મેળાપી મૂડીવાદથી મુક્ત ગુજરાત મોડલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત આવતા બુધવારે એટલે કે ત્રીસમી એપ્રિલે મતદાન કરશે. જોગાનુજોગ, આ દિવસ રાજ્યના પંચાવનમા વરસમાં પ્રવેશનો પૂર્વદિવસ હશે. દેશ આખામાં આ ચૂંટણીમાં મોદી પ્રતાપે કથિત 'ગુજરાત મોડલ’ ખાસું ચર્ચામાં છે તે એક રીતે જોતાં, ગુજરાતનાં ચોપ્પન વરસને મૂલવવા સારુ ઠીક પરિપ્રેક્ષ્ય પણ પૂરું પાડે છે.ગુરુવાર 'મા ગંગાના તેડાવ્યા’ નમો વાજતેગાજતે વારાણસી પુગ્યા ત્યારે એમણે કેમ જાણે ગુજરાત મોડલનો દાખલો આપતા હોય તેમ પોતાને હસ્તક વિકસેલ સાબરમતી રિવરફ્રન્ટની ખાસ જિકર કરી હતી અને ગંગામૈયાને પણ એવું નવરૂપ આપવાની ઉમેદ પ્રગટ કરી હતી. અહીં રિવરફ્રન્ટની મૂળ પરિકલ્પના અને એમાં અપેક્ષિત પ્રજાપરકતાની ચર્ચામાં જવાનો અને એ રીતે રિવર ફ્રન્ટના અત્યારના સ્વરૂપની ચોખ્ખી મર્યાદાની વાત કરવાનો ખયાલ આ ક્ષણે નથી. માત્ર, સામે સમજદાર છે અને એને એક ઈશારો કાફી છે. એ આશાએ એટલું જ કહેવું બસ થશે કે નદીતટનું સૌંદર્યીકરણ (બ્યુટિફિકેશન) અને વિકાસ એ બે એક વાત નથી. સાથેલગું એ પણ સંભારી લઈએ કે રિવરફ્રન્ટથી થોડેક જ અંતરે, વાસણા કને, આ નદી ગામ આખાની ગંદકી સોતી પરમ પ્રદૂષણવતી છે. વિકાસનો ખયાલ શેની ફરતે રમે છે એ સમજવા માટે અને વારાણસીના ગંગાતટવાસીઓને ગુજરાત મોડલ વિશે વિચારવા માટે ખરું આટલું પૂરતું થઈ પડવું જોઈએ.

પોતાને કેન્દ્રમાં રાખીને વિચારતા નેતાઓનું વિશ્વદર્શન વાસ્તવિક સિિદ્ઘઓ કમ અને સપનાના સાથિયા ઝાઝા જેવું હોય છે એ ઈતિહાસમાં સતત દર્જ થતું રહ્યું છે. ગમે તેમ પણ, સૂચિત ગંગાતટવિવર્ધન અને વાસ્તવિક રિવરફ્રન્ટ દર્શન (જેમ કે વાસણાના ઉજાસમાં) વિકાસના વેશ વિશે મૂળગામી વિચારસામગ્રી પૂરી પાડવાની ગુંજાશ જરૂર ધરાવે છે.જે દિવસે મા ગંગાના તેડાવ્યા મોદી વારાણસીમાં હતા, સોનિયા ગાંધી તે જ દિવસે ચૂંટણી તેડાવ્યાં ગુજરાતમાં હતાં. એમણે ગુજરાત સરકારની ગરીબીની વ્યાખ્યા જો અગિયાર રૂપિયે ગંઠાતી અને અટકતી હોય તો એ કેવું વિકાસ મોડલ છે એવો સવાલ ઉઠાવ્યો હતો. નાટયાત્મક પ્રસ્તુતિની રીતે, બલકે કંઈક નાટકીય રજૂઆતની રીતે, એ ઠીક જ હતું. પરંતુ, મનમોહન-મોદી આદિ હસ્તક જે એલપીજી (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઈઝેશન અને ગ્લોબલાઈઝેશન) દોર ચાલ્યો છે એની અસલિયત, કહો કે વિકાસનું વાસ્તવ તળેઉપર તપાસવા જેવું છે.

ગુજરાતના કથિત વિકાસ મોડલ વિશે (૨૦૦૨-૨૦૧૨ના સમયગાળાના વિશેષ સંદર્ભમાં) ઓકસફર્ડ યુનિવર્સિ‌ટી) દ્વારા સદ્યપ્રકાશ્ય. ગ્રંથને અનુલક્ષીને ઈન્દિરા હિ‌રવેએ હજુ સોમવારે જ આ પત્રમાં કરેલી ચર્ચા મુજબ એ દસકો ગુજરાતમાં માત્ર ક્રોની કેપિટાલિઝમના ઉદયનો રહ્યો છે. આ ક્રોની કહેતાં મેળાપી અગર મળતિયા મૂડીવાદમાં ઔદ્યોગિક એકમ જેમ મોટું તેમ સબસિડી પણ ઊંચી એવો એક વિપર્યાસ જોવા મળે છે. બીજા શબ્દોમાં, મુક્તબજારનાં પરિબળો નહીં પણ મૂડીવાદીઓને અપાતી સવલતો મૂડીનો અને ઉત્પાદનનાં સાધોનોનો ઉપયોગ નક્કી કરે છે. ઈન્દિરા હિ‌રવેએ સમજાવ્યા મુજબ આ પ્રક્રિયામાં આપણે ત્યાં રોજગારી, પર્યાવરણ, આરોગ્ય, શિક્ષણ, સમાનતા વગેરે લક્ષ્યોની અવગણના થઈ છે. બલકે, નમૂના દાખલ, ખેતીની જ વાત કરીએ તો નાના ખેડૂતોને બહુધા બાકાત રાખતો આ વિકાસ ટકાઉ નથી. કારણ કે તે મુખ્યત્વે ભૂગર્ભજળને ખેંચીને જ થયો છે. ટૂંકમાં, કથિત ગુજરાત મોડલની બાબતમાં પુનર્વિ‌ચારણા કરવાની તાતી જરૂર છે.

આ ચર્ચામાં જઉં છું ત્યારે ગુજરાતના પ્રથમ સ્થાપના દિવસના અરસામાં મુખ્યમંત્રી જીવરાજ મહેતાએ કહેલી એક વાતનું સ્મરણ થાય છે કે આપણી સમૃિદ્ઘનાં બહુ ગીતો ગાવાની જરૂર નથી કેમ કે હજુ આપણે ઘણું જરૂરી હોવાનું છે. આટલા વરસના અંતરે આ વાત જરી જુદી રીતે વિચારવાપણું લાગે છે અને તે એ કે આ સમૃિદ્ઘ અને વિષમતા નિમૂર્‍લન વચ્ચે કેટલું ભેંકાર છેટું છે દાખડા અને દેખાડાના અંજાપામાં તેમ અંધાપામાં (કહો કે જ્યોતિગ્રામના 'અજવાળા’માં) આ દેખાય તો પંચાવનમાં વરસમાં પ્રવેશ સાર્થક મેળાપી અગર મળતિયા મૂડીવાદના દોરમાં, યુપીએ અન્વયે આરટીઆઈ અને મનરેગા આદિ જે બધા સશક્તિીકરણ અભિક્રમ અને ઉપક્રમ હાથ ધરાયા છે તે અવશ્ય આવકાર્ય છે. અમત્ર્ય સેને પોતાની જ લિબરલ સ્કૂલના જગદીશ ભગવતીથી કંઈક જુદા પડીને બજારનાં બળો વચ્ચે આમ આદમીની બાલાશ જાણી છે તેમાં આ રહેલો છે.

જો કોઈ ગુજરાત મોડલ ખરેખર જ વિકસાવવું હોય તો માત્ર યુપીએ દ્વારા ચીંધેલ આવાં વાનાં પણ અપૂરતાં, બેહદ અપૂરતાં છે. કદાચ, ટકાઉ વિકાસ અને મહત્તમ વિકેન્દ્રીકરણ, શ્રમ-સહભાગિતાની વાસ્તવિક કદર સહિ‌ત ઘણું બધું કરવાનું રહે છે. ૨૦૦પમાં સિદ્ઘપુર ખાતે સરસ્વતીને કૃત્રિમપણે સેંજળ કરવાનો જે માયામૃગી સોલો આપણે ર્શીષ સત્તાસ્થાનેથી જોયો હતો એ સ્વાભાવિક જ કોઈ ઉગાર નથી. સરકારી અધિકારીઓ મારફતે હાથ ધરાતા અને આલેખાતા 'કન્વિન્યન્ટ એક્શન’થી ગુજરાતનું દળદર વાસ્તવમાં ફીટયું ફીટવાનું નથી. સરદારની મોંધીદાટ અતિઊંચી પ્રતિમાથી દેશબાંધવોનાં જીવનમાં કોઈ પ્રત્યક્ષ ગરિમા કેવી રીતે પ્રગટવાની હતી? વસ્તુત : આ આખી ગર્વગરબડગ્રસ્ત સ્કૂલ જ ફેરતપાસ માગે છે. ઈવાન ઈલિચે ક્યારેક 'ડીસ્કૂલિંગ’ની વાત કરી હતી. કાશ, પંચાવનમે ગુજરાતને કોઈ ઈલિચ મળે જે આપણી રાજકીય પ્રજાતિને ગર્વગરબડ બાબતે ડીસ્કૂલિંગનો બોધ પમાડે