સીબીઆઈની પ્રતિષ્ઠાનો સવાલ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સીબીઆઈની પ્રતિષ્ઠાનો સવાલ?

કેન્દ્રીય તપાસ એજન્સીના નિદેશક રંજીત સિન્હા સામે અઘરો પડકાર છે. તેઓ એવા બે ગોટાળા સાથે સંકળાયેલા કેસમાં ઘેરાઈ ગયા છે, જેના કારણે પૂર્વ યુપીએ સરકારની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ છે. પ્રજા અને ન્યાયતંત્ર બંનેની નજરે આ બંને ગોટાળા અત્યંત સંવેદનશીલ રહ્યા છે. બધા જ જાણે છે કે સીબીઆઈના પ્રમુખ 2-જી સ્પેક્ટ્રમ અને કોલસા ખાણની ફાળવણીના આરોપોને પોતાના ઘરે ખુલ્લેઆમ મળતા રહ્યા છે. તેને અજાણતા થયેલી ભૂલ કદાચ જ કોઈ સ્વીકારશે.
આ પ્રકરણનો ખુલાસો થતાં તેમણે એક બાજુ એ લોગબુકની પ્રામાણિક્તા સામે સવાલ ઉઠાવ્યા છે, જેમાં તેમના ઘરે આવતા-જતા લોકોની વિગતો હતી. સાથે જ એવી દલીલ પણ કરી છે કે આવી મુલાકાતમાં કશું જ અસામાન્ય નથી. સ્પષ્ટ છે કે, સુપ્રીમ આવી દલીલોને સ્વીકારશે નહીં. આરોપ ગંભીર છે એમ જણાવીને ન્યાયાધીશ એચ.એલ.દત્તુ અને ન્યાયાધીશ એસ.એસ. બોથડેની બેન્ચે તેમને એક સપ્તાહમાં સ્પષ્ટતા કરવા જણાવ