નવા નકશાની રાજકીય દીપોત્સવી ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નવા નકશાની રાજકીય દીપોત્સવી ?
- પરિવર્તન યુગ |એકના નસીબે ચંદ્રની ઊતરતી કળાની અમાસ અને બીજાને માટે સૂરજનાં નવાં અજવાળાં !
ખાપ, આપ એમએનએસ અને એમઆઈએમ...ઓગણીસમીના રવિવારે બાકી મોટા પક્ષોની સાથે આવા જાણીતા-અજાણીતા નામો પણ ક્યાંક અફળાતા રહ્યા હશે, ભારતીય ચૂંટણીની એ જ તો કમાલ છે! 1700 જેટલા રાજકીય પક્ષો અને નાના-મોટા સંગઠનોના જંગલમાંથી પસાર થઈને મતદાર પોતાની પસંદગીના ઉમેદવારને મત આપતો હોય તો તે કંઈ ઓછો કરિશ્મા નથી. હવે તો દુનિયાના કોઈપણ લોકશાહી દેશ જેટલો જ ભારતીય મતદાર ગણતરીપૂર્વક મતદાન કરતો થયો છે.

આનું કારણ શું? માથું ખંજવાળવું પડે અને રાજકીય પંડિતોને 60થી વધુ વરસના રાજકીય ચોપડા ઉથલાવી નાખ્યા પછી યે સાવ સાચુકલો જવાબ ન પણ મળે એવું બને.નાત, જાત, કોમ, સંપ્રદાય, નાણા અને ગુંડાગર્દીના પ્રભાવ તેમજ શિક્ષણના અભાવ જેવા રોજેરોજ સંભળાતા કારણો ભલે હાજર હોય. કોઈવાર વળી અકારણ ભક્તિનું યે પૂર આવે છે, જેમ કે 1952થી કેટલીક ચૂંટણી સુધી એક જ નિયતિ લગભગ સર્વત્ર સ્થાપિત હતી. ભરોસાની આવી રામાયણે દેશનું કેવું કેટલું ખરાબ કર્યું તે સમજાવવા માટે વિપક્ષોને બીજા 15 વર્ષ લાગ્યા.

ડો. રામમનોહર લોહિયા યાદ આવે છે ? 1967માં તમણે બિનકોંગ્રેસવાદનો ઝંડો ઊઠાવ્યો અને સમાજવાદી-જનસંઘ, બે છેડાના મનાતા રાજકીય પક્ષો એકઠા થયા. ‘સંવિદ’ સરકારો પણ રચાઈ કિંતુ ભારતીય રાજનીિતમાં કોંગ્રેસીકરણનું અેવું સ્થાયીત્વ થઈ ગયું હતું કે ‘સંવિદ’ના નવા રૂપ-રંગમાં વિપક્ષો હાંસિયામાં રહ્યા, કોંગ્રેસ મુખ્ય પાના પરની કહાણી બની ગઈ.
એવું તો નથી કે પ્રજાએ પોતાની રીતે પીડા અને ઈચ્છાને વ્યક્ત જ ના કરી હોય. મીનુ મસાણી- આચાર્ય કૃપલાણી-જ્યોર્જ ફર્નાડિઝ, ડો. રઘુવીર દીન દયાળ ઉપાધ્યાયની પેટા ચૂંટણીઓ ભારતીય રાજકારણને હલબલાવી મૂકે તેવી હતી.
એ દિવસો પણ ગયા. ડો. લોહિયાનાં સમાજવાદી બાંધવ જયપ્રકાશને છેક 1974માં ખ્યાલ આવ્યો કે અરે, આવું જ ચાલશે તો ભારતમાં લોકશાહીના રૂપરંગ જ વિકૃત અને બિહામણા થઈ જશે. આવાં દુ:ખમાંથી બિહાર-આંદોલન અને પછી કટોકટી વિરોધી સંઘર્ષ. સત્તાનું પરિવર્તન તો થયું પણ એકાદ-બે મોસમ પૂરતું રહ્યું. દરમિયાન કોંગ્રેસના આંતરવિગ્રહમાંથી વિશ્વપ્રતાપ સિંહ સરજાયા તો માંડલ-ભલામણોના અતિરેકમાં ડૂબ્યા.

