તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વતંત્રતા બાંદી ન બને એ કોણ જોશે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનડીટીવીની સ્થાપક જોડી પ્રણય અને રાધિકાના નિવાસસ્થાને બરાબર સોમવારે જ છાપો મારીને સીબીઆઈએ અઠવાડિયું ઠીક બેસાડ્યું! રાષ્ટ્રપતિપદના સંભવિત દાવેદારને માત આપવા સીબીઆઈએ અયોધ્યા જગાડ્યું, તો સરકારને અણગમતા મીડિયા હાઉસને પાઠ શીખવવા છાપો માર્યો: આનું નામ તે પિંજરબધ્ધ પોપટજી, કેઇજ્ડ પેરટ. સરકાર અને સીબીઆઈ અલબત્ત આ મીડિયા હાઉસના સ્થાપકો સબબ કશોક વાંકગુનો ખસૂસ આગળ કરી શકે. પણ સાવ સાદો વિગતમુદ્દો એ છે કે એણે આગળ કરેલો મુદ્દો એક ખાનગી બૅંકની લોન માંડવાળનો છે.
 
અડતાળીસ કરોડની આ માંડવાળને જ્યારે આપણાં એકાદ ડઝન જેટલાં મોટા કોર્પોરેટ ગૃહો અને પબ્લિક સેક્ટરની બૅંકો વચ્ચે કેવળ દસ લાખ કરોડ રૂપિયાનો દેવા-વહેવાર બેરોકટોક જારી હોઈ શકે છે એવી વાસ્તવિકતા સામે મૂકીને જોઈએ તો તરત બે વત્તા બે બરાબર ચારની જેમ ચોખ્ખું સમજાઈ રહે કે એક પબ્લિક એજન્સીએ જેમાં પ્રાણપણે પડવું જોઈએ એવી કોઈ વાત આ ખાનગી બૅંક સાથેના થોડા એક કરોડના વહેવારની નથી.
મુદ્દે, જરી પણ જુદા પડતા અને કંઈકે માથું ઊંચકી શકતા મીડિયા બાબત સરકાર માત્ર, રિપીટ, સરકાર માત્ર અસુખ અનુભવે છે.
 
એ કોઈ ખાસ ખાનગી વાત નથી. ખુશવંતસિંહે 1973-74ના અરસામાં વડાપ્રધાન ઇંદિરા ગાંધી સાથેની એક વાતચીત ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’માં છાપી હતી. તે આ સંદર્ભમાં સાંભરે છે. ‘આકાશવાણી’ને સ્વાયત્ત કરવા વિશે તમારે શું કહેવું છે એ મતલબના પ્રશ્નનો ઇંદિરાજીનો ઉત્તર હતો કે એક પછાત પ્રજાના હાથમાં આવું સાધન કેવી રીતે મૂકી શકાય. તાજેતરનાં વરસોમાં એવી એક ટીકા સાંભળવા મળે છે કે જેઓ કટોકટીરાજ સામે લડ્યા તેમને હાથે આવા સ્વાતંત્રવિરોધી પગલાંને સમર્થન કેમ મળતું હશે. પણ એનડીટીવી જેવા તાજા દાખલા નવી નવાઈના નથી.
 
સરકાર, કેમ કે તે સરકાર છે, કેવી રીતે વિચારવા ઇચ્છે, એનો એક નાદર નમૂનો 1977ના જનતા રાજ્યારોહણ પછી તરતનાં વર્ષોમાં મોરારજી સરકારના સૂચના અને પ્રસાર મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ પૂરો પાડ્યો હતો. આખી લડત દરમ્યાન ઑલ ઇન્ડિયા રેડિયો તે ઑલ ઇંદિરા રેડિયો છે એ એક ખાસો ગાજતો ને ચગાવતો રહેલો મુદ્દો હતો. બીબીસી પેઠે સ્વાયત્ત કોર્પોરેશન જેવા કોઈ વિકલ્પની સતત હિમાયત કરાતી હતી. જનતા સરકારે ઇંચોઇંચ એડિટર જ્યોર્જ વર્ઘીઝના વડપણ હેઠળ એ દષ્ટિએ નીમેલી સમિતિ- જેમાં આપણા ઉમાશંકર જોષી પણ હતા- આ ધોરણે સ્વાયત્ત પ્રસાર ભારતી દરખાસ્ત લઈ આવી ત્યારે સૂચના અને પ્રસાર મંત્રી અડવાણીએ કહ્યું કે આ બધું શું છે. સરકારના એક ખાતા લેખે સ્વાયત્ત કેમ ન રહી શકો. લડતના મર્મસ્થાને ઘા જેવી ભૂમિકા આ હતી.
 
પ્રણય રૉયનો કોઈ વાંકગુનો હોય તો તે બાબત સીબીઆઈ જે રીતે મંડી પડી  છે એવી કોઈ ક્રિમિનલ સ્વરૂપની નથી. ગંમત તો કદાચ એ પણ છે કે જે ખાનગી બૅંકનો આ સવાલ છે તેણે (આઈસીઆઈસીઆઈ બૅંકે) તો ફરિયાદ પણ નથી નોંધાવી! પણ ગયે વરસે સરકારે જેમ એનડીટીવી એક દિવસ માટે બંધ રાખવાનો હુકમ કર્યો હતો. તેમ હમણાં આવો પેચ લડાવ્યો છે. જોકે એક દિવસની બંધીમાં સરકારને બહાદુરીપૂર્વક પીછેકૂચ કરવામાં સલામતી જણાઈ હતી, પણ ફરી પાછું કંઈ કર્યા વગર એને ચેન પડે શાનું.

વસ્તુત: સીબીઆઈએ જે રેડનો રાહ લીધો એમાં બાકી બધા માટે એક લાંબા ગાળાનો સંદેશો પડેલો છે: જો તમે સખણાં નહીં હીંડો (સરકારને અનુકૂળ નહીં વરતો) તો શું થઈ શકે છે તે જોઈ લો. સીબીઆઈનું નિવેદન જે મોટા ગુનાની લાંબીચોડી જિકર કરે છે તે તત્ત્વત: મૂળ ઇરાદા પરના કવર અપની કસરત છે. મીડિયામાત્રનું મોં કેમનું બંધ કરવું અગર તો એનું નાળચું કેમનું વાળવું, એ સરકારની કોશિશ જણાય છે.

પાંત્રીસેક વરસ પર બિહારમાં જગન્નાથ મિશ્રની સરકાર એક પ્રેસ બિલ લાવી હતી. અભિવ્યક્તિને રૂંધતી આ કોશિશ સામે ત્યારે રાષ્ટ્રવ્યાપી વિરોધઝુંબેશ ચાલી હતી, અને એ બિલ પડતું મૂક્વું પડ્યું હતુ. એડિટર્સ ગિલ્ડે એ દિવસોમાં બિહારની મુલાકાત લઈ આખો પ્રશ્ન એની પૃષ્ઠભૂ સમેત તપાસવાની કોશિશ કરી હતી. ગિલ્ડનું એક અવલોકન સ્મરણીય છે. એણે હેવાલમાં કહ્યું હતું કે 1974-77 નું જેપી આંદોલન અને એ પછી બિહારમાં કર્પુરી ઠાકુરનું શાસન, આ બધો દોર દેખીતો આછરી ગયો છે જરૂર; પણ બિહારમાં આજની તારીખેય (1982-83)માં કંઈ નહીં તોપણ સો જેટલાં ક્રાંતિકારી થાણાં કાર્યરત છે.
 
જો એમની પ્રવૃત્તિઓ લોકો સુધી પહોંચતી રહે તો કયારેક એ જંગલના દવ પેઠે ફેલાઈ પણ શકે. સ્થાપિત હિતવાદી સરકારને આ ન પાલવે. અભિવ્યક્તિને અવરોધતા પ્રેસ બિલ પાછળ આ સરકારી માનસિકતા કામ કરી ગઈ છે. આજે નિયો-લિબરલ અર્થનીતિ તળે દેશમાં નાનાંમોટાં જૂથો ને સમુદાયો જે પ્રકારે શોષણમાંથી પસાર થઈ રહ્યાં છે એનો ખરો ને પૂરો અંદાજ તો આપણું મીડિયા આપતાં આપશે. પણ નમૂના દાખલ હમણેનાં કિસાન આંદોલનોની જ વાત કરીએ તો શું જોવાં મળે છે? આત્મહત્યાનો દોર રોક્યો રોકાયો નથી. કિસાન હિતનાં એકોએક વચન કથિત દેવાંમાફી છતાં તત્ત્વત: વચન જ રહ્યાં છે.
 
મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનાં અત્યારનાં આંદોલનો આ દુર્દૈવ વાસ્તવની સાહેદી છે. આ સંજોગોમાં એક પા સરકારના દાવા અને બીજી પા લોકોનો વાસ્તવિક અનુભવ ને આપદા બેઉની વચ્ચેની ખાઈ જેમ જેમ વકરતી જશે તેમ તેમ આંદોલનોની તીવ્રતા કે અરાજક અંજપો વધતાં જશે, અને સરકારને પક્ષે નાનાવિધ દમનનું પ્રમાણ પણ વધતું જશે. કૌતુકભરી એટલી કમનસીબી બીના એ છે અને હશે કે આવાં એકોએક નિયંત્રણ અને દમન, સરાસર ગેરઇનસાફી અને કે‌વળ મનમુરાદશાહી છતાં, વિચારધારા અને દેશભક્તિના થપ્પા તળેનાં હશે. સોશ્યલ મીડિયા ક્યારેક મોદીએ હેળવ્યું હશે, ક્યારેક કેજરીવાલે કેળવ્યું હશે, પણ ફોરવર્ડ ફેંકાફેંકી અને ફેંકુશાહીની એની તરાહ ને તાસીર કંઈ મીડિયાનું સ્થાન લઈ શકે નહીં.
 
મીડિયાએ વળતું વિચારવું રહે, આપણે મોટા ઉદ્યોગધંધાની સહજ પ્રકૃતિ છતાં કેવળ કોર્પોરેટ વલણોમાં તો નથી ખૂંપતાં ને. જ્યારે સરકાર અને કોર્પોરેટ ગૃહો એકાકાર જેવાં માલૂમ પડે એવાં ચિહ્નો છે અને નેતાઓ સીઈઓ થવામાં રાજધર્મ જોવા લાગ્યાં છે. ત્યારે આ પ્રશ્ન સહેજ પણ અપ્રસ્તુત નથી. સ્વતંત્રતા કોર્પોરેટ તામઝામ જાળવણીની બાંદી ન બને એ કોણ જોશે? ક્યારે જોશે? કટોકટીમાં બેત્રણ મોટાં દૈનિક બાદ કરતાં અણુકાય પત્રોએ મોરચો સંભાળવાની નોબત આવી હતી - 25/26 જૂનના પૂર્વ પખવાડિયે આટલી એક ઇતિહાસસ્મૃતિ
અન્ય સમાચારો પણ છે...