તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Fed Reserve's Policies And The Global Economy Relationship

ફેડ રિઝર્વની નીતિઓ અને વૈશ્વિક અર્થતંત્રનો સંબંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની બેન્ક તરફથી બોન્ડની ખરીદીને શ્રીમંતો દ્વારા શ્રીમંતો માટે બનાવાયેલી નીતિ કહેવાઈ રહી છે

હવે અમેરિકાની સરકાર કામ કરવા લાગી છે. ઓછામાં ઓછું નવા વર્ષ સુધી તો કોઈ સંકટ નહીં આવે, જ્યારે લોનની નવી મર્યાદા નક્કી કરવા માટે ફરીથી લડાઈ શરૂ થશે. આ દરમિયાન બજાર ફેડરલ રિઝર્વ ક્યારે બોન્ડ અને જામીનગીરીની ખરીદીમાં કાપ મૂકે છે એ મુદ્દે બજાર ઊંચું-નીચું થતું રહેશે. ફેડરલ રિઝર્વ આવું ક્યારે કરશે તેના પર ચર્ચા ચાલુ છે.

આથી શેર અને બોન્ડ બજારમાં તથા ચલણમાં મોટી ઊથલપાથલ માટે તૈયાર રહો. એવું કહેવાય છે કે ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ અને જામીનગીરીની ખરીદીથી સૌથી વધુ ફાયદો બેરોજગારોને થાય છે, કેમ કે બજારમાં પૈસા આવવાથી તેનો આત્મવિશ્વાસ પેદા થાય છે અને નવો રોજગાર જન્મે છે. જોકે આ ખરીદી સંબંધિત નિર્ણયમાં બેરોજગારો તરફ કોઈ ધ્યાન આપતું નથી અને તેની સાથે જોડાયેલા શક્તિશાળી અંગત સ્વાર્થ આ ચર્ચાને પ્રભાવિત કરી રહ્યા છે. સાથે જ આ મુદ્દે કોઈ ગંભીર વિચારણા પણ નથી ચાલી રહી.

ફાઈનાન્શિયલ ટાઈમ્સે અનુમાન જાહેર કર્યું છે કે, કપાત ડિસેમ્બરમાં શરૂ થશે. ર્મોગન સ્ટેનલીએ તો નવેમ્બરમાં કપાતના પ ટકા, ડિસેમ્બરમાં ૧૦ ટકા, જાન્યુઆરીમાં ૩૦ ટકા અને માર્ચની શરૂઆતમાં પ૦ ટકા કાપની સંભાવના વ્યક્ત કરી છે. પછી બીજા જ દિવસે ફાઈનાન્શિયલ ટાઇમ્સે અંદરના કોઈ પાનામાં સમાચાર આપ્યા કે કપાત આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લોનની મર્યાદા પર વાટાઘાટો પૂરી થયા બાદ શરૂ થઈ શકે છે.

તમે જ્યારે આ મુદ્દે શાંતિથી વિચારો તો લાગે છે કે ડિસેમ્બરમાં કપાત શરૂ થાય તો જેનેટ યેલેનનો માથાનો દુખાવો ઓછો થઈ જશે. (જો આપણે એમ માનીએ કે ફેડરલ રિઝર્વના પ્રમુખપદ પર તેમની નિમણુંક પાકી છે) આમ થયું તો તેઓ જ્યારે ફેબ્રુઆરીમાં બેન બર્નાન્કે પાસેથી પદભાર ગ્રહણ કરશે ત્યારે તેમણે વિવાદાસ્પદ પ્રક્રિયા શરૂ કરવાની મહેનત કરવી નહીં પડે. દુ:ખની વાત છે કે અર્થશાસ્ત્રીઓ પોતાના વિષયને વિજ્ઞાન જણાવે છે, પરંતુ અર્થશાસ્ત્રના તથાકથિત સિદ્ધાંત માનવ દ્વારા કલ્પનાને આધારે લેવાયેલા નિર્ણયોનો ભોગ બને છે.

જેમાં નેતાઓનો પણ હાથ હોય છે, જેઓ દલીલો અને હકીકતોને નજરઅંદાજ કરીને નીતિઓને વળગી રહે છે.
હોંગકોંગના માર્ક ફેબર અને ચિયાંગ માઈએ તો ફેડરલ રિઝર્વ દ્વારા બોન્ડ અને જામીનગીરીની ખરીદીને આધારે જ સવાલ ઉઠાવ્યો છે. તેમનો દાવો છે કે તેની મુખ્ય ઉપલબ્ધિ 'મેફેર ઇકોનોમી’ને ટેકો આપવો અને વારહોલ્સની (એન્ડ વારહોલની કલાકૃતિઓ) કિંમતોમાં વધારો છે. મેફેર ઇકોનોમીનો અર્થ એવા અતિધનાઢય લોકો સાથે છે, જેઓ લંડનના પોશ વિસ્તારોમાં રહેવાની શક્તિ ધરાવે છે.

તેઓ ફરિયાદ કરે છે કે, 'ફેડરલ રિઝર્વમાં બેસેલા લોકો પ્રોફેસર અને વિદ્વાન છે. સામાન્ય લોકોની જેમ તેમણે એક દિવસ પણ કામ કર્યું નથી. તેઓ એ નથી સમજતા કે તમે જ્યારે નોટ છાપો છો ત્યારે તેનાથી ગણતરીના લોકોને, વસતીના પ ટકા કે ૩ ટકા લોકોને જ ફાયદો થાય છે. ફેબર જ નહીં લંડનના કેટલાક અન્ય પ્રતિષ્ઠિ‌ત લોકો પણ ચિંતા સાથે સવાલ કરે છે કે, બોન્ડ અને જામીનગીરીની ખરીદીને આપણે ક્યાં લઈ જઈ રહ્યા છીએ.

બ્રિટનની સૌથી મોટી વીમા કંપનીમાંની એક લીગ એન્ડ જનરલના ચીફ એક્ઝિક્યુટિવ નાઈજેલ વિલ્સન જણાવે છે કે, 'આ એવી નીતિ છે, જે શ્રીમંતો દ્વારા શ્રીમંતો માટે બનાવાઈ છે.’ એક મુખ્ય પેન્શનલ એક્સપર્ટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ પર આરોપ લગાવ્યો છે, બોન્ડની ખરીદી માટે તેમણે લોકનાં પેન્શનનાં નાણાની ચોરી કરી છે. બ્રિટનના નાણાતંત્રનું સ્તંભ કહેવાતા લોર્ડ એડેયર ટર્નરે તાજેતરના ચર્ચિ‌ત ભાષણમાં ધ્યાન દોર્યું કે, નાણાકીય બજારોનો વિકાસ કંઈક એવો થયો છે કે આવી નીતિઓથી એકઠા કરેલા પૈસામાંથી માત્ર ૧પ ટકા જ રોકાણમાં જાય છે, બાકીના ૮પ ટકા આમ-તેમ ફરીને જમીનના સોદામાં પહોંચી જાય છે અને સ્થાયી મિલકતની કિંમતમાં વધારો થાય છે.

આથી એમાં કોઈ આશ્ચર્ય નથી કે એક બાજુ વોલસ્ટ્રીટ વિક્રમી ઊંચાઈએ પહોંચી રહ્યું છે તો બીજી તરફ અમેરિકા અને બ્રિટનમાં બેરોજગારી ૭.પ ટકાની નવી ઊંચાઈએ પહોંચી ગઈ છે. વિકસતા બજારવાળા દેશો જેવા કે બ્રાઝિલ, ચીન અને ભારત જેવા મોટા દેશો માટે પણ ફેડરલ રિઝર્વ દ્વારા કરવામાં આવતી કપાતથી સમસ્યા પેદા થઈ શકે છે. જેમ કે તાજેતરમાં માત્ર કપાતની અફવાને કારણે જ રોકાણ કરાયેલાં નાણાં પાછા અમેરિકા ખેંચાવા લાગ્યાં હતાં અને દુનિયાના શેરબજાર તથા ચલણની હાલત ખરાબ થઈ ગઈ હતી.

લંડન બિઝનેસ સ્કૂલના પ્રોફેસર હેલેન રે અનુસાર વિકસતા બજારવાદી અર્થતંત્રની હાલત એટલી નાજુક છે કે, જો તેમણે મૂડીના મુક્ત પ્રવાહને મંજૂરી આપી તો તેમની પાસે ચલણની આઝાદી માત્ર કહેવા પૂરતી જ હશે. તેમણે કહ્યું કે, શેર અને બોન્ડ જેવી જોખમ ભરેલી સંપત્તિઓ વૈશ્વિક અર્થતંત્ર અનુસાર જ ચાલે છે. મૂડીના આ વૈશ્વિક ઉતાર-ચડાવ પર અમેરિકન ફેડરલ રિઝર્વ અને વ્યાજ દરો કે બોન્ડ-સિક્યોરિટીની ખરીદી સંબંધિત નિર્ણયોની વધુ અસર થાય છે. આમ છતાં ફેડરલ રિઝર્વ એ બાબત પર ભાર મૂકે છે કે બોન્ડ-જામીનગીરીની ખરીદી અને વ્યાજદરો સંબંધિત તેની નીતિઓ માત્ર અમેરિકાના અર્થતંત્રને ધ્યાનમાં રાખીને જ નક્કી કરવી જોઈએ.

આ અત્યંત ઢીલી દલીલ છે. હવે સમય આવી ગયો છે કે ફેડરલ રિઝર્વ અને અમેરિકા એ સ્વીકારે કે તેઓ પણ વૈશ્વિક અર્થતંત્રનો એક ભાગ છે અને તેનાં પરિણામો પર પણ તેમણે વિચાર કરવો જોઈએ. વોશિંગ્ટનના નીતિ નિર્માતાઓએ એવું ન કહેવું જોઈએ કે તેઓ પોતાના અલગ ટાપુમાં રહે છે, નહિ‌તર એક દિવસ તેઓ ત્યાં નિ:સહાય, એકલા ફસાઈ જશે.

કેવિન રેફર્ટી લેખક પ્લેનવડ્ર્સ મીડિયાના એડિટર ઇન ચીફ છે.