જીવનમાં આગળ વધવા છતાં મૂળથી દૂર ન થાવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવારે પ.૧૦ વાગ્યા હતા. પ્રદીપ કલાની ગાઢ નિદ્રામાં હતો. ત્યાં જ મોબાઈલની રિંગ વાગી, સામેથી રોફપૂર્ણ અવાજ આવ્યો, 'ક્યાં છે તું.’ પ્રદીપે શાંતિથી જવાબ આપ્યો, 'સર, અત્યારે તો ઊંઘમાં છું, પરંતુ ૨૦ મિનિટમાં જ આપની હોટેલ પહોંચી જઈશ.’ પ્રદીપની ટેક્સીઓ ચાલે છે. જેણે તેને ફોન કર્યો હતો તે એક પ્રવાસી હતો. તેણે ટેક્સી ભાડે કરી હતી. તેને સવારે ઉદયપુરથી દિલ્હીની ફ્લાઈટ પકડવાની હતી. તેણે ૬.૧પ વાગ્યે એરપોર્ટ પહોંચવાનું હતું. તે જે હોટેલમાં રોકાયો હતો ત્યાંથી એરપોર્ટ અંદાજે ૩૦ કિ.મી. દૂર હતું. તેથી પ્રદીપે પ.૩૦ વાગ્યા સુધી તો હોટેલ પહોંચવું જરૂરી હતું.
રવિવાર હોવાથી ડ્રાઈવર આવ્યો નહોતો. પરિણામે પ્રદીપે જાતે જ ટેક્સી લઈ જવાની હતી. આ સમયે પ્રદીપ ઊંઘમાં જ હોવાથી તેનો ગ્રાહક ભડકી ગયો. તેણે ફોન પર જ કહ્યું, 'તમને લોકોને સમયની કોઈ કિંમત નથી. નાના શહેરના લોકોની આ જ મુશ્કેલી હોય છે. તું મને એરપોર્ટ સમયસર નહીં પહોંચાડે.’ આ સાંભળીને પણ પ્રદીપ શાંત અને નરમ અવાજે અંગ્રેજીમાં ગ્રાહકને કહ્યું કે તે તેમને ફ્લાઈટના નિ‌શ્ચિ‌ત સમયથી પહેલાં ૬.૦પ વાગ્યે એરપોર્ટ પર છોડી દેશે.
આ પહેલાં તે પ.૨૯ વાગ્યે હોટેલ પહોંચી જશે અને આપણે પ.૩૦ ક્લાકે હોટેલ છોડવાના સમયે જ ચેકઆઉટ કરી દઈશું. ગ્રાહકને આ પ્રકારના અંગ્રેજીમાં જવાબની અપેક્ષા નહોતી. તેને ખબર હતી કે ઉદયપુરના ટેક્સીડ્રાઈવર વારંવાર વિદેશી પ્રવાસીઓના સંપર્કમાં આવતાં હોવાથી થોડી-ઘણી અંગ્રેજી બોલે છે, પરંતુ પ્રદીપે તેને જે રીતે જવાબ આપ્યો તે સામાન્ય ડ્રાઈવરની ભાષા નહોતી તે ગ્રાહકને ખબર પડી ગઈ. પ્રદીપ નિ‌શ્ચિ‌ત પ.૨૦ વાગ્યે ટેક્સી લઈને હોટેલના પોર્ચમાં હતો. લગભગ પ.૩૧ વાગ્યે તે તેના ગ્રાહક સાથે એરપોર્ટ તરફ રવાના થઈ ગયો.
થોડા સમય બાદ ગ્રાહકે પ્રદીપને પૂછયું, 'તે આટલી સરસ અંગ્રેજી ક્યાંથી શીખી.’ પ્રદીપે કહ્યું, 'સર હું એક ગરીબ પરિવારથી છું. અમે ૧૯૯૭માં નાનાસ્તરે આ કારોબાર શરૂ કર્યો. ધીમે ધીમે તે વિકસ્યો છે. પરંતુ અહીં ડ્રાઈવરોની અછતની સમસ્યા છે. તેથી જરૂર પડે ત્યારે અમે જાતે જ ડ્રાઈવર બની ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરીએ છીએ. રવિવારે ડ્રાઈવરને પણ ડિસ્ટર્બ કરવો યોગ્ય નથી. તેને પણ પરિવાર હોય છે. ગ્રાહકે તેને વચ્ચે અટકાવતાં કહ્યું, 'આ તો સારી વાત છે, પરંતુ અત્યાર સુધી તે કહ્યું નહીં કે તું આટલું સરસ અંગ્રેજી બોલતા શીખ્યો ક્યાંથી?
પ્રદીપે જવાબ આપ્યો, 'સર હું મહિ‌ન્દ્રા એન્ડ મહિ‌ન્દ્રા શોરૂમમાં કામ કરું છું. કેટલાક મહિ‌ના પહેલા જ નવી કાર ડિવિઝનમાં મારી બદલી થઈ છે, જ્યાં ક્વાન્ટોનું વેચાણ થાય છે. અગાઉ અઢી વર્ષ સુધી હું યુઝ્ડ કાર ડિવિઝનમાં હતો. અહીં કામ કરતાં મેં અગ્રેજી પર પક્કડ જમાવી દીધી. દરમિયાનમાં તેઓ એરપોર્ટ પહોંચી ગયા. ટેક્સીમાંથી ઊતરતા ગ્રાહકે પૂછયું, 'તું ટેક્સીનો બિઝનેસ છોડી કેમ નથી દેતો? પ્રદીપે જવાબ આપ્યો, 'સર, હું મારા મૂળિયા કેવી રીતે ભૂલી શકું. આ બિઝનેસે વર્ષો સુધી મારા પરિવારનું ભરણપોષણ કર્યું છે.
ફંડા : તમે જીવનમાં ગમે તેટલા આગળ વધો પરંતુ પોતાના મૂળને ક્યારેય ન ભૂલો. તેનાથી તમે હંમેશાં જમીન સાથે જોડાયેલા રહેશો, ઉદાર રહેશો. પોતાના મૂળને જ્યાં સુધી યાદ રાખશો ત્યાં સુધી માનવીય રહેશો.
raghu@bhaskarnet.com
મેનેજમેન્ટ ફંડા, એન. રઘુરામન