તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટના વહીવટી સુધારા: અદાલતની ફટકાબાજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતનું ક્રિકેટ બોર્ડ વિશ્વનું સૌથી સમૃદ્ધ બોર્ડ છે, પરંતુ ઉત્તરદાયિત્વની અને જવાબદારીની વાત આવે, ત્યારે તેનો નંબર બહુ પાછળ આવે છે. અઢળક રૂપિયા, આર્થિક હિતો અને રાજકીય દખલગીરીને લીધે બોર્ડનો વહીવટ ખાડે ગયો. એટલું જ નહીં, મેચ ફિક્સિંગનાં કૌભાડો થવા અને ખુલ્લાં પડવા છતાં, તેનો સડો દૂર થવાની કોઇ આશા જણાતી ન હતી. આઇપીએલમાં ફિક્સિંગ અને બોર્ડના પ્રમુખ શ્રીનિવાસનની તેમાં સામેલગીરીના આરોપોને કારણે બોર્ડની રહીસહી વિશ્વસનિયતા ઉપર પણ પાણી ફરી વળ્યું હતું. છેવટે, ભારતમાં બને છે તેમ, સર્વોચ્ચ અદાલતે દાખલ થવું પડ્યું.

જાહેર હિતની અરજી પરથી અદાલતે ગયા વર્ષના જાન્યુઆરીમાં લોધા સમિતિની નિમણૂંક કરી હતી. એક વર્ષ પછી અદાલતે ત્રણ સભ્યોની બનેલી લોધા સમિતિનાં સૂચનો જાહેર કર્યાં અને બોર્ડને તેનો અમલ કરવા કહ્યું. પરંતુ દેખીતાં કારણોસર બોર્ડ એ વિશે બહુ ઉત્સાહી ન હતું. એટલે અદાલતે વઘુ કાન આમળીને બોર્ડને સમિતિનાં સૂચનનો અમલ કરવાની ડેડલાઇન આપી અને કહ્યું કે તમારાથી એ ન થાય, તો લોધા સમિતિને કામ સોંપી દઇએ.
બોર્ડને લોધા સમિતિની ભલામણો સામે સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી, પણ ક્રિકેટના વહીવટમાં એકહથ્થુ સત્તા ધરાવતા બોર્ડ પ્રત્યે અદાલતે વાજબી રીતે કડક વલણ અપનાવ્યું.
ગઇ કાલે લોધા સમિતિની ભલામણો વિશે આપેલા ચુકાદામાં પણ અદાલતનું એ વલણ પ્રતિબિંબિત થાય છે. અદાલતે બોર્ડને આદેશ આપ્યો છે કે મંત્રીઓ અને સરકારી નોકરો બોર્ડમાં હોદ્દેદાર તરીકે ન હોવા જોઇએ. હોદ્દેદારોની ઉંમર ૭૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. પ્રત્યેક રાજ્યને એક જ મતનો અધિકાર મળ (વન સ્ટેટ-વન વોટ) એવા લોધા સમિતિના સૂચનને અદાલતે મંજૂર રાખ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં રાજ્યોમાં એકથી વધુ ક્રિકેટ સંગઠનો છે. એવી સ્થિતિમાં દરેક સંગઠને વારાફરતી મત આપવાનો રહેશે.

લોધા સમિતિના અહેવાલમાં જણાવાયું હતું કે સટ્ટો વર્ષેદહાડે ૪૦૦ અબજ ડોલરની વૈશ્વિક પ્રવૃત્તિ છે. ભારતમાં ખેલાડીઓ, ટીમના અધિકારીઓ અને અને ક્રિકેટના વહીવટદારો સિવાય સૌ માટે તેને કાયદેસર બનાવવાનું વિચારવું જોઇએ. જોકે, સમિતિએ મેચ ફિક્સિંગ અને સ્પોટફિક્સિંગની પ્રવૃત્તિને ફોજદારી ગુનો બનાવવાની પણ ભલામણ કરી હતી. સર્વોચ્ચ અદાલતે આ અંગે જણાવ્યું છે કે સટ્ટાબાજીને કાયદેસર બનાવવા માટે કાયદો બનાવવાનો થાય, જે કામ સંસદનું છે. એવી જ રીતે, બોર્ડમાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)નો એક પ્રતિનિધિ નીમવાની લોધા સમિતિની ભલામણને અદાલતે મંજૂર રાખી છે, પણ ક્રિકેટ બોર્ડનો માહિતી અધિકારના દાયરામાં સમાવેશ કરવો કે નહીં, તેનો નિર્ણય સંસદ પર છોડ્યો છે.

ભારતના સવા અબજ લોકોની લાગણી સાથે સંકળાયેલી રમતના વહીવટમાં પારદર્શકતા અનિવાર્ય ગણાય. અદાલતે આ મુદ્દો આગળ કરીને મેચના જીવંત પ્રસારણની વચ્ચે બતાવાતી જાહેરખબરોની સમયમર્યાદાથી માંડીને બીજા ઘણા મુદ્દા પર બોર્ડનો કાન આમળ્યો હતો. હવે અદાલતે ભવિષ્યનો રસ્તો આલેખી આપ્યો છે, ત્યારે બોર્ડ તેનો સાચી દાનતથી અમલ કરે તે અપેક્ષિત છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો