જીવનમાં સતત નિરંતરતા પ્રગતિપંથે લઈ જાય છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પરિવર્તન એ માનવ સ્વભાવમાં છે. જે માણસ પરિવર્તનને પ્રેમ કરે છે તે જ ખરો ભગવાનનો ભક્ત છે.

દરેક ચીજ પરિવર્તનશીલ છે. બધું જ ઈમ્પરમેનન્ટ છે તેવું મહાન ગ્રીક ફિલસૂફ હિ‌રાકલીટ્સથી માંડીને બરટ્રાન્ડ રસેલ અને કવિ ટેનેસી વિલિયમે જુદા જુદા સમયે પોતાના શબ્દોમાં કહ્યું છે. હિ‌રાકલીટ્સ નામના ગ્રીક ફિલસૂફે કહેલું કે નદી પાસેથી શીખીએ. તમે પળ પહેલા જોયેલા નદીના જળ તો ક્યારનાં વહી ગયાં. નદીના જૂના જળ નવા જળ માટે સતત જગા કરે છે. બરટ્રાન્ડ રસેલે કહ્યું કે ચેન્જ-પરિવર્તન એ સાયન્ટિફિક છે. કારણ કે સતત પ્રોગ્રેસ કરવી એ નૈતિક ફરજ છે. જૂનાને છોડી નવાને અપનાવો.

કવિ ટેનેસી વિલિયમ્સ કહેલું કે, 'ધેર ઈઝ એ ટાઈમ ફોર ડિપાર્ચર’ હંમેશાં કોઈ પણ મહાનથી માંડીને નાના માણસે તેનો સમય પાકી જાય એટલે જીવનનો અને વિચારોનો સંકેલો કરવો જોઈએ. ભલે પછી તેણે ક્યાં જવું તે નક્કી ન હોય પણ તે એક જગાને કે પોઝિશનને રામરામ કરી બીજા માટે જગા કરી આપે તો તેને માટે નવી દિશાઓ ખૂલે છે. પ્લેટો નામના ફિલસૂફે પછી હીરાકલીટ્સની ફિલસૂફીને આગળ વધારેલી. 'ઓલ થિંગ્ઝ આર ઈન કોન્ફટંન્ટ ફલકસ’ અર્થાત્ જગતમાં તમામ ચીજ સતત ફલકસ અર્થાત્ નિરંતર ગતિમાં હોય છે, પરિવર્તનશીલ હોય છે. હીરાકલીટ્સને એના સમયના લગભગ ૧૬૦૦ વર્ષ પહેલાંના ધર્માત્માએ ધૂતકારી કાઢેલા, કારણ કે તેણે કહેલું કે કોઈ પણ ધર્માત્માએ આ જગત વિષે પોતાનો મત ઠોકી બેસાડવો ન જોઈએ. પરિવર્તનનો બીજા ગોઠિયો શબ્દ છે ઈમ્પરમેનન્સ, સંસ્કૃતમાં અનિત્ય શબ્દ છે.

અનિત્યને તિબેટમાં તગપા કહે છે. ચીનાઓ પરિવર્તન - અનિત્ય વાઈચાંગ કહે છે. જાપાનીઓ માઝો કહે છે. કોરિયન ભાષામાં પરિવર્તન કે ક્ષણિકને માસાંગ કહે છે. સૌથી વધુ મહત્ત્વ બૌદ્ધ ભગવાને આપ્યું છે. બુદ્ધે જ કહેલું દરેક ચીજ કોન્સ્ટંટ ફલકસ (પરિવર્તન)માં હોય છે. બોદ્ધે પરમેનન્સ માટે પ્રેક્ટિકલ શિખામણ એટલી જ આપેલી કે બધું પરિવર્તનશીલ છે. તમારા વિચારોને જડની જેમ વળગી ન રહો. કોઈ પણ સુખની સ્થિતિને ગળે વળગાડી ન રાખો.મને 'પરિવર્તન’ વિષે લંબાણથી લખવાની સૂઝ બે પુસ્તકોએ આપી. જોકે એ બંને પુસ્તકો તો હાલના વિજ્ઞાનીઓ અને વેપારીઓને પોતપોતાના ક્ષેત્રમાં નવી ઉપલબ્ધી કે નફા માટે પરિવર્તન કરતાં રહેવું તેમ કહે છે. એક પુસ્તકનું નામ છે. - 'ટ્રાન્ઝિશનસ મેઈકિંગ સેન્સ ઓફ લાઈફસ ચેન્જીસ’ - લેખક છે વિલિયમ બ્રીજીસ. તમે એમ.બી.એ. ભણતા હો કે વિજ્ઞાનમાં આગળ વધવા માગતા હો તો વિલિયમ બ્રીજીસનું આ પુસ્તક 'ટ્રાન્ઝિશન’ જરૂર વાંચજો.

બીજા પુસ્તકનું નામ છે 'વ્હેન એવરીથિંગ એન્જીસ’ લેખક છે ડો. નીલ ડોનાલ્ડ વોલ્શ. આ પુસ્તક એક કમ્પ્યૂટર સાયન્ટિસ્ટની પત્ની મીતા ભોજક જે ફિલસૂફ છે તેણે મને ભેટ મોકલ્યું હતું. કવિ દલપતરામે કાવ્ય લખેલું - 'કાંચીડાને રંગ રાતો ચડયો છે, કંકુપત્રી વૃષ્ટિની લાવિયો રે’ અર્થાત્ જ્યારે કાંચીડો રંગ બદલીને લાલચોળ ડોક ફુલાવે ત્યારે સમજવાનું કે તે વરસાદની કંકોતરી લઈને આવ્યો છે. કવિ લૂઈ કેરોલ એક સરસ સંવાદ લખે છે. ''કેટરપીલર (તીતીઘોડો) એલાઈસને પૂછે છે ''તું કોણ છે?’’ ત્યારે એલાઈસ એ તીતીઘોડાને ફિલસોફિકલ જવાબ આપે છે કે હું જાણતી નથી કે, હું કોણ છું પરંતુ હું તો અત્યારે આ પળે કોણ છું તે કહી શકું. એટલિસ્ટ એટલું કહી શકું કે હું સવારે શું હતી, પણ એ પછી હું સતત બદલાતી રહી છું. અત્યારે શું છું તે ખબર નથી.’’ આપણા તમામે આવું જ વલણ રાખવું જોઈએ. વલણ રાખો કે ન રાખો. તમે દરેક દૃષ્ટિએ બાયોલોજિકલી પણ જે પળ પહેલાં હતી તે આ ક્ષણે નથી.

ખાસ કરીને ''ધરે આર નો પરમેનન્ટ ફ્રેન્ડઝ એન્ડ ધેર આર નો પરમેનન્ટ એનીમીઝ’. કહેવત છે કે કોઈ દિવસ કાયમની દુશ્મનાવટ રાખવી નહીં. કાયમી દુશ્મનાવટ રાખનાર પોતે જ પોતાની પ્રગતિ રોકે છે. 'ટ્રાન્ઝિશન્સ’’ નામના પુસ્તકમાં વિલિયમ બ્રીજીસે લખ્યું છે કે, આપણો સમાજ, આપણું કલ્ચર જે નાણાકીય થવા માંડયું છે. તે સફળતા ઉપર વધુ પડતો ભાર આપે છે. પ્રોફેશનલ પ્રેસ્ટિજને બધું જ ગણી લઈને દુ:ખી થાય છે. નાણાકીય સફળતા સિવાયના બીજાં ક્ષેત્રો પણ છે. તમે દૃષ્ટિ બદલો. તમે તદ્ન ફુરસદમા જ રહેતા હો કે કોઈ વળતરવાળી કળા લઈને બેસી જાઓ કે બસ નરસિંહ મહેતાની જેમ ભજન કરતાં રહો તો તેનું પણ જીવનમાં મહત્ત્વ છે.

ઉપરાંત ૨૧મી સદીનાં 'અજ્ઞાની’ લોકો સફળતાને વધુ પડતું મહત્ત્વ આપે છે. સફળતાની ગેરંટી હોય તો જ અમુક જણ પોતાનું સાહસ શરૂ કરે છે. હોરેસ નામના ફિલસૂફે કહેલું-'જેણે તેનું કામ સ્ફૂર્યુ અને તુરત સાહસ કરવાનું મન થયું અને શરૂ કરી દીધું તેણે અડધુ કામ તો કરી નાખ્યું.’’ અમેરિકનો આજે વંઠી ગયા છે પણ તેમને કઈ ફિલસૂફી, કઈ જાતનું માનસિક વલણ કે કેવી સાહસિકતા જીવાડે છે. તે વિષે ફ્રેન્ચ ફિલસૂફ એલેક્સીસ ટોક્વીલેએ સરસ કોમ્પલિમેન્ટ અમેરિકનોને આપ્યા છે. ''કોઈ પણ થોડુંક ભણેલા કે થોડુંક વિચારનારા અમેરિકનને કોઈ પણ એક સ્થિતિ કે એક જ વિચારને પોતાની સાથે જકડીને બેસી રહેવાની ટેવ નથી. અમેરિકન હંમેશાં પરિવર્તન ચાહક છે અને પરિવર્તન એ માનવ સ્વભાવમાં છે. જે માણસ પરિવર્તનને પ્રેમ કરે છે તે જ ખરો ભગવાનનો ભક્ત છે. અસ્થિરતા કે કોઈ આપદા એ અમેરિકન માટે પ્રોગ્રેસનો મોકો છે.

તમારી પ્રેમિકા એક દિવસ ખૂબ ખૂબ ભાવવિભોર થઈને કહી બેસે કે ''બસ હું તારી જ છું. તારા વગર જીવી નહીં શકું.’’ તો ભલે એ ભાવાવેશમાં બોલી ગઈ પણ વિલિયમ બ્રીજીસ કહે છે કે, રિલેશનશિપ્સ, ને લોખંડી સાંકળથી બાંધી ન રાખો. દરેક વસ્તુ પરિવર્તનશીલ છે. જૂના જમાનામાં પિયરમાંથી કન્યાને લગ્નમાં વળાવે ત્યારે કોઈ કોઈ કુટુંબોમાં કન્યાની બહેનપણીને સોરવણાં તરીકે કન્યાને સાસરે મોકલાતી. પરિવર્તનને અને જૂના સંબંધોને ભૂલીને નવા સંબંધોમાં ઓતપ્રોત થવાનો સાસરે વળાવેલી દીકરીને અવસર આપો. ભારતની કન્યા નવી સ્થિતિને સારી રીતે પચાવી શકે છે. દોમ દોમ સાહ્યબીમાં પિયરમાં ઉછરી હોય તે કન્યા તંગીવાળા સાસરાને ખુશીથી પચાવી શકી છે. શું કામ? તેને સાસુ -સસરા અને તેના પતિનો સવાયો પ્રેમ મળે છે.

કાન્તિ ભટ્ટ