પરમાર્થ સમક્ષ ભગવાન પણ નમે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક દિવસ ઈશ્વરે તેમના સેવકોને કહ્યું, 'પૃથ્વી પરથી સૌથી શ્રેષ્ઠ ભેટ લાવનારને પ્રધાન સેવકના પદે નિયુક્ત કરાશે. આ સાંભળીને પ્રધાનપદ મેળવવા સેવકોએ તનતોડ મહેનત કરી. લગભગ બધા જ કંઈક ને કંઈક ભેટ લાવવામાં સફળ થયા. દરેકે એક એકથી ચઢિયાતી ભેટ-સોગાદો રજૂ કરી. પરંતુ ભગવાનના ચહેરા પર સંતોષ કે આનંદના ભાવ જોવા મળ્યા નહીં. હવે એક જ સેવક આવવાનો બાકી હતો. તેણે ભગવાનને કાગળનું એક પડીકું આપ્યું અને એકબાજુ બેસી ગયો. ઈશ્વરે પડીકું ખોલ્યું તો તેમાં માટી હતી. ભગવાને માટી લાવવાનું કારણ પૂછયું, તો તેણે કહ્યું 'ભગવાન, હું પૃથ્વીના ખૂણે ખૂણે ફર્યો,

પરંતુ તમને પસંદ આવે તેવી કોઈ ભેટ મને દેખાઈ નહીં. તેથી હું આ માટી લાવ્યો છું. આ માટી એવી જગ્યાની છે જ્યાં લોકોએ માનવતાને બચાવવા માટે હસતાં-હસતાં બલિદાન આપી દીધું. તેનો જવાબ સાંભળીને ભગવાને માટીને શ્રદ્ધાપૂર્વક તેમના માથા પર ચઢાવી. સાર એ છે કે પરમાર્થ સમક્ષ પરમાત્મા પણ નમન કરે છે જ્યારે સ્વાર્થને હંમેશાં ખરાબ દૃષ્ટિથી જોવાય છે.