તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ત્રીજા મોરચાનો શંભુમેળો કાશીએ પહોંચશે ખરો ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાનપદના એક ડઝન દાવેદારોઃ ત્રીજા મોરચાની સરકાર બનશે તો તે ત્રણ વર્ષથી વધુ ટકી શકશે નહીં

ર વખતે લોકસભાની ચૂંટણીઓ નજીક આવે ત્યારે ત્રીજા મોરચાની ડુગડુગી વાગવા માંડે છે. આજની પ્રવાહી રાજકીય પરિસ્થિતિમાં કોંગ્રેસની હાલત કફોડી છે તો ભાજપ પોતાની તાકાત ઉપર બહુમતી હાંસલ કરી શકે તેમ નથી. એક બાજુ રાષ્ટ્રીય પક્ષો નબળા પડી રહ્યાં છે તો બીજી બાજુ પ્રાદેશિક પક્ષોની તાકાત વધી રહી છે. આગામી ચૂંટણીઓમાં જો કોંગ્રેસને આશરે ૧૦૦ અને ભાજપને ૧પ૦ બેઠકો મળે તો પ૪૨ સભ્યોની લોકસભામાં હજી ૨૯૨ બેઠકો બાકી રહે છે. આ બેઠકો જીતનારા પક્ષો જો સાથે આવે તો તેઓ થિયરેટિકલી સત્તામાં આવી શકે છે. પરંતુ ભારતનું રાજકારણ કોઇ થિયરીઓ ઉપર ચાલતું નથી. ત્રીજા મોરચામાં વડાપ્રધાનપદના એક ડઝન ઉમેદવારો છે; પણ ભારતના બંધારણ મુજબ એક જ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે. આ મુદ્દા ઉપર જ ત્રીજો મોરચો તૂટી પડે તેમ છે.

આજે ભારતનાં અનેક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો અને પ્રાદેશિક સૂબાઓનું રાજ ચાલી રહ્યું છે. ભારતના સૌથી મોટાં રાજ્ય ઉત્તર પ્રદેશમાં મુલાયમ અને માયાવતી વારાફરતી સત્તા ભોગવી રહ્યાં છે. અહીં ભાજપ ત્રીજાં સ્થાને છે અને કોંગ્રેસ ચોથા સ્થાને છે. બિહારમાં જેડી(યુ)નું રાજ છે, જેમાં નીતીશકુમારનો દબદબો છે. પ‌શ્ચિ‌મ બંગાળમાં મમતા બેનરજીનો સૂર્ય તપી રહ્યો છે. અહીં ભાજપ કે કોંગ્રેસ કોઇનો ગજ વાગે તેમ નથી. ઓડિશામાં નવીન પટનાઇકની લોકપ્રિયતા અકબંધ છે. આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસનું રાજ છે, પણ તેલંગણાના વિવાદ પછી જગન મોહન રેડ્ડીનો સૂર્યોદય થયો છે. તામિલનાડુમાં જયલલિતા અને કરુણાનિધિ વારાફરતી રાજ કરે છે. અહીં પણ ભાજપ કે કોંગ્રેસનો ગજ વાગે તેમ નથી. જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા સ્થાનિક પક્ષો તાકાતવાન છે. આસામમાં એજીપીની વગ છે.

આ બધા પ્રાદેશિક પક્ષો જો ભેગા થાય તો દિલ્હીમાં સરકાર જરૂર બનાવી શકે છે; પણ આ પક્ષોમાં એટલા બધા આંતરિક વિરોધાભાસો છે કે તેઓ ભેગા થાય તો પણ લાંબો સમય સુધી સંપીને સાથે રહી શકે તેમ નથી. ઉત્તર પ્રદેશમાં મુલાયમ અને માયાવતી કોઇ સંયોગોમાં એક છત્ર હેઠળ આવી શકે તેમ નથી. પ‌શ્ચિ‌મ બંગાળમાં મમતા બેનરજી અને ડાબેરીઓ વચ્ચે બાપે માર્યા વેર છે. તામિલનાડુમાં જયલલિતા અને કરુણાનિધિ વચ્ચે કોઇ કાળે ગઠબંધન થઇ શકે તેમ નથી. જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી વચ્ચે કોઇ કાળે તાલમેલ થઇ શકે તેમ નથી. બિહારમાં નીતીશકુમાર અને લાલુપ્રસાદ વચ્ચે જૂની અદાવત છે. તેઓ બંને એક સરકારનો ભાગ બની શકે તેમ નથી. આંધ્ર પ્રદેશના ભાગલા પછી સીમાંધ્રમાં જગન રેડ્ડીની વગ વધી જશે. તેઓ ત્રીજા મોરચામાં જોડાય તેવી સંભાવના બહુ ઓછી છે.

આ સંયોગોમાં ત્રીજો મોરચો રચાય તે પહેલાં જ વિખરાઇ જાય તેમ છે. દિલ્હીમાં ત્રીજા મોરચાના જે ૧૧ પક્ષોની મંગળવારે બેઠક થઇ તેમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક કોઇ બહાનું આપીને બેઠકમાં ગેરહાજર રહ્યા તો આસામ ગણ પરિષદના નેતા પ્રફુલ્લ મહંતો પણ તેમાં હાજર રહ્યા નહીં. આ બેઠકમાં તેઓ ત્રીજા મોરચાના વડાપ્રધાનપદના ઉમેદવારનું નામ પણ આપી શક્યા નહીં. તેનું કારણ એ હતું કે આ બેઠકમાં હાજર રહેલા નેતાઓ પૈકી મુલાયમસિંહ યાદવ, જયલલિતા અને નીતીશકુમાર પોતે વડાપ્રધાનપદના ઉમેદવાર છે. જો આ બેઠકમાં વડાપ્રધાનપદના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું હોત તો આ ત્રણ પૈકીના બે નેતાઓ ત્યારે જ ત્રીજા મોરચામાંથી છૂટા પડી ગયા હોત. ધારો કે ત્રીજા મોરચાને બહુમતી મળે તો પણ ચૂંટણી પછી તેઓ વડાપ્રધાનપદ બાબતમાં સર્વસંમતિ સાધી શકે તેમ નથી.

કદાચ પાંચ વર્ષ માટે પાંચ નેતાઓ વારાફરતી વડાપ્રધાન બને એવી કોઇ ફોમ્ર્યુલા ઉપર તેઓ સંમત થાય તે શક્ય છે. એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અત્યારે ત્રીજા મોરચાની ગતિવિધિમાં ચિત્રમાં નથી, પણ તેઓ રાજનીતિના પડદા પાછળના ખેલાડી છે. મુલાયમસિંહ યાદવ અને જયલલિતાને આગળ કરીને તેઓ ત્રીજા મોરચામાં ઉદ્દીપકની ભૂમિકા ભજવી રહ્યાં છે. શરદ પવારે વચ્ચે નરેન્દ્ર મોદી સાથે સમાધાન કરવાનો સંકેત આપીને પાછું તેમનાથી અંતર કરી લીધું છે. જો ત્રીજા મોરચાને ૨૦૦ કરતાં વધુ બેઠકો મળે તો શરદ પવાર પોતાના પક્ષને ત્રીજા મોરચામાં જોડીને વડાપ્રધાનપદ માટે પણ દાવેદારી કરી શકે છે. શરદ પવાર ત્રીજા મોરચામાં સિમેન્ટની ભૂમિકા ભજવી શકે છે. ભારત એક સમવાય તંત્ર છે. જે રીતે મજબૂત કેન્દ્ર જરૂરી છે તે રીતે રાજ્યો પણ મજબૂત હોય તો તે દેશના હિ‌તમાં છે.

રાષ્ટ્રીય પક્ષોની જેમ પ્રાદેશિક પક્ષોની મજબૂતી પણ જરૂરી છે. પરંતુ આ પ્રાદેશિક પક્ષો પોતપોતાનાં રાજ્યોમાં સરકાર ચલાવે તે જ યોગ્ય છે. જો તેઓ કેન્દ્રમાં સરકાર ચલાવવા માંગતા હોય તો તેમની આર્થિ‌ક નીતિઓ, વિદેશ નીતિ, વેપાર નીતિ વગેરેમાં પણ એકવાક્યતા હોવી જોઇએ. જો આવી એક વાક્યતા ન હોય અને તેઓ સરકાર બનાવે તો સરવાળે દેશને નુકસાન થાય તેમ છે. ત્રીજા મોરચાએ હજી સુધી પોતાની નીતિઓ જાહેર કરી નથી. આપણા દેશમાં ઇ. સ. ૧૯૭૭માં મોરારજી દેસાઇનાં નેતૃત્વમાં ત્રીજા મોરચાની સરકાર બની તે માત્ર અઢી વર્ષ ટકી હતી. ત્યારબાદ ચરણસિંહ, વી. પી. સિંહ, ચંદ્રશેખર, દેવે ગોવડા, આઇ.કે. ગુજરાલ વગેરે નેતાઓ ત્રીજા મોરચાના વડાપ્રધાન રહી ચૂક્યા છે, પણ તેમાંના કોઇએ પાંચ વર્ષની મુદત પૂરી કરી નથી. ત્રીજો મોરચો આટલાં વર્ષોમાં આપણા દેશને સ્થિર સરકાર આપવામાં નિષ્ફળ ગયો છે, કારણ કે તેમાં કોઇ કેન્દ્ર હોતું નથી.

આગામી લોકસભાની ચૂંટણીઓ પછી જો ભાજપ કે કોંગ્રેસ બેમાંથી કોઇ ગઠબંધન સ્પષ્ટ બહુમતી નહીં મેળવી શકે તો છેવટે ત્રીજો મોરચો રચાશે અને તેઓ સરકાર પણ બનાવશે. આ સરકારને પણ કોંગ્રેસના અથવા ભાજપના ટેકાની જરૂર રહેશે. કોંગ્રેસ અથવા ભાજપ જ્યારે ટેકો પાછો ખેંચી લેશે ત્યારે ફરી ચૂંટણીઓ યોજાશે. ઇ. સ. ૨૦૧૪માં જો ત્રીજો મોરચો સત્તા ઉપર આવશે તો ૨૦૧૬ની ચૂંટણીઓની તૈયારીઓ રાજકીય પક્ષો કરવા લાગશે.

સંજય વોરા
sanjay vora@dainikbhaskargroup.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો