તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીડાથી દૂર ન ભાગો, તેને આલિંગન આપો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડૉ.વિક્ટર ફેન્કલ નામના ફિલોસોફર જેના પુસ્તક ‘મેન્સ સર્ચ ફોર મીનિંગ’ની 90 લાખ નકલો વેચાઈ છે તેણે માનવીને મળતી પીડાનું બહુમાન કર્યું છે. તેણે અંગ્રેજીમાં કહ્યું છે કે સુખ કે પીડામુક્ત જીવન માટે ફાંફા ન મરાય તેને ગોતવા ન જવાય. હેપ્પિનેસ કેન નોટ બી પરસ્યુડ ઇટ મસ્ટ એનસ્યુ. બહુ સરસ અંગ્રેજી વાક્ય છે. સુખની પાછળ પડો તે ભાગે છે, સુખને પડતું મૂકો એટલે તે તમને શોધતું આવે છે. ડૉ. વિક્ટર ફેન્કલ કહે છે કે તમે પીડાનું બહુમાન નહીં કરો, તો પણ તમારા નસીબ હશે તો મળશે, નહીંતર પછી આવતા ભવે. સિવાય તમે તમારા સગાવહાલા મિત્રો અને પ્રેમિકાઓનાં ધોખા કર્યા કરશો અને ખોટેખોટા લાગણીપ્રધાન ગીતો કે ગઝલના બકવાસ કર્યા કરશો.

‘કાગઝ કે ફૂલ’નું એક ગીત દ્વારા ગુરુદત્ત પીડાદાયક ધોખો કહે છે, પણ હું કહું છું કે મારા વ્હાલીડા! કાગળનાં ફૂલોને તમે ચાહીચાહીને સાચાં સુગંધવાળાં ફૂલ બનાવો તો જ ખરા ભાયડા. જીવનનો દોર તમે કોઈ બીજાના હાથમાં આપ્યો તે જ મોટી ભૂલ થાય છે. જીવનનો દોર, જીવનનો આનંદ અને તેની પીડા એ બધું તમારું અંગત કરો. તમારા હાથમાં જિંદગી રાખો અને કાળજી રાખો કે તમારી પીડા માટે બીજા કોઈને દોષ નહીં દો. આ રહ્યુ એ પીડાદાયી ગીત: દેખી જમાને કી યારી બિછડે સભી બારીબારી/ ઉડ જા ઉડ જા ઓ પ્યાસે ભંવરે, રસ ન મિલેગા ખારોં મેં/ કાગઝ કે ફૂલ જહાં ખિલતે હૈ, બૈઠ ના ઉન ગુલઝારો મેં/ નાદાન તમન્ના રેતી મેં ઉમ્મીદ કી કશ્તી ખેતી હૈ/ ઇક હાથ સે દેતી હૈ દુનિયા, સો હાથોં સે લે લેતી હૈ/ યહ ખેલ હૈ કબસે જારી, બિછડે સભી સભી બારી બારી.

અરે! ગુરુદત્ત સાહેબ ‘બિછડે’નો શું કામ ધોળો કરો છો? તમે તમારાથી ‘બિછડો’ છો? જો નથી બિછડતા તે દુનિયા જખ મારે. મારી પાસે પેઇન, પેઇનફુલ લાઇફ, લવ ઇઝ પેઇનફુલ વગેરે મથાળાવાળાં પુસ્તકો છે. તેમાં ‘ધ બ્રિલિયન્ટ ફંક્શન ઑફ પેઇન’નું ડૉ. મિલ્ટન વોડેનું જૂનું પુસ્તક પણ છે. હવે પીડા અંગેની પ્રસાદી આપણે જુદા જુદા વિદ્વાનોના સોને મઢવા જેવા સૂત્રો દ્વારા માણીએ:

-  ડૉ. મિલ્ટન વોર્ડે કહ્યું છે કે પ્રેમ કરો એટલે સ્વીકારી જ લેવાનું કે તેમાં પ્રેમી કે પ્રેમિકા સાથે દલીલો થવાની છે. ગુસ્સો આવવાનો છે, વચ્ચે શારીરિક ઇચ્છાઓ પણ ભોગવી લેવાની, પણ પીડા માટે જાગૃત રહેજો. ડૉ. મિલ્ટન કહે છે કે સમય બહુ ક્રૂર છે. સમય જતાં પ્રેમ ઠંડો પડે છે તમારી ફરજ છે કે તેને રિન્યૂ કરો.

-  ડૉ. આર્થર કલેનમેન આજે આશરે 73 વર્ષના છે. તેઓ ચીન ગયા હતા. ચીની છોકરીના પ્રેમમાં પડ્યા. તેની પ્રેમિકા જુઆન ચીની કલ્ચરની જાણકાર હતી. ડૉ. આર્થર કલેનમેન પ્રેમી હતા અને ડૉક્ટર હતા. તેઓ કહેતા કે શું પ્રેમની ફરિયાદો કરો છો? તમે ચીન અને ભારત જઈ આવો. પ્રેમી કે પ્રેમિકા તમને ભૂલી જાય છે. બીજા પ્રેમીને પસંદ કરી લે છે. જો તમે ખરા પ્રેમી હો તો પ્રેમિકાનું સુખ શેમાં છે તે જાણી લેશો. જો પ્રેમિકાને તમારા સિવાયની વ્યક્તિમાં વધુ ઉષ્મા જણાય, તો તેને જવા દો. ડાૅ. આર્થર કલેનમેન કહેતા કે ધેર કેનનોટ બી અ વર્લ્ડ વિધાઉટ ડિસીઝ, ડિસીઝ ઇઝ ધ પાર્ટ ઑફ યોર લાઇફ ઓલ્સો ધ પેઇન. પીડા અને રોગ જીવન સાથે જડાયેલી ચીજો છે. ટુ એક્સપેકટ અ લાઇફ વિધાઉટ પેઇન ઇઝ ઇનહ્યુમન. જો પીડામુક્ત જીવન ચાહતા હો, તો તમે માત્ર માટીનાં ઘડેલાં પૂતળાં છો. યંત્રવત્ - ઢીંગલાની જેમ જીવતા રહો છો. પણ શું એમાં મજા છે? પીડા વગરનો માનવી, મનુષ્ય આત્મા ધરાવતો નથી.

-  ડો. પેટ્રિક વોલે ‘ધ સાયન્સ ઑફ સફરિંગ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં એક જીવનમાં જડી રાખવા જેવું સત્ય છે. તમે પીડા માટે ઘડાયેલા છો. પણ તમારી પર્સનાલિટી, તમે પીડાને કેટલી સહન કરી શકો છે તે ઉપરથી પરખાય છે. જોકે હવે વિજ્ઞાનીઓ-ડૉક્ટરો અને માનસચિકિત્સકો પીડાનું મૂળ શું છે?, પીડામુક્ત જીવન બની શકે?, શારીરિક પીડાથી કાયમ માટે મુક્ત થઈ શકાય? આ પ્રશ્નો પણ ઉકેલ્યા છે. પેઇન ઇઝ વન ઑફ ધ ગ્રેટેસ્ટ મિસ્ટ્રીઝ- પીડા એ તબીબો માટે પણ મોટું રહસ્ય છે તેમ નિષ્ણાતો કહે છે, પણ હું કહું છું કે કોઈ જ મિસ્ટ્રી નથી. ઈશ્વરની સમીપ આવવાનું સૌથી મોટું શસ્ત્ર એટલે પીડા. પછી તે માનસિક હોય કે શારીરિક પીડા હોય.

-  પીડા વિશે ડૉક્ટરો અને મનોવિજ્ઞાનીઓ એ ઘણાં સંશોધનો કર્યાં છે અને તેમાંથી ઘણી આશ્વર્યજનક વાતો મળી છે. લોકોએ ડ્રગ્ઝ એટલે કે નશો આપનારાં દ્રવ્યો જેનાથી પીડા ભૂલી જવાય છે, તેનાથી માંડીને સર્જરી, એક્યુપંચર અને યોગ વગેરેનો ઉપચાર કે ઉપયોગો કર્યા છે.

-  પેટ્રિક વૉલ જેણે ધ સિક્રેટ ઓફ સફરિંગ પુસ્તક લખ્યું તે પોતે જ પ્રોસ્ટેટ કેન્સર જેવા પીડાદાયક રોગથી લાંબો સમય પીડાયા અને તેણે પીડા વિશે પુસ્તક લખ્યું ત્યારે તેને ‘પેઈન મેન ઓફ સેન્ચુરી’નું બિરુદ અપાયુ. એટલી વાત માટે કે પેટ્રિક વોલે કાઠિયાવાડી ભાષામાં પીડાને કહેલુ કે ‘આવ તારે આવવું હોય તેટલા જથ્થામાં આવ આ ભાયડો તારાથી-પીડાથી ડરવાના નથી.’ તેણે કહ્યુ કે પીડાએ માત્ર મનનું ભૂત છે! છેલ્લે એક વાત મૂકું છું ડૉ. વિક્ટર ઓલિવિયા કહે છે કે સંગીત, પેન્ટિંગ, નાટક કે લેખન એ તમામ કળાઓ પીડામાંથી પેદા થાય છે. જેણે મહત્તમ પીડા ભોગવી હોય તે ઉત્તમ કળા અને ઉત્તમ લેખન સર્જી શકે છે!
 
કાન્તિ ભટ્ટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો