જીભ પર નિયંત્રણ અઘરું છે, પણ રાખવું જરૂરી છે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ દુનિયામાં પ્રકૃતિએ પોતાની હાજરીને ખૂબ જ રસમય રાખી છે. પ્રકૃતિનો આસ્વાદ જરૂર ચાખવો જોઈએ. દરેક સ્વાદનું માન જાળવવું, પણ જીવનના આ રસ જ્યારે અનિયંત્રિત થવા લાગે ત્યારે સાવધ થવું જરૂરી છે. જ્યારે આપણે સાધન સંપન્ન હોઈએ છીએ, ત્યારે ભોગની ઈચ્છા પણ હોય છે. શરીર માટે જેટલો જરૂરી છે તેટલો ભોગ તો કરવો જ પડે છે. સતત એક અભ્યાસ કરતા રહો કે તે અભ્યાસ છે આસ્વાદના વ્રતનો. વિનોબા ભાવે કહેતા હતા કે જીભનો સંબંધ સ્વાદ સાથે છે, તેથી જેણે જીવનમાં આસ્વાદ વ્રતનું પાલન કરવું હોય તેણે જીભને ચમચી જેવી જ માનવી જોઈએ. ચમચીમાં મીઠી વસ્તુ રાખો કે તીખી ચમચીને તેની સાથે કોઈ સંબંધ હોતો નથી. તે માત્ર એક પાત્ર છે, એક માધ્યમ છે. એવો જ સ્વભાવ અને વ્યવહાર જીભનો પણ બનાવવો જોઈએ.જે દિવસે જીભ ચમચીની ભૂમિકા ભજવશે, તે દિવસે આસ્વાદનું વ્રત સધાવા લાગશે. શરીરને ઘણા રસની જરૂર છે અને માધ્યમ બને છે જીભ. તેથી શરીરની જરૂરિયાતોની પૂર્તિ‌ માટે જીભ પર કન્ટ્રોલ રાખવો જરૂરી છે. જીભ પર નિયંત્રણ રાખવું સરળ પણ નથી, તેથી યોગમાં જીભ પરના નિયંત્રણની પણ એક ક્રિયા છે. આંખો બંધ કરીને, કમર સીધી રાખીને હોઠ બંધ કરી લો અને જીભને ઉપર તાળવા પર અડકાડવાની પ્રેક્ટિસ કરો. જો કે તેના બીજાં પરિણામો પણ છે, પણ તેનાથી જીભ પર નિયંત્રણ આવે છે. તેની રુચિ સ્વાદ પ્રત્યે ઘટતી જાય છે. આસ્વાદ વ્રત આપણા માટે શારીરિક, માનસિક અને આર્થિ‌ક રીતે ખૂબ જ ઉપયોગી છે. આસ્વાદ વ્રતની સંભાવના માત્ર મનુષ્ય પાસે જ છે. તેથી આ આસાદ વ્રતને અંદરથી ઊભું કરવું જોઈએ.