ધાર્યું સરળ નથી, એ વાત સુરતના ગુરુવારી ઘટનાક્રમ સાથે-ચાર કલાકના કાર્યક્રમનો કલાકમાં વીંટો વાળવો પડ્યો ત્યાર બાદ જુદેસર ને નવેસર કહેવાપણું નથી.
બંધારણ ઉપરાંતની અનામતનો જે મુદ્દો ઝલાઈગયો છે એનાથી હટીને વિચારીએ તો આ પ્રશ્ન રાજકીય વગ ને વર્ચસ્વનો છે
પણ આ ઇન્ટ્રો (શું કહીશું, મુખડો?) આખા પ્રશ્નની રીતે છીછરી છમકછલ્લાઈથી ઝાઝી ભોં ભાગી શકે એમ નથી. મુદ્દે પટેલનો ‘પ’ અને ક્ષત્રિયનો ‘ક્ષ’ બેઉ મળીને પક્ષની જે પરિભાષા વિદ્યાનગરના વિશ્વકર્મા તરીકે પંકાયેલા ભાઈકાકાની કોઠાસૂઝમાંથી નીપજી આવી હતી એ આગળ ચાલતાં સ્વતંત્ર-કૉંગ્રેસ કાળ પછી 1995 આવતે આવતે ભાજપ જોડેે પટેલ પરિબળ ખાસું સમીકૃત થવા સાથે પરાકાષ્ઠાએ પહોંચી હતી. શંકરસિંહ વાઘેલાને અને કાશીરામ રાણાને શીર્ષ સત્તાસ્થાનેથી ભાજપમાં રહીરહીને જે છેટું અનુભવાયું એનું એક કારણ આ સમીકરણમાં પણ હશે એમ માનવામાં હરકત નથી.

2001ના ઑક્ટોબરમાં દિલ્હી નીમ્યા દંડનાયક શા નમોએ પોતાના પ્રક્ષેપિત (પ્રોજેક્ટેડ) પરિચય (બાયોડેટા)માં ઓબીસી ઓળખ ઉપસાવવાની ખાસી કાળજી લીધેલી એ અહીં સાંભરે છે. મંડલમંદિર મિલાવટનો એ એક સભાન બેત હતો, જેમાં પેલા સમીકરણને પરિણામે પક્ષમાં અનુભવાતું ટાંચું પૂરવાની રાજકીય ગણતરી હતી. કૉંગ્રેસ કે વીપીના કિસ્સામાં જેને તુષ્ટીકરણથી માંડીને જ્ઞાતિવાદ કહેતાં ભાજપ શ્રેષ્ઠીઓ થાકતા નહોતા એ હવે હિંદુત્વની છાંટ સાથેનું સોશ્યલ એન્જિનિયરિંગ હતું. ‘ખામ’ના સફળ સોલંકી વ્યૂહ સામે વળતા જમાવડા રૂપે ચિમનભાઈ-કેશુભાઈ ફરતે પટેલ એકત્રીકરણ પછીનો આ એક મોદી તબક્કો હતો એમ પણ તમે કહી શકો.

આટલા લાંબા કેનવાસ પર જોવા અને સમજવાની કોશિશ કરતી વેળાએ, બીજે છેડેથી થોડાક પૂર્વરંગ પણ મારતી કલમે સંભારી લઈએ. દક્ષિણ ગુજરાતમાં નવસારી છેડેથી લઈ ઉત્તર ગુજરાતમાં કડી-મહેસાણા વળોટી સૌરાષ્ટ્રમાં અમરેલી લગી પ્રસરેલ ગાયકવાડી હસ્તક ફરજિયાત પ્રાથમિક કેળવણી અને કેટલેક અંશે રોકડિયા પાકની મહેરને પરિણામે પાટીદારો બે પાંદડે થયા. જમીનની માલિકીએ એમને એક ‘સ્વતંત્ર’ મિજાજની સોઈ આપી જેનું ઉત્તમ સરદારની સત્યાગ્રહી ફોજરૂપે પ્રગટ થયું. પણ, શતાબ્દીપુરૂષ ઈશ્વર પેટલીકર (જન્મ 9-9-2016) કહેતા તેમ અમે જમીનમાલિકો બીજાઓને વહવાયું નહીં લેખવાથી ઊંચે ઊઠી શક્યા નહીં.

પૂર્વરંગની એક ઝાંખી જો આ છે તો બીજી ઝાંખી ઢેબરભાઈના સૌરાષ્ટ્રની છે. ગરાસદાર નાબૂદી સાથે એમણે રાંકબાપડા કણબીને વાસ્તવિક જમીનમાલિકીનો સુખબોધ કરાવ્યો અને કાળક્રમે વરાછા રોડને અવિધિસરની રાજધાનીનો દોમદોમ દરજ્જો મળ્યો. પણ શું ચરોતર કે શું કાઠિયાવાડ, આ કણબી કહેતાં કુટુમ્બીને વ્યાપક સમાજના બાકી વંચિતપીડિતદલિતની દાઝ જાણવાનો સ્વરાજનાં શરૂનાં વરસોમાં એ પ્રક્રિયા શક્ય હશે, પણ પાછલાં વરસોમાં એ ઓઝપાઈ ગઈ અને હિંદુત્વ રાજનીતિને દલિતવંચિતમાં ખાણદાણઈંધણ એવી જે સોઈ મળી એ સાદો હિસાબ હતો.

અહીં પાટીદાર સમાજની કોઠાસૂઝ અને કૌવત તેમ કર્મકુશળતાને ઓછાં આંકવાનો ખ્યાલ મુદ્દલ નથી. ઈતિહાસની પ્રક્રિયાને સમજવા અને સમજાવવાનો ખયાલ જરૂર છે. તે સાથે, ગાંધીનેહરુપટેલની સ્વરાજપરંપરાનો કૉંગ્રેસના પાછલા કાળમાં અને ભાજપના પરાકાષ્ઠાકાળમાં જે તાંતણો તૂટી અગર છૂટી ગયો એ વિશે સહિયારી નિસબતની રીતે વિચારવાનો ખયાલ તો છે જ છે.

બંધારણ ઉપરાંતની અનામતનો જે ભળતો મુદ્દો પાટીદાર આંદોલનમાં ઝલાઈ ગયો છે એનાથી હટીને વિચારીએ તો આ પ્રશ્ન એક તો રાજકીય વગ ને વર્ચસ્વનો છે જે નવાં પરિબળોના પ્રવેશ સાથે કંઈક ઘટે એ સ્વાભાવિક છે. જે આર્થિક અમૂઝણ છે એનું પગેરું ઠીક ઠીક પ્રમાણમાં 1991થી શરૂ થયેલી ને વાજપેયી-નમો કાળમાં જારી નિયોલિબરલ અર્થનીતિએ પહોંચે છે. 2002માં ભાજપે અમારો દુરુપયોગ કર્યો એવી એક ફરિયાદ લાગણી આ ગાળામાં સાંભળવા મળે છે. પાટીદાર આંદોલન જરી ઊંડે ઊતરી વિચારશે તો એ ફરિયાદલાગણીથી આગળ જઈ હિંદુત્વ રાજનીતિની મર્યાદાઓ અને ભયસ્થાનો પણ સવિશેષ સમજી શકશે.

વસ્તુત: ઓબીસી ઉદ્યુક્તિ અને ઉના જમાવટ પણ ધ્યાનથી જોશેવિચારશે તો એનેય, અંતે તો, સમાજગત ઊંચનીચ ઉપરાંત આ બે વાનાં જ મહત્ત્વનાં અનુભવાશે-નિયોલિબરલ અર્થનીતિ અને હિંદુત્વ રાજનીતિ બેઉની મર્યાદાઓ અને ભયસ્થાનો.

વિખરાવ અને ભટકાવનો ઉગાર આ ત્રણે ઉદ્યુક્તિઓએ, એમનાં નેતૃત્વે ભાજપ કે કૉંગ્રેસ થકી સત્તાચોપાટમાં પાસા પોબાર કરવાની ટૂંકી ગણતરીએથી ઉફરાટે શોધવાનો રહેશે. સુરત પ્રકારનાં આયોજનોમાં ભાજપ શ્રેષ્ઠીઓની જે પણ ગણતરી હોય, સમાજે તો હમણાં સહિયારી નિસબતનાં જે બે વાનાં ગણાવ્યાં એ ધોરણે સંગીતખુરશીમાં વારાફરતી કામિયાબ રહેતા બંને પક્ષોને મૂલવવા જોઈશે, અને તેઓ સમાજના સર્વ તબકાઓને સિદ્ધાંતસરસી લેતી વ્યાપક નીતિઓ વિચારી શકે તે માટેનું હવામાન બનાવવું જોઈએ.

અહીં પહેલાં પણ કહેવાનું બન્યું છે કે થોડાં વરસ પરની મહુવા કૂચ અને હમણેની ઉના કૂચ, એ બે મળીને એક સર્વસમાવેશી એવો સમતા, સ્વતંત્રતા અને ન્યાયલક્ષી એજન્ડા આપી શકે છે. આ બંને મોટાં આયોજનો ઉપરાંત ગુજરાતમાં જગોજગ, ઠામોઠામ, નાનાંમોટાં કર્મશીલ જૂથો ને સ્વૈચ્છિક વિમર્શઠેકાણાં છે. આ સૌની સિનર્જી સધાય તો કાંકકશુંક વૈકલ્પિક પણ એવું બની આવે જેના મેળમાં સ્થાપિત પક્ષો પણ નવેસર ગોઠવવું પસંદ કરે. ઉના આંદોલન વિશે અગાઉનાં, ખાસ કરીને 1981-85ના ગાળાનાં અનામતવિરોધી આંદોલનના સંદર્ભમાં વિચારીએ તો મોટી વાત એ બની આવી કે વ્યાપક સમાજ એની સાથે જણાયો.
1981-85માં વિભાજિત સમાજનું જે ચિત્ર જોવા મળ્યું એ ઓણ નથી. ત્યારે, એને કોમી વળાંક આપી રાજકીય અગ્રવર્ગે અંતિમ હાસ્ય અંકે કીધું હતું. આ વખતે મુસ્લિમ ઉદ્યુક્તિ દલિતોની સાથે રહી. 2002માં જેમણે કોમી તત્ત્વો વતી ભાલાના ફળા જેવી ભૂમિકા ભજવી હતી એની સાથેની આ બિરાદરી નોંધપાત્ર રહી. જૂનીનવી પેઢીઓના દલિત અગ્રણીઓ પણ ઓછેવત્તે અંશે એકત્ર આવ્યા. ઈચ્છીએ કે તે ચાલુ રહે.

ગુજરાતની વિકલ્પખોજ સંદર્ભે ભાજપ વિ. કૉંગ્રેસના સાંકડા દાયરામાં વિચારીએ તો તે અધૂરીઅદુકડી ખોજ બની રહેશે. હમણેની ત્રણે ઉદ્યુક્તિઓ અને નાનાંમોટાં કર્મશીલ વિચારજૂથો વચ્ચેની સિનર્જીમાં એનો ઉત્તર હોય તો હોય. આ ઉત્તર સાથે તહેદિલથી જે પણ સ્થાપિત રાજકીય પરિબળો જોડાશે તે તરશે. બેલાશક, આ ચર્ચા યુટોપિયાઈ લાગશે (અને છે પણ), પરંતુ એમાં ધ્રુવતારક અને નીરક્ષીરવિવેકની સોઈ છે તે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો