તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી પરિણામો અને ‘ન્યૂ ઇન્ડિયા’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉત્તર પ્રદેશમાં ભવ્ય જીત પછી વડાપ્રધાને તો ઠીક, ઘણા રાજકીય સમીક્ષકોએ પણ જણાવ્યું છે કે આ પરિણામો ‘ન્યૂ ઇન્ડિયા’નો ઉદય સૂચવે છે. ભાજપને મળેલી 312 બેઠકથી ઘણા સમીક્ષકોની વિચારશક્તિ પર વીજળી પડી હોય એવું લાગે છે. વડાપ્રધાન મોદી અને ભાજપ આવો દાવો કરે તેમાં નવાઈ નથી, પરંતુ એ દાવા ગળે ઉતારવા કે નહીં, તે સમીક્ષકોએ અને નાગરિકોએ નક્કી કરવાનું રહે છે. વિરોધ પક્ષોમાં પરિણામનો સાચો અર્થ આપવા જેટલા પણ વેતા હોય એવું જણાતું નથી.

વોટિંગ મશીનનો વાંક કાઢનારા વિપક્ષો અને ભારે જીતને કારણે ‘ન્યૂ ઇન્ડિયા’ના દાવા કરનારા વડાપ્રધાન (તથા તેમના સમર્થકો) માટે મતની ટકાવારી પ્રાથમિક બોધપાઠ પૂરો પાડે છે. આ ટકાવારીથી ભાજપની જીતનો જશ કે તેનો પ્રભાવ રતીભાર ઓછાં થતાં નથી, પણ જીત પછીના અતિશયોક્તિભર્યા દાવાની અસલિયત સહેલાઈથી ઉઘાડી પડી જાય છે. ઘણા સમીક્ષકોએ ઉત્તર પ્રદેશનાં પરિણામોને એવી રીતે રજૂ કર્યાં કે તે વડાપ્રધાનની (નોટબંધી સહિતની) નીતિઓને મળેલું પ્રચંડ જનસમર્થન સૂચવે છે.

પ્રચંડ એટલે કેટલું?
જવાબ છેઃ 403 બેઠકોમાંથી 312 બેઠકો જેટલું એટલે કે 78 ટકા.
પરંતુ આ અર્થઘટન સાચું નથી. મતની ટકાવારી જોતાં સ્પષ્ટ છે કે કુલ મતદાનમાંથી ભાજપને 39.7 ટકા, બહુુજન સમાજ પક્ષને 22.2 ટકા, સમાજવાદી પક્ષને 21.8 ટકા અને કૉંગ્રેસને 6.2 ટકા મત મળ્યા. તેનાથી ભાજપની જીત જરાય ઝાંખી પડતી નથી ને વિપક્ષોની હાર જરાય ઉજળી થતી નથી, તેમ સાદો હિસાબ એ પણ સમજાવો જોઈએ કે ઉત્તર પ્રદેશના મતદારોમાંથી 78એ નહીં, 39.7 ટકાએ વડાપ્રધાનની-ભાજપની તરફેણમાં મત આપ્યા છે ને 50.2 ટકા લોકોએ તેમની વિરુદ્ધમાં બીજા મોટા પક્ષોને મત આપ્યા છે. માટે, 39.7 ટકા મત નોટબંધીથી માંડીને વડાપ્રધાનના શાસનની તરફેણમાં પડ્યા છે એવું અર્થઘટન સમીક્ષકો દ્વારા રજૂ કરાતું હોય અને તેને હોંશેહોંશે ‘ન્યૂ ઇન્ડિયા’ તરીકે વેચવામાં આવતું હોય, તો અને ત્યારે એ પણ કહેવું પડે કે 50.2 ટકા લોકો વડાપ્રધાનની નીતિઓનો વિરોધ કરે છે.

‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ (જેટલા હોય તેમાં સૌથી વધારે)નો નિયમ ધરાવતી ભારતની ચૂંટણીઓમાં પહેલેથી આ હિસાબ ચાલ્યો છે. કૉંગ્રેસનુું એકચક્રી રાજ ચાલ્યું ત્યારે તેની તરફેણમાં મત આપનારા કરતાં તેમના વિરોધમાં મત આપનારાનું પ્રમાણ વધારે જ હતું. એ વખતે પણ વેરવિખેર વિપક્ષોને કારણે કૉંગ્રેસ ફાવતી રહી. અભ્યાસી મિત્ર સલિલ દલાલે યાદ કર્યું તે પ્રમાણે, જનસંઘના જમાનામાં અડવાણી જેવા વિપક્ષી નેતા જોરશોરથી ચૂંટણીસુધારાની અને ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ની પદ્ધતિને સુધારવાની હિમાયત કરતા હતા. અત્યારની કૉંગ્રેસ ચૂંટણીસુધારાની વાતની તો ઠીક, સાદી બહુમતી મળી હોય એવાં રાજ્યોમાં સત્તા સ્થાપિત કરવાની ત્રેવડ પણ ધરાવતી નથી.

અને માયાવતી? એ સમજવા-સ્વીકારવા તૈયાર નથી કે વાંક વોટિંગ મશીનનો નહીં, તેમની વ્યૂહરચનાનો કે પ્રકૃતિનો છે. સમાજવાદી પક્ષ સાથે તેમણે જોડાણ કર્યું હોત તો બિહારની તરાહ પર તે ભાજપને હંફાવી શક્યાં હોત. આ બોધપાઠ તેમને લોકસભાની ચૂંટણી પછી મળી જવો જોઇતો હતો. કેમ કે, ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 71 બેઠકો પર ભાજપ જીત્યો ત્યારે 71માંથી 41 બેઠક એવી હતી, જ્યાં સમાજવાદી પક્ષ-બહુજન સમાજ પક્ષ-કૉંગ્રેસને મળેલા મતનો સરવાળો ભાજપના મતો કરતાં વધારે થતો હતો. તેમાંથી પણ 29 બેઠકો એવી હતી જ્યાં ફક્ત સમાજવાદી પક્ષ-બહુજન સમાજ પક્ષ સાથે મળીને ભાજપને હરાવી શક્યાં હોત, પરંતુ વિપક્ષોમાં એકતા અને પોતાના સ્વાર્થની પણ સમજના અભાવને કારણે ઉત્તર પ્રદેશમાં ભાજપની એવી જીત થઈ કે તે સુપર-પાર્ટી લાગવા માંડે. (ભલે ત્રણ રાજ્યોમાં તે રનર્સ અપ હોય)

પરિણામો પછી વડાપ્રધાને તેમના હોદ્દાને છાજે એવી ભાષામાં નમ્ર બનવાની વાત કરી, તે આવકાર્ય છે. પરંતુ તેમનાં વાણીવર્તનનો વિરોધાભાસ અવગણવો અઘરો છે. એટલે જ તે ઉત્તર પ્રદેશની ચૂંટણી પછી ન્યૂ ઇન્ડિયાની વાત કરે અને તેના પગલે સમૂહગાન શરૂ થઈ જાય ત્યારે તે રમૂજી એટલું જ કરુણ લાગે છે. દાવો એવો છે કે ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિનાં સમીકરણનો અને જ્ઞાતિઆધારિત રાજકારણનો અંત આવ્યો અને બધાએ નાતજાતના ભેદભાવ ભૂલીને મોદીને-ભાજપને જીતાડી દીધા. ટાઢકથી વિચારનાર કોઈને પણ સમજાશે કે જ્ઞાતિનાં સમીકરણનો-જ્ઞાતિવાદના રાજકારણનો અંત આવ્યો નથી. તેનો ચહેરો બદલાયો છે. અત્યાર લગી એ ગણિત પર માયાવતી-મુલાયમની પકડ હતી, પણ મોદી-અમિત શાહ અને તેમના બીજા વ્યૂહકારોએ વિપક્ષોને એ સરવાળા-બાદબાકીમાં પછાડી દીધા છે (અને અગાઉ જણાવ્યા પ્રમાણે, વિપક્ષોએ એકજૂથ ન થઈને ભાજપને જ મદદ કરી છે). 

વિપક્ષો એટલે જ્ઞાતિવાદ-ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે જ્ઞાતિવાદમુક્ત-ભ્રષ્ટાચારમુક્ત એવું સમીકરણ વડાપ્રધાન અને તેમના સમર્થકો તો રજૂ કરે, પણ બીજા લોકોએ તેનાથી અંજાઈ જવાની કે ભક્તજનોના ઉગ્ર આક્રમણથી બચાવની મુદ્રામાં આવી જવાની જરૂર નથી. મોદીસમર્થકો ઇચ્છે છે કે 312 બેઠકોના ઝળહળાટમાં બીજું કશું જોવામાં ન આવે અને એ જે દાવા કરે તે ચૂપચાપ, નીચી મુંડીએ સ્વીકારી લેવામાં આવે. પણ એવું ન હોય. 312 નહીં, 403 બેઠકો મળી હોય તો પણ તેનાથી સચ્ચાઈ બદલાતી નથી. અને સચ્ચાઈ એ છે કે ભાજપે પણ જ્ઞાતિનાં સમીકરણો ભરપૂર માંડ્યાં છે. એટલું જ નહીં, તેમાં કોમી ધ્રુવીકરણનો પણ પૂરતી માત્રામાં વઘાર કર્યો છે. જીત્યા પછી તે આ બધું ભૂલાવીને ન્યૂ ઇન્ડિયાની વાત કરે તે કેમ ગળે ઉતરે? બીજા લોકો તો ઠીક, જીતના મુખ્ય શિલ્પી મનાતા વડાપ્રધાન મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહનાં ચૂંટણીપ્રચારનાં ભાષણની ઝલક સાંભળી જોજો. આ ‘ન્યૂ ઇન્ડિયા’ હોય તો એ ચિંતા ઉપજાવનારું છે - અને હકીકતમાં એ ‘ન્યૂ’ છે જ નહીં. એ કોપીરાઇટર વડાપ્રધાનનું વધુ એક શબ્દાળુ સર્જન છે.

આ એ ‘ન્યૂ ઇન્ડિયા’ છે, જેમાં કૉંગ્રેસી સ્ટાઇલમાં રાજ્યપાલોને સાથે રાખીને ગાફેલ વિપક્ષો પાસેથી સત્તા આંચકી લેવામાં આવે છે, જ્યાં વિકાસની ઠાલી વાતો કરીને યોગી આદિત્યનાથ જેવા કટ્ટર અને ગોવધ-લવજેહાદના નામે ધર્મઝનૂન ફેલાવતા માણસને મુખ્યમંત્રી બનાવવામાં આવે છે, જ્યાં વ્યાપમંથી માંડીને GSPCથી માંડીને ભાજપરાજમાં થતાં કૌભાંડ સહેલાઈથી વિસારે પડી જાય છે, જ્યાં સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા વેડફાય છે, સ્ટાર્ટ અપ અને મેક ઇન ઇન્ડિયા જેવા નારા ખાલી ખખડે છે, સત્તાધારી પક્ષનો છાંયડો ધરાવતાં સંગઠન કૉલેજ કેમ્પસથી અદાલતના પ્રાંગણ સુધી સરેઆમ ગુંડાગીરી ચલાવે છે… આ છે ન્યૂ ઇન્ડિયા?

વડાપ્રધાનના ચાહકો વિશ્લેષણની કોઈ પણ કવાયતને ‘વિજયનો અસ્વીકાર’થી માંડીને ‘બળતરા’ જેવાં લેબલ લગાડે, એટલે એ કરવાનું છોડી ન દેવાય. તેમની મર્યાદા આપણી મર્યાદા શા માટે બનવી જોઈએ?

ઉર્વીશ કોઠારી, લેખક જાણીતા પત્રકાર અને વિશ્લેષક છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો