ફરજિયાત મતદાનનો વિવાદાસ્પદ ફતવો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કમ સે કમ, આ એક બાબતમાં ગુજરાત નિર્વિવાદપણે ‘નંબર વન’ છે. સ્થાનિક સ્તરની (પંચાયતની અને મ્યુનિસિપાલિટીની) ચૂંટણીઓમાં મતદાનને ફરજિયાત બનાવનારું તે ભારતનું પહેલું રાજ્ય છે. રાજ્ય સરકારે એક જાહેરનામું કાઢીને ઠરાવ્યું છે કે સ્થાનિક ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ ન કરનાર નાગરિક સામે દંડાત્મક કાર્યવાહી કરી શકાશે. મત ન આપવાનો ‘ગુનો’ કરવા બદલ ચૂંટાયેલા પ્રતિનિધિ કે હોદ્દેદારને હોદ્દો ગુમાવવાનો વારો આવે, એવી પણ તેમાં જોગવાઇ કરવામાં આવી છે.

‘ફરજિયાત મતદાન’ એવો પરસ્પર વિરોધી કે અતાર્કિક પ્રયોગ ગુજરાતીમાં વદતોવ્યાઘાત અને અંગ્રેજીમાં ‘કોન્ટ્રાડિક્શન ઇન ટર્મ્સ’ કહેવાય એવો છે. મત આપવો એ નાગરિકોનો અધિકાર છે અને તેમની ફરજ પણ છે. મહત્તમ સંખ્યામાં નાગરિકો મત આપે, એ માટે તેમને સમજાવવા, મતના મહત્ત્વનો પ્રચાર-પ્રસાર કરવો- એ બધું બરાબર અને વાજબી છે. પરંતુ ‘મતદાન નહીં કરો તો દંડ (કે સજા) થશે’ એવું કહી શકાય? આ આગ્રહ સામાન્ય સમજમાં ઉતરે એવો નથી. તેમાં નાગરિકના મૂળભૂત અધિકારો પર તરાપ વાગતી હોય એવું લાગે છે.

આ મહિને સર્વોચ્ચ અદાલતમાં ચાલતી ફરજિયાત મતદાન અંગે જાહેર હિતની અરજીમાં ચૂંટણીપંચે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ચૂંટણીપંચે અદાલતને કહ્યું હતું કે મતદાનને ફરજિયાત બનાવવાનું પગલું વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત નાગરિકી અધિકારોના ભંગ સમાન છે. તકનિકી આંટીઘૂંટીમાં ઉતરતાં, ચૂંટણીપંચે એમ પણ કહ્યું કે મતાધિકાર એ ‘મૂળભૂત’ (ફન્ડામેન્ટલ) નહીં, પણ ‘કાયદાથી સ્થાપિત’ (સ્ટેચ્યુટરી) અધિકાર છે. મતદાર ચૂંટણી લડતા ઉમેદવારો વિશે વિચારી-તપાસ કરીને મતાધિકાર વાપરવો કે નહીં, એનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. આ બાબતની તેને ફરજ પાડી શકાય નહીં. મત આપવાની સ્વતંત્રતામાં મત ન આપવાની સ્વતંત્રતાનો પણ સમાવેશ થઇ જતો હોવાનું પંચે જણાવ્યું હતું.

સર્વોચ્ચ અદાલતે અગાઉ એક ચુકાદા દ્વારા ચૂંટણીપંચને વોટિંગ મશીનમાં ‘નોટા’ (નન ઓફ ધ અબોવ- ઉપરનામાંથી એકેય નહીં)નો વિકલ્પ દાખલ કરવા જણાવ્યું હતું. તેનો અર્થ પણ એ થયો કે કોઇને મત ન આપવાનો મતદારને અધિકાર છે. ફરજિયાત મતદાનની સરકારી જાહેરાતમાં દંડ કે સજાનો ભાગ હજુ સ્પષ્ટતાથી જાહેર કરવામાં આવ્યો નથી. વાજબી કારણોસર મતદાન ન કરનાર માટે સરકારે યથાયોગ્ય જોગવાઇ કરવાની રહે. તેની પણ ચોખવટ કરાઇ નથી. આવી પાયાની અને પ્રાથમિક જોગવાઇઓ વિના, નાગરિકો સામે ફરજિયાત મતદાનનો દંડુકો ઉગામવાની સરકારને શી ઉતાવળ આવી જતી હશે, એ સમજાતું નથી. કડક અમલની જાહેરાતમાં છટકબારીઓ મુકાયા પછી, તેનો કેવો દુરુપયોગ થઇ શકે અથવા ભ્રષ્ટાચારના નવા રસ્તા કેવા ખુલી શકે, તે દારૂબંધીનો લાંબો અનુભવ ધરાવતા ગુજરાતમાં કોઇને સમજાવવું પડે એમ નથી.

ફરજિયાત મતદાનના તરફદારોની દલીલ એવી રહી છે કે મતદાનની ટકાવારી વધતાં, નાગરિકોની સામેલગીરી વધશે અને લોકશાહી મજબૂત બનશે. સાંભળવામાં આ દલીલ આકર્ષક અને આદર્શ લાગે એવી છે. મતદાનનું પ્રમાણ વધે અને લોકો આળસ કે નિર્વેદ તજીને મતદાન કરે, એવું સૌ કોઇ ઇચ્છે. પણ કેવળ મતદાન ફરજિયાત બનાવી દેવાથી લોકશાહી સુદૃઢ બની જશે? મતદાન અને ચૂંટણી લોકશાહીનું આરંભબિંદુ છે.

લોકશાહીની મજબૂતીનો ખરો આધાર બંધારણીય સંસ્થાઓ સ્વતંત્ર રીતે કામ કરી શકે અને વખત આવ્યે સરકારને પણ ભીંસમાં મૂકી શકે- તેની પાસે જવાબ માગી શકે, એવા વાતાવરણ પર રહેલો છે. પરંતુ ‘કેગ’ના અહેવાલોથી માંડીને લોકપાલ જેવા અત્યંત મહત્ત્વના મુદ્દે રાજ્ય સરકારનું વલણ જોતાં, તેને લોકશાહીની સુદૃઢતાની ખરેખર કેટલી ચિંતા છે, તે જણાઇ આવે છે.