તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનથી આગળ, રાજસત્તાની સાખે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરવિંદ કેજરીવાલ આજકાલ બે કારણથી ચર્ચામાં છે: તેમના વિશેની નાટ્યાત્મક છતાં દસ્તાવેજી ફિલ્મ ‘એન ઇન્સિગ્નિફિકન્ટ મેન’ (નગણ્ય, તુચ્છ જણ) અને તેમના દ્વારા સ્થાપિત ‘આમઆદમી પક્ષ’નાં પાંચ વર્ષ.

 

એક સમય હતો જ્યારે જયપ્રકાશ નારાયણના સમાજવાદી આંદોલનમાંથી રાજકારણમાં પ્રવેશેલા નેતાઓએ હિંદી પટ્ટામાં પોતપોતાના રાજકીય પક્ષો અને પછાત વર્ગના રાજકારણ સાથે કાઠું કાઢ્યું અને રાજ્યોમાં સત્તા હાંસલ કરી. પરંતુ તેમની પર વિશુદ્ધ, બિનરાજકીય આંદોલનકારી હોવાનો ‘આરોપ’ મૂકી શકાય નહીં અને સત્તા સુધી પહોંચવામાં તેમને ખાસ્સો સમય પણ લાગ્યો. તેમની સરખામણીમાં અરવિંદ કેજરીવાલનો ઉદય અને મધ્યાહ્ન ફિલ્મી ઢબે અને એવી જ ઝડપે આવી ગયાં.


શરૂઆતમાં તેમની ઓળખ અન્ના હજારેના સાથીદાર, ઇમાનદાર ભૂતપૂર્વ સરકારી અફસર અને કુશળ સંગઠક તરીકેની હતી. તેમણે કોંગ્રેસી રાજમાં એક પછી એક બહાર આવી રહેલાં કૌભાંડના માહોલમાં ભ્રષ્ટાચારમુક્તિનો મંત્ર ગજવીને અપાર લોકપ્રિયતા હાંસલ કરી. ‘આમઆદમી પક્ષ’ની સ્થાપના તેમના માટે સ્વાભાવિક બીજું પગલું હતી, પરંતુ તેમના સમર્થકોમાંથી કેટલાકને આ નિર્ણયથી આઘાત લાગ્યો.

 

તેમાં જેમને પ્રતીક-ચહેરા તરીકે રાખીને આંદોલન કરવામાં આવ્યું હતું તે અન્ના હજારેનો પણ સમાવેશ થતો હતો.  રાજકારણમાં આવ્યા પછી અને પહેલી વાર ચૂંટાયા પછી ‘આપ’ની સરકારને પોતાની ‘પવિત્રતમ’ છાપ ટકાવી રાખવા માટે સત્તા ગુમાવાવનો વારો આવ્યો. ત્યારે તેમના રાજકીય શાણપણ વિશે ઘણાને શંકા ઉભી થઈ હતી. પરંતુ બીજી ચૂંટણીમાં, ‘ભગૌડા’ સહિતના તમામ આરોપોને હડસેલીને ‘આપ’ની જે રીતે (70માંથી 67 બેઠકો પર) જીત થઈ, તે આઝાદી પછીના ભારતીય રાજકારણમાં સીમાચિહ્ન બની રહે એવી ઘટના હતી. 


સત્તાનો શરૂઆતનો સમય ભ્રષ્ટાચારના આરોપો અને કેન્દ્ર સરકાર સાથે સતત ભીડાવામાં ગયો. કેન્દ્ર સરકારે પણ ભાજપ માટે દૂરના ભવિષ્યમાં ખતરારૂપ બનવાની સંભાવના ધરાવતા ‘આપ’ની સરકારને ઉગતી જ દબાવી દેવાની કોશિશોમાં કશું બાકી ન રાખ્યું. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણ જેવા પાયાના સાથીદારોનો વિચ્છેદ ‘આપ’ની વિશ્વસનીયતા માટે મોટો ફટકો હતો. પૂરતા પ્રમાણમાં ફટકા ખાધા પછી તેમણે ઘણા સમયથી મોં બંધ રાખીને નક્કર કામગીરીમાં ધ્યાન પરોવ્યું છે. દિલ્હી સરકાર દ્વારા મહોલ્લા ક્લિનિકો અને સરકારી શાળાઓમાં થયેલા સુધારાના અહેવાલો વખતોવખત આવતા રહે છે અને કેજરીવાલે જે કરવા ધાર્યું હતું, તેની ઝલક આપતા રહે છે. એ સ્વપ્ન જાહેર ક્ષેત્રમાં કામ કરનાર કોઈ પણ વ્યક્તિનું હોઈ શકે. પરંતુ આવું સ્વપ્ન લઈને રાજકારણમાં આવ્યા પછી અને સફળ થયા પછી પણ એ સ્વપ્ન સાકાર કરવાનું કેટલું અઘરું છે અને ભ્રષ્ટાચારવિરોધનો આકર્ષક લાગતો એજેન્ડા કેટલો અધૂરો છે, તે માટે ‘આપ’નાં પાંચ વર્ષ   ઉત્તમ કેસ સ્ટડી બની શકે છે. 

અન્ય સમાચારો પણ છે...