તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રિટનમાં રૂઢિચુસ્ત વડાપ્રધાનને પછડાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિટનમાં રૂઢિચુસ્ત વડાપ્રધાનને પછડાટ

સામાન્ય ચૂંટણી ત્રણ વર્ષ દૂર હતી, ત્યારે પોતાની સત્તા મજબૂત કરવા માટે બ્રિટનનાં વડાપ્રધાન થેરેસા મેએ મધ્યસત્ર ચૂંટણીનો જુગાર ખેલ્યો. તેમાં એમના પાસા અવળા પડ્યા. સંસદમાં પોતાનું સંખ્યાબળ વધારવા ઇચ્છતાં થેરેસા મેને લાગ્યું કે ત્રણ વર્ષ સુધી પાતળી બહુમતીની કાખઘોડીના ટેકે ચાલવાને બદલે, અત્યારે જ ચૂંટણી થઈ જાય તો વ્યવસ્થિત બહુમતી સાથે જીતવાની શક્યતા ઉજળી છે. તેમનો ચૂંટણીપ્રચાર શરૂ થયો ત્યારે એવો માહોલ પણ બન્યો હતો કે રૂઢિચુસ્ત પક્ષનાં મે સહેલાઈથી સારી બહુમતી મેળવી લેશે. 

પરંતુ જેમ જેમ ચૂંટણીપ્રચાર આગળ વધતો ગયો તેમ મે માટે ચઢાણ કપરાં થતાં ગયાં. બે ત્રાસવાદી હુમલા અને બ્રેક્ઝિટ પછી વાસ્તવિક મુદ્દા અંગે લોકોની અપેક્ષાઓ, આ બન્ને મુદ્દે મે લોકોની અપેક્ષા પર ઊણાં ઊતરતાં ગયાં. પરિણામના આગલા દિવસે એક્ઝિટ પોલનાં પરિણામ આવ્યાં તેમાં એવું નીકળ્યું કે સંસદમાં મેને ધારી બહુમતી ન મળે અને કદાચ તે બહુમતી ગુમાવી પણ દે.  ખરેખરાં પરિણામ આવ્યાં ત્યારે એક્ઝિટ પોલમાં વ્યક્ત થયેલા અંદેશાને પુષ્ટિ મળી. 

થેરેસા મેના કન્ઝર્વેટિવ (ટોરી) પક્ષને 650માંથી 318 બેઠકો અને તેમના મુખ્ય હરીફ, જેમ્સ કૉર્બિનના મજૂર પક્ષને 261 બેઠકો મળી. તેના કારણે થેરેસા મેને ફરી એક વાર સ્પષ્ટ બહુમતી વગરની અને સાંધાસૂંધીવાળી સરકાર બનાવવાની ફરજ પડશે. બ્રિટનમાં સ્પષ્ટ બહુમતી મેળવવા માટે 326 બેઠકો જરૂરી ગણાય છે. વિપક્ષી નેતા કૉર્બિને અને બીજા કેટલાક નિરીક્ષકોએ આ પરિણામને થેરેસા મેની હાર ગણાવીને, તેમણે રાજીનામું આપવું જોઈએ એવી વાત કરી છે. પરંતુ મે રાજીનામું આપવા ઇચ્છતાં હોય એવું અત્યારે તો જણાતું નથી. તે ઓછી બેઠકો મેળવનારા નાના પક્ષોમાંથી 10 બેઠકો જીતેલી ડેમોક્રેટિક યુનિઅનિસ્ટ પાર્ટીને પાંખમાં લઈને સંસદમાં બહુમતી સિદ્ધ કરે એવી સંભાવના છે.

બ્રિટનની ચૂંટણીમાં બન્ને મુખ્ય પક્ષોમાંથી કોઈને સ્પષ્ટ બહુમતી ન મળે, એવું પ્રમાણમાં ઓછું બનતું હોય છે. પરંતુ 2010ની ચૂંટણીમાં એવું જ બન્યું હતું. ત્યારે ડેવિડ કેમેરોનની આગેવાની હેઠળ રૂઢિચુસ્ત પક્ષને 306 બેઠક મળી હતી. તેમને લિબરલ ડેમોક્રેટિક પક્ષ સાથે હાથ મિલાવીને સરકાર રચવી પડી, પરંતુ એ સરકારે પાંચ વર્ષ ખેંચી કાઢ્યાં. 2015ની ચૂંટણીમાં રૂઢિચુસ્તો જોર મારીને 331 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી લઈ આવ્યા અને કેમેરોન ફરી વડાપ્રધાન બન્યા. પણ એ વખતે તેમણે યુરોપીઅન યુનિઅન સાથે રહેવું કે છેડો ફાડવો એ મુદ્દે લોકમત યોજવાનું વચન આપ્યું હતું. 

આથી તેમણે લોકમત યોજ્યો અને તેમાં યુરોપીઅન યુનિઅનની સાથે રહેવાની તરફેણમાં પ્રચાર કર્યો. પરંતુ છેડો ફાડવાના તરફદારોએ જોશભેર અને તથ્યો અભરાઈ પર ચઢાવીને કરેલા પ્રચારના પરિણામે એવી હવા ઊભી થઈ કે યુરોપીઅન યુનિઅન છોડવાની તરફેણમાં 52 ટકા મત મળ્યા. આ પરિણામ પોતાના પ્રચારથી વિપરીત હોવાથી, કેમેરોને ગયા વર્ષે રાજીનામું આપ્યું અને તેમની જગ્યા થેરેસા મેએ લીધી, જેમના માથે બ્રેક્ઝિટનો અમલ કરવાની જવાબદારી આવી. 

બ્રેક્ઝિટ જેવા નિર્ણય વિશે વાટાઘાટો કરવાની હોય ત્યારે બ્રિટનમાં સ્થિર-મજબૂત સરકાર હોવી જરૂરી છે. એવી બહુમતી મેળવવા માટે થેરેસા મેએ 2020ને બદલે 2017માં સામાન્ય ચૂંટણીઓ જાહેર કરવાનું જોખમ લીધું અને તેમનું એ પગલું બૂમરેન્ગ થયું. તેમની નિષ્ફળતા માટે પ્રચાર વ્યૂહરચના પ્રત્યે પણ આંગળી ચીંધાઈ છે. પ્રચાર દરમિયાન પત્રકારોથી તો તે દૂર રહ્યાં જ, સાથોસાથ તેમના મુખ્ય હરીફ કૉર્બિન સાથે પણ જાહેરમાં ચર્ચાનો ઇન્કાર કર્યો. 

આ બાબતે તેમને ઠીકઠીક નુકસાન પહોંચાડ્યું. મતદારોને બહુ નહીં ગણકારવાનો કે તેમને હળવાશથી લેવાનો આરોપ પણ મે પર થયો. આ પરિણામોની પિંજણ તો ઘણા સમય સુધી થતી રહેશે, પરંતુ તેનું સૌથી મહત્ત્વનું પાસું બ્રેક્ઝિટના અમલ પર થનારી તેની અસર છે--અને તેમાં મેની આકરી કસોટી થવાની છે.
અન્ય સમાચારો પણ છે...