પાણી પુરવઠાનો પડકાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાય.કે. અલઘની ભલામણોથી એવો રાષ્ટ્રીય કાયદો બનવાની સંભાવના બની છે, જેનાથી પાણીના ન્યાયોચિત વિતરણની વ્યવસ્થા બનાવી શકાય. કેન્દ્ર સરકાર આ મુદ્દે રાષ્ટ્રીય સહમતી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ જ્યારે આવા કાયદાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે અનેક રાજ્યોએ તેનો જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. તેમની દલીલ હતી કે પાણી રાજ્યની યાદીનો વિષય છે, જેના પર ફ્રેમવર્ક કાયદો બનાવવાનો પ્રયાસ કરીને યુપીએ સરકાર રાજ્યવ્યવસ્થાના માળખાનું ઉલ્લંઘન કરી રહી છે. આપણે આશા રાખીએ કે રાષ્ટ્રીય જળ સંસાધન ફોરમની રચના અને દિલ્હીમાં તેની બેઠકની સાથે હવે રાજ્યોની ફરિયાદો દૂર થઈ જશે. જેટલી ઝડપે પાણી દુર્લભ થઈ રહ્યું છે, તેને જોતાં તેના ઉપયોગ અંગે રાષ્ટ્રીય નીતિ અને તેના પર આધારિત કાયદાની જરૂરિયાતનો ઇનકાર કરી શકાય નહીં. જોકે આ પ્રયાસને કારણે અનેક વર્ગોમાં એવી ફરિયાદ ઊઠી રહી છે કે કોર્પોરેટ સેક્ટરના પ્રભાવમાં કામ કરી રહેલી સરકાર ગરીબો અને સ્થાનિક સમુદાયો પાસેથી જળ સંસાધન છીનવીને ઉદ્યોગ જગતને સોંપવા માગે છે. આ પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય ફ્રેમવર્ક જળ કાયદાનો મુસદ્દો સૂચવવા માટે અલઘ સમિતિની રચના કરાઈ હતી.
સમિતિએ ભલામણ કરી છે કે સરકાર જે રીતે ખાદ્ય સુરક્ષા કાયદાની જોગવાઈ કરવા માગે છે, એ જ ઢબે તેણે તમામ નાગરિકો માટે લઘુતમ પાણી ઉપલબ્ધ બને એવો કાયદો બનાવવો જોઈએ. જેના અંતર્ગત વ્યક્તિ દીઠ દરરોજ ૨૫ લિટર પાણી ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સરકારે લેવી જોઈએ. ગરીબી રેખા હેઠળની વસતીને આટલું પાણી મફતમાં ઉપલબ્ધ કરાવવું જોઈએ. અન્ય સામાજિક વર્ગો પાસેથી અલગ-અલગ ધોરણ પ્રમાણે પાણીનો વેરો લેવો જોઈએ. સમિતિની એક મહત્વની ભલામણ એ પણ છે કે જેવી રીતે ખાદ્ય સુરક્ષા માટે જાહેર વિતરણ વ્યવસ્થાના સંચાલનનો અધિકાર રાજ્યોને મળેલો છે, એવી જ રીતે પાણી પુરવઠાનું કામ પણ રાજ્યોના માથે નાખી દેવું જોઈએ. હવે આ ભલામણો પર સંબંધિત પક્ષોએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. આ ક્રમમાં કાયદાના મુસદ્દામાં સુધારણાની
શક્યતા હોઈ શકે છે, પરંતુ આ પ્રયાસને તેના મુકામ સુધી પહોંચવામાં હવે મોડું ન થવું જોઈએ.