2014ની લોકસભા ચૂંટણી અને ‘ઓક્ટોબર ખળભળાટ’ જેવી મહારાષ્ટ્ર હરિયાણા વિધાનસભા ચૂંટણીના પડકાર અને બોધપાઠ - બંને એકબીજાની સાથે હાથ મિલાવીને જુગલબંધી કરી રહ્યા છે તે જોયું? મુંબઈમાં 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ હતી. 1980માં ભારતીય જનતા પક્ષ પણ આ નગરમાં જ પેદા થયો. એકના નસીબે ચંદ્રની ઉતરતી કળાની અમાસ અને બીજાને માટે સૂરજના નવા અજવાળાં! આવું કેમ બન્યું તે સવાલોના તીર હવે ફેંકાતા રહેશે. એક સામ્યવાદી બિરાદરે તો કહી દીધું કે સાહેબો, માત્ર એક જ મુદ્દા- બિનભાજપ- પર બાકીના પક્ષોએ ભેગા થવું પડશે.

આ કંઈ નવી થિયરી નથી, જનસંઘે આવા મોરચા પર ઝીંક ઝીલી છે. આ વખતે અધૂરામાં પુરું શિવસેનાએ ‘મરાઠી માણુષ’ના સોગંદ ખાઈને ભાજપથી છેડો ફાડ્યો હતો. હવે ‘પોલિટિક્સ ઓફ બાર્ગેનિંગ’નો ઓછો અવકાશ છે એ ઉદ્ધવ ઠાકરે જાણે છે. એ પણ ખબર છે કે હવેની શિવસેના કંઈ બાળા સાહેબ ઠાકરેની શિવસેના નથી રહી. મોદીએ ચૂંટણીપ્રચારમાં જ્ઞાનદેવ મહારાજ, છત્રપતિ શિવાજી અને સાવરકરને ય પોતાનાં ભાષણોમાં યાદ કર્યા. અને એકવાર તો કહ્યું પણ ખરૂં કે શરદ પવાર કંઈ શિવાજી મહારાજ બની ના શકે!

કહીં પે નિગાહે, કહીં પે નિશાનાનો આ ખેલ ઉદ્વવજી ના સમજ્યા હોય તો જ નવાઈ!ખરી વાત એ છે કે કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે ‘કાયાકલ્પ’ કરવાનો સમય પાકી ગયો છે. હરિયાણામાં સિનિયર નેતાઓને હુડ્ડાએ સાથે ન રાખ્યા તેને કારણે હાર થઈ એમ કહેવાયું છે. બીજી બાજુ ભાજપે પોતાના વિવિધ વિસ્તારોના શક્તિશાળી નેતાઓની નવી કતાર ખડી કરી દીધી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના મનસે કંઈ ખાસ ઊકાળી શકી નથી, ભલે તેનો નેતા યુવાન ગણાયો હોય.

પરિસ્થિતિનો તકાજો એવો છે કે નવા યા જૂના, પણ પક્ષ તેમજ જાહેર જીવનમાં ‘જીવંત’ રહેલાઓ માટે દરવાજા ખૂલ્યા છે. આનો લાભ ભાજપે લીધો એટલે તે જીત્યો છે. નાના પ્રાદેશિક પક્ષોએ અસ્તિત્વ જાળવવું હોય તો હવે બદલવું પડશે.રાષ્ટ્રીય સ્તરના ગણાયેલા બે પક્ષો ભાજપ અને કોંગ્લેસના ‘ગઠબંધન’ની કરમકહાણી લાંબી છે. તેની જગ્યા એકલા હાથે સત્તાજોગ બહુમતી મળે તો ‘સ્થિર સુશાસન’ મળે, એ જ રીતે કેન્દ્રની જેમ રાજ્યમાં યે એ જ પક્ષની સરકાર હોય તો વધુ વિકાસ થાય એવો તર્ક હવે પાટલા પર બેસાડાયો છે.

પણ વાત એટલી સરળ પણ નથી. ગુજરાતને- નર્મદા સહિતમાં- અન્યાય થયો ત્યારે કયાં રાજ્ય-કેન્દ્રમાં એક જ પક્ષ શાસન પર નહોતો? મુદ્દો નિયતિ કરતા નિયતનો છે. આત્મ-તૃષ્ટિની જગ્યાએ સર્વજનસુખાયના સંકલ્પ સુધી પહોંચવાના ઈરાદાનો છે. ભારતીય રાજનીતિની દશા-દિશાનો આવો ઈશારો સમજવા જેવો છે, પૂર્વગ્રહ વિના. આ ચૂંટણીમાં પણ મતદારે સરજેલી ‘મોદી-મૈત્રી લહેર’ને સમજવી એ ય સ્થિતિનો તકાજો છે.