તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિલ્હી માટે રાજકીય અને બંધારણીય લડાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિલ્હી વિધાનસભામાં 70માંથી 67 બેઠકો જીતીને અભૂતપૂર્વ બહુમતી મેળવનાર આમઆદમી પક્ષ અને તેના વડા અરવિંદ કેજરીવાલ માટે સંઘર્ષ એ સ્થાયી ભાવ છે. અરવિંદ કેજરીવાલના રાજકારણના પાયામાં જ સંઘર્ષ, આક્ષેપો, વિરોધપ્રદર્શનો અને દેખાવો રહેલાં છે. તે બધાને ગેરવાજબી તરીકે ખતવી શકાય એમ નથી. પણ કાયમ તે એક જ અંદાજમાં, તાર સપ્તકમાં વાત કરવા ટેવાયેલા હોવાથી, તેમના કિસ્સામાં ઘણી વાર ‘વાઘ આવ્યો રે વાઘ’ જેવું થાય છે : ખરેખર વાઘ આવે ત્યારે પણ લોકો તેમના બૂમરાણને ગંભીરતાથી લેતા નથી.

દિલ્હીને પૂરા કદના રાજ્યનો દરજ્જો આપવાના મુદ્દે કેજરીવાલ પહેલેથી આગ્રહી રહ્યા છે. બીજા રાજકીય પક્ષો માટે એ સગવડીયો મુદ્દો છે, પરંતુ અત્યારે કોંગ્રેસ-ભાજપ બન્નેને કેજરીવાલ સામે એકસરખો વાંધો છે અને કેજરીવાલ વાંધો પાડવાનાં પૂરતાં કારણો પણ પૂરાં પાડ્યા કરે છે. દિલ્હીને પૂરા કદના રાજ્યનો દરજ્જો આપવાનું કોઇ પણ ચૂંટાયેલી સરકારને જરૂરી લાગે--ખાસ કરીને એવા સંજોગોમાં, જ્યારે કેન્દ્ર સરકાર બીજા, વિરોધી પક્ષની હોય. કેમ કે, વર્તમાન સંજોગોમાં દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ હોવાથી, તેમાં વિધાનસભાની ચૂંટણી થતી હોવા છતાં, અને મુખ્ય મંત્રી નીમાતા હોવા છતાં, મહત્ત્વના નિર્ણયોમાં આખરી સત્તા કેન્દ્ર સરકાર દ્વારા નિમાતા લેફ્‌ટનન્ટ ગવર્નરની ગણાય છે.

બીજાં રાજ્યોમાં મુખ્ય મંત્રી ખરા સત્તાધીશ, નિર્ણયો લેનાર હોય છે અને ગવર્નર (રાજ્યપાલ)ની ભૂમિકા શોભામાં અભિવૃદ્ધિ કરવાની હોય છે. ગવર્નર કેન્દ્ર સરકારના પ્રતિનિધિ હોય છે. બંધારણીય દૃષ્ટિએ તેમનું સ્થાન ચડિયાતું હોવા છતાં અને વિધાનસભાએ પસાર કરેલા કાયદા રાજ્યપાલની સહી વિના કાયદા બની શકતા ન હોવાથી, ગવર્નરનું મહત્ત્વ ઊભું થાય છે. એ સિવાય ચૂંટણી પછી કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી હોય એવા સંજોગોમાં સરકાર રચવાનું આમંત્રણ આપવાનો અધિકાર રાજ્યપાલનો હોય છે. રાજ્યમાં અશાંત સ્થિતિ હોય ત્યારે તે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને, કેન્દ્ર સરકારના ઇશારે ચૂંટાયેલી સરકારને ગબડાવી શકે છે. પરંતુ આવા અપવાદોને બાદ કરતાં, ગવર્નરનું સ્થાન રાજભવનમાં અને વિવિધ સમારંભોમાં ગણાય છે. તેમની સરખામણીમાં દિલ્હીના લેફ્‌ટનન્ટ ગવર્નર વિશાળ સત્તાઓ ધરાવે છે અને તે મુખ્ય મંત્રીની પણ ઉપરવટ જઇ શકે છે.

દિલ્હીમાં ગજગ્રાહ આ જ બાબતને લઇને છે : મુખ્ય મંત્રી કેજરીવાલ માને છે કે (રાજ્યપાલોની જેમ) લેફ્‌ટનન્ટ ગવર્નરે મંત્રીમંડળના સલાહ-સુચન (ટૂંકમાં, ઇચ્છા) પ્રમાણે વર્તવાનું હોય, જ્યારે કેન્દ્ર સરકાર અને તેમના માણસ ગણાતા દિલ્હીના લેફ્‌ટનન્ટ ગવર્નર દિલ્હીનું સ્થાન અલગ હોવાનું ગણાવીને, તેમાં પોતાની સત્તાની સર્વોપરિતા સિદ્ધ કરે છે. અગાઉ દિલ્હી હાઇકોર્ટ બંધારણીય જોગવાઇ ટાંકીને જાહેર કરી ચૂકી છે કે દિલ્હી કેન્દ્રશાસિત છે અને તેના વહીવટી વડા તરીકે લેફ્‌ટનન્ટ ગવર્નર જ રહેશે.

દિલ્હીની ‘આપ’ સરકારે આ ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં જુદી જુદી છ અપીલ કરીને ચુકાદાના અમલ પર મનાઇહુકમ માગ્યો હતો. અદાલતે દિલ્હી સરકારની રજૂઆતને અદાલતી કાર્યવાહી માટે સ્વીકારી છે અને આખરી સુનાવણીની તારીખ ૧૫ ફેબ્રુઆરી ઉપર ઠેલી છે. અલબત્ત, બે ન્યાયાધીશોની બનેલી સર્વોચ્ચ અદાલતની બેન્ચે હાઇકોર્ટના ચુકાદા પર મનાઇહુકમ આપવાનો ઇન્કાર કર્યો છે, જેનાથી દિલ્હી સરકારને નિરાશા થઇ છે.
આ કેસમાં જરૂર પડ્યે સર્વોચ્ચ અદાલતમાં વધુ ન્યાયાધીશોની બનેલી બેન્ચ રચી શકાય, એવી પણ સંભાવના અદાલતમાંથી વ્યક્ત થઇ છે. પરંતુ અત્યારના સંજોગો જોતાં, અરવિંદ કેજરીવાલ અને તેમના આમઆદમી પક્ષે આ લડાઇ અદાલત કરતાં વધારે પ્રમાણમાં રસ્તા પર લડવાની આવે એવી સંભાવના વધારે છે. દિલ્હીમાં જે કંઇ કામ ન થઇ શક્યાં, તેમાં આ ગજગ્રાહની કેટલી જવાબદારી રહી, એ પ્રશ્ન પણ આગામી ચૂંટણી વખતે અને એ સિવાયની ચર્ચાઓમાં અગત્યનો બનશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો