તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રિય ચિંતાઓનો એકરાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંસદીય ગરિમાના સતત નીચે જતા સ્તર પર દેશનો જાગરુક જનમત ચિંતિત છે. આ ચિંતાને જ હવે રાષ્ટ્રપતિએ અવાજ આપ્યો છે. આથી સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને તેને યોગ્ય ભાવના સાથે સ્વીકારે એ યોગ્ય રહેશે. એક વાલી તરીકે પ્રણવ મુખર્જીએ બંને પક્ષોને યાદ અપાવ્યું છે કે સંસદ કાયદો ઘડવાના કામમાં નિષ્ફળ જાય છે તો તેનાથી પ્રજાનો વિશ્વાસ તૂટી જાય છે. આથી તેમણે જણાવ્યું કે, કોઈ પણ સ્થિતિમાં સંસદીય કાર્યવાહીમાં વિઘ્ન ન નાખવું જોઈએ. ‘હોબાળો મચાવનારા લઘુમતિને બહુમતિનો અવાજ દાબી દેવાની મંજૂરી ન મળવી જોઈએ’. જોકે, આપણાં દેશની એ વાસ્તવિક્તા રહી છે કે વિરોધ પક્ષમાં ગમે તે પક્ષ હોય, તે સંસદને રાષ્ટ્રપતિના શબ્દોમાં ‘ટોળાશાહી અને સડક જેવા પ્રદર્શન’નું મંચ બનાવાનો પ્રયાસ કરે છે. જોકે, તેના માટે સત્તાપક્ષ પણ એટલો જ જવાબદાર છે.
સત્તા હાથમાં આવતાં જ પક્ષો ભૂલી જાય છે કે સંસદ/ વિધાનસભાઓ સહયોગ, સદ્ભાવ અને સમાન ઉદ્દેશ્યની ભાવનાથી ચાલે એ નક્કી કરવું તેમની જવાબદારી છે. મુખર્જીએ યાદ અપાવ્યું છે કે, બહુમત મેળવેલા પક્ષને શાસન કરવાનો જનાદેશ મળેલો હોય છે, જ્યારે તેનો વિરોધ કરવો, તેને ઊઘાડો પાડવો અને જો સંખ્યાબળ હોય તો સત્તામાંથી હાંકી કાઢવો એ વિરોધ પક્ષનો અધિકાર છે. પક્ષો જ્યારે લોકશાહીના આ મૂળભૂત સિદ્ધાંતને નજરઅંદાજ કરે છે ત્યારે સંસદીય પ્રક્રિયાનું અપમાન થતું હોય છે. આ સંદર્ભમાં રાષ્ટ્રપતિએ ધ્યાન દોર્યું છે કે બંધારણે કટોકટીની સ્થિતિમાં વટહુકમ બહાર પાડવાનો અધિકાર આપ્યો છે.
આ નિવેદનને વર્તમાન સરકારની કાર્યશૈલીની ટિપ્પણી માનવામાં આવશે, જેણે પોતાના સાત મહિનાના કાર્યકાળમાં દસ વખત વટહુકમની મદદ લીધી છે. એવા સમાચાર પણ છે કે કેટલાક વટહુકમ પર હસ્તાક્ષર કરતાં પહેલાં રાષ્ટ્રપતિએ સરકારને અઘરા પ્રશ્નો પણ પુછ્યા હતા. આમ પણ વટહુકમ દ્વારા શાસન કરવાને સ્વસ્થ પ્રવૃત્તિ માનવામાં આવતી નથી. રાષ્ટ્રપતિના આ નિવેદનને આપણે લોકશાહીના વ્યાપક અર્થમાં જોવું જોઈએ.