તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજદ્વારી આલિંગનોની કૂટનીતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજકાલ દુનિયાભરના મીડિયામાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી થકી વિવિધ દેશોના વડાઓને બાથમાં લઈને આલિંગન આપવાના અભિયાનની ખૂબ ચર્ચા છે.  છેલ્લે છેલ્લે તો વ્હાઇટ હાઉસની મુલાકાત ટાણે મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ત્રણ-ત્રણ વાર બાથમાં લઈને પોતાના સંબધોમાં કેટલી નિકટતા છે એનાં દર્શન કરાવ્યાં.  એ પહેલાં બરાક ઓબામા જ્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ હતા, ત્યારે એમની સાથેની નિકટતા દર્શાવવા માટે વડાપ્રધાન મોદીએ એમને બાથમાં ભીંસીને જે રીતે આલિંગન આપ્યું હતું, એ જોઇને તો એમની સાથેના જુગજુગના સંબંધો ઉજાગર થતા લાગ્યા હતા. છોગામાં વડાપ્રધાનને ‘નવરાશની પળોમાં બરાક અને હું ગપ્પાં મારીએ છીએ’ એવા કરેલા નિવેદને પણ નિવૃત્ત થઈ રહેલા ઓબામા સાથેની દોસ્તીની નિકટતા દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. હમણાં આ દોસ્ત અમેરિકા ગયા ત્યારે એ દોસ્તને મળ્યાનું સાંભળ્યું નહીં. 

ગલ્ફના દેશોના મુસ્લિમ શાસકો હોય કે યુરોપના ખ્રિસ્તી વડા, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ હોય કે રશિયાના પ્રમુખ પુતિન, ભારતના વડાપ્રધાને એ બધાને ભારતીય પરંપરા મુજબ બે હાથથી ‘નમસ્તે’ કરવા કે પશ્ચિમની પરંપરા મુજબ હસ્તધૂનન કરવાને બદલે ગળે મળવાનું જ પસંદ કર્યું છે. વડાપ્રધાન મોદી કાબુલ ગયા હતા અને વચ્ચે વિમાનને ફંટાવી પાકિસ્તાની વડાપ્રધાન મિયાં નવાઝ શરીફને 66મા જન્મદિવસની મુબારકબાદી આપવા લાહોરમાં લૅન્ડ થયા, ત્યારે પણ બેઉ એવા ગળે મળ્યા કે લાગતું હતું કે બસ, હવે તો કાશ્મીર કોકડું ઉકલી જ ગયું સમજો. 

વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગને અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર હિંચકે ઝૂલાવી રહ્યા હતા, ત્યારે એવું લાગતું હતું કે ગુજરાત સાથે કેટકેટલા એમઓયુ કરનાર દેશના વડા રીઝી ગયા છે અને હવે તો પેલી 1962વાળી દુશ્મની ઇતિહાસજમા બની જઈ જૂના સરહદી વિવાદ પણ ઉકલી જ ગયા સમજો. ચીનના નેતાઓને ગળે મળવાનું ગમતું નથી એટલે એમની ગળે મળવાની છબિયું કંડારી શકાઈ નહીં. જાપાનના નેતાઓને કોઈ ગળે મળે એ ગમતું નહીં હોવા છતાં બેઉ દેશના વડાપ્રધાનો મોદી અને આબે એકમેકને આલિંગન આપતા દેખાયા જરૂર.  હા, કોઈ દેશનાં મહિલા શાસકને મળતી વખતે વડાપ્રધાન હસ્તધૂનન કરવાનો વિવેક જરૂર દાખવે છે.

રાજદ્વારી સંબંધોમાં બે દેશના નેતા એકમેકને બાથમાં લઈને આલિંગન આપવાની ‘આક્રમક પહેલ’ ભલે વડાપ્રધાન મોદીએ કરી હોય, પણ અગાઉ આવા અનેક પ્રસંગો બન્યા છે. એકમેકથી નિકટના સંબંધ ધરાવનારા બે દેશના વડા કે બે દેશના પક્ષોના વડાઓ વિશ્વમંચ પર હૂંફાળાં આલિંગન આપતા જોવા મળ્યા છે. જોકે નરેન્દ્ર મોદીની આ બાબતમાં પહેલ તો ગુજરાત અને તેમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વારતહેવારે એકમેકને બાથમાં લઈને ભેટવાની જે પરંપરા છે એના વૈશ્વિક પ્રચલન માટેની પહેલ જ ગણવી પડે. 

મોદી જેમ અમદાવાદના ખાખરાનું માર્કેટિંગ વિશ્વસ્તરે કરવાના આગ્રહી છે, એમ જ વિશ્વના મહત્ત્વના દેશોના વડાઓને પણ બાથમાં લઈ આલિંગન આપવાની પરંપરાનું પણ માર્કેટિંગ કરતા વધુ લાગે છે. ઉત્તર ગુજરાતમાં તો પુરુષોમાં રામરામી વખતે જ નહીં, મા, મોટાં ભાભી, બહેન, માસી કે ફોઈને પણ ગળે મળીને શુભેચ્છા આપવાની પરંપરા છે. 

એટલે 1983માં દિલ્હીમાં ક્યૂબાના રાષ્ટ્રપ્રમુખ ફિદેલ કાસ્ટ્રો તત્કાલીન વડાંપ્રધાન ‘મોટાં બહેન’ ઇંદિરા ગાંધીને મંચ પર ગળે મળ્યા, ત્યારે એમાં કશું અજુગતું લાગ્યું નહોતું , છતાં ઘણા વાંકદેખાઓને એ નિર્દોષ આલિંગનમાં અવિવેક દેખાયો હતો. જોકે શ્રીમતી ગાંધીને કાસ્ટ્રોના આવા અણધાર્યા પગલાથી સંકોચ જરૂર અનુભવાયો હતો. હમણાં બ્રિટિશ રાજકુમાર હૅરીને જમૈકાનાં મહિલા વડાંપ્રધાન પોર્તિયા સિમ્પસન મિલરે આવકારતાં જે રીતે બાથમાં લઇ લીધા હતા, એનાથી પણ મીડિયામાં ખૂબ ઉહાપોહ મચ્યો હતો. પ્રત્યેક દેશની પરંપરા અને સંસ્કાર મુજબ જાહેર મંચ પર નેતાઓનું વર્તન અપેક્ષિત લેખાય છે. આરબ દેશોમાં કે યુરોપમાં બે મહાનુભાવો મળે ત્યારે એકમેકને ગાલ કે હાથ પર ચુંબનની પરંપરા છે, પણ બધે એવું કરવામાં અવિવેક મનાવો સ્વાભાવિક છે.

વિવિધ દેશોના વડાઓની બેઠકો કે સંમેલનોમાં અપેક્ષિત શિષ્ટાચાર પાળવાનું સામાન્ય છે. બે દેશના વડાઓ પોતાના ઘરઆંગણે મતદારોને સંકેત આપવા માટે અમુક પ્રકારના ફોટા પડાવે કે લાંબુ હસ્તધૂનન કરે કે ગળે મળે છે. જોકે આવા શિષ્ટાચારમાં વધુ પડતું વાંચવાનું યોગ્ય નથી. ભારત અને ચીન કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અત્યારે જોવા મળતી કડવાશ થોડા સમય પહેલાંનાં મીઠડાં દૃશ્યો પછી આવેલા પલટા છે. રાજદ્વારી સંબધો અને રાજકારણમાં ફરક છે. 

ભારતને ચારેબાજુથી ભરડો લેવાની સક્રિયતા ધરાવતા અજગર સમાન ચીનના રાષ્ટ્રપતિ શી હજી જૂનમાં કઝાકિસ્તાનમાં અને આ જ મહિને જર્મનીમાં વડાપ્રધાન મોદીને મળ્યા, એકમેકના વખાણ પણ કર્યાં, પણ અત્યારે સંબંધોમાં 1962 જેવો માહોલ સર્જાવાના એંધાણ મળે છે. રખે કોઈ માને કે લાંબા હસ્તધૂનન કે આલિંગનથી બે દેશ વચ્ચે હૂંફાળા સંબંધો સ્થપાઈ જાય છે. પ્રત્યેક દેશ પોતાના સ્વાર્થનો વિચાર કેન્દ્રસ્થાને રાખે છે. આપણે ત્યાં એક કહેવત છે: નમન નમન મેં ફર્ક હૈ.  

આંતરરાષ્ટ્રીય સંબંધોના શાસ્ત્રનું પણ આવું જ છે. અમેરિકા કે ઇઝરાયલને અબજોના ઑર્ડર આપે એવા ભારતના માર્કેટમાં રસ પડવો સ્વાભાવિક છે.  અમેરિકાની છત્રછાયામાંથી નીકળી પાકિસ્તાન ચીનનું ખંડિયું બનવાનું પસંદ કરે, ત્યારે અમેરિકાને ભારતનું વિશાળ માર્કેટ વહાલું લાગવું સ્વાભાવિક છે. પ્રત્યેક દેશ પોતાના પગ પર જ પ્રગતિ કરી શકે અથવા અસ્તિત્વ ટકાવી શકે. અત્યાધુનિક શસ્ત્રો આયાત કરી શકાય અથવા ઘરઆંગણે રશિયા કે ઇઝરાયલની ભાગીદારીમાં બનાવી શકાય, પણ એ ચલાવવાની કુશળતા તો ભારતીય પ્રજાએ જ કેળવવી પડે.
ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ જૂની હોવાની ગુલબાંગો પોકારનારા આપણે હજી પાઠ્યક્રમોમાં કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર’ ભણાવવામાં સંકોચ અનુભવીએ છીએ, ત્યારે પશ્ચિમના ઘણા બધા દેશો તો કૌટિલ્ય અને મૅકિયાવેલીની તુલના કરીને પોતાના સામ્રાજ્યના વહીવટમાં એની ઉપયોગિતા નક્કી કરી ચૂક્યા છે. ભારત સરકારની સંસ્થા ‘ઇન્સ્ટિટયુટ ફોર ડિફેન્સ સ્ટડીઝ ઍન્ડ એનાલિસીસ(ઇડસા)’એ હજી 2013માં જ કૌટિલ્ય વિશે આંતરરાષ્ટ્રીય પરિસંવાદોનાં વાર્ષિક આયોજન આરંભ્યાં. વાત આલિંગનની હોય ત્યારે આપણી સામે મહાભારત અને શિવાજી જીવનગાથામાંથી માર્ગદર્શન મળે છે.  

મહાભારતમાં યુદ્ધ સમાપ્ત થયા પછી ધૃતરાષ્ટ્રના મનમાં પોતાના 100 પુત્રો હણાયાનું વેર લેવાની ભાવના શમતી નથી. એ ભીમને ગળે મળવાના બહાને પોતાની લોહભુજાથી ભીંસી નાખવા માગે છે. આ જાણતા શ્રીકૃષ્ણ ભીમના સ્થાને લોહમૂર્તિ  મૂકીને ભીમના પ્રાણ બચાવે છે. છત્રપતિ શિવાજી અને અફઝલખાન વચ્ચેની મુલાકાતમાં પણ આલિંગન આપીને મરાઠા રાજાના પ્રાણ હરી લેવાનો ઇરાદો હતો, પણ મહારાજને એમના મુસ્લિમ સરદારે ચેતવ્યા હતા. એટલે તે સજ્જ થઈને ગયા અને  એમણે જ અફઝલ ખાનને રહેંસી નાખ્યો. જરૂરી નથી કે આજકાલનાં રાજદ્વારી આલિંગન આવાં પ્રાણઘાતક સાબિત થાય, પણ એ આલિંગનો પાછળની કુટિલ નીતિ સમજી લેવાની જરૂર ખરી.
અન્ય સમાચારો પણ છે...