તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘નગરવધુ’ નદીઓને ફરી ‘લોકમાતા’નો દરજ્જો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂઝીલેન્ડના માઓરી આદિવાસીઓ 140 વર્ષથી એક નદીને પોતાના પૂર્વજ તરીકે સ્થાપિત કરવા અને તે નદીને જીવતાજાગતા મનુષ્ય જેવો દરજ્જો આપવા કોશિશ કરી રહ્યા હતા. આખરે તેમના પ્રયત્ન ફળ્યા અને ગયા સપ્તાહે અદાલતે નદીને ‘માણસ’ ગણવાનો ચુકાદો આપ્યો. (અગાઉ એક નેશનલ પાર્કને પણ આવો દરજ્જો આપવામાં આવ્યો હતો.) ન્યૂઝીલેન્ડના માઓરી આદિવાસીઓ પોતાને પહાડ, નદી અને દરિયાની સમકક્ષ, આ સૃષ્ટિનો એક ભાગ ગણે છે. કહેવાતા સુધરેલા માણસોની જેમ તે પોતાને આ જગતના માલિક માનતા નથી. તેમના માટે પર્યાવરણનું મૂલ્ય ફક્ત ભાવનાત્મક નહીં, વાસ્તવિક હોય છે. એટલું જ નહીં, પોતાના આ પર્યાવરણપ્રેમને તે વિકાસવિરોધી ગણતા નથી. સવાલ નદીને માન અાપવાનો અને કુદરતના એક અંગ તરીકે તેનું માન જાળવવાનો છે. તેના અસ્તિત્વની કે જાળવણીની ચિંતા કર્યા વિના આડેધડ ઉપભોગ કરવાની માણસની વૃત્તિને લીધે અનેક સમસ્યાઓ સર્જાઈ છે. 
નદીને થયેલા નુકસાન પેટે ન્યૂઝીલેન્ડની સરકારે રાષ્ટ્રીય ચલણમાં 8 કરોડ પાઉન્ડ ચૂકવવાનું અને નદીના નવા કાનૂની દરજ્જાના નિભાવ પેટે 10 લાખ પાઉન્ડ ચૂકવવાનું કબૂલ્યું છે.
નદીને મનુષ્યનો દરજ્જો આપવાથી નદીના માનવહક ઉભા થાય છે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર બને છે. વહેતી નદીનું પાણી મધુર સંગીત પેદા કરી શકે, પણ તેના હકની રજૂઆત કરવા માટે કે તેની પર અત્યાચારની ફરિયાદ માટે માણસ હોવા જોઈએ. તેના માટે ન્યૂઝીલેન્ડ સરકારે એક સરકારી અને એક આદિવાસી એમ બે પ્રતિનિધિ નીમ્યા. આ સમાચાર આવ્યા ત્યારે નદીનો મહિમા સમજતા અને પર્યાવરણનું મહત્ત્વ સ્વીકારતા સૌને આનંદની સાથે એવો વિચાર આવ્યો હશે કે ભારતમાં આવો દિવસ ક્યારે આવશે? પણ એ સૌના સુખદ આશ્ચર્ય વચ્ચે ગઈ કાલે ઉત્તરાખંડની વડી અદાલતે ગંગા અને યમુના નદીઓને જીવંત વ્યક્તિનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. અદાલતે ગંગા, જમુના, તેના વિવિધ ફાંટા અને પેટાનદીઓને જીવંત વ્યક્તિનો કાનૂની દરજ્જો આપ્યો છે. આવો ઐતિહાસિક ચુકાદો નદીઓના રક્ષણ-જાળવણી માટે અને લોકોની તેમની પરની શ્રદ્ધા ટકી રહે એ માટે અપાયો હોવાનું અદાલતે જણાવ્યું છે.
ગંગા નદી હિંદુ આસ્થાળુઓ માટે સર્વોચ્ચ મહત્ત્વ ધરાવે છે. ગંગામાં ડૂબકી મારવાથી પાપ ધોવાઈ જાય એવી ધાર્મિક માન્યતા છે. પરંતુ વર્ષોથી બીજી ઘણી નદીઓની જેમ ગંગા નદી પણ આડેધડ આક્રમણોનો ભોગ બની છે - અને આ આક્રમણો વિદેશીએ નહીં, દેશી લોકોએ અને વિધર્મીઓએ નહીં, સ્વધર્મીઓએ કરેલાં છે. નદીઓમાં ઠલવાતાં રસાયણોથી માંડીને નદીના પટમાં ને કિનારે થતું રેતીનું ઉત્ખનન, નદીકાંઠે થતાં આડેધડ બાંધકામ - આવી અનેક ગતિવિધિઓને લીધે નદીઓ ગટરગંગા બને છે અને તેના પર્યાવરણનો દાટ વળે છે. નદીને પવિત્ર ગણીને તેમાં થતી ધાર્મિક વિધિઓ નદીની ગંદકી વધારવામાં કારણભૂત બને છે. છતાં શ્રદ્ધાળુઓ તેના પાણીને પવિત્ર ગણવાનું ને તેને વધુ ને વધુ પ્રદૂષિત કરવાનું ચાલુ રાખે છે. પોતે જેને પવિત્ર ગણે છે એ નદીને પ્રદૂષિત જોઈને લોકોની ધાર્મિક લાગણી દુભાતી નથી. 

નદીઓનું મોટા ભાગનું પ્રદૂષણ આડેધડ વિકાસના નવા મોડેલનું પરિણામ હોવાથી સરકારો પણ નદીઓની સ્વચ્છતાની પરવા કરતી નથી. ક્યારેક લોકોની ધાર્મિક લાગણી પંપાળવા નેતાઓ નદીમાં એકાદ ડૂબકી મારી લે છે. પણ નદીને જીવંત વ્યક્તિ તરીકે ગણીને એવી સંવેદનશીલતાથી તેની સાથે વર્તવાનું કોઈ રાજકારણીને સૂઝે તેમ નથી. એ વખતે ઉત્તરાખંડ અદાલતનો આદેશ આવકાર્ય છે. અદાલતે નમામિ ગંગે પ્રોજેક્ટના ડાયરેક્ટર, રાજ્યના મુખ્ય સચિવ અને એડવોકેટ જનરલને નદીના પ્રતિનિધિ તરીકે નીમ્યા છે. તેમણે નદીનું ધ્યાન રાખવાનું રહેશે અને અદાલતનો ચુકાદો ફક્ત ફીલગુડ ન બની રહે તથા તેના હાર્દનો અમલ થાય તે પણ જોવાનું રહેશે.

તંત્રી લેખ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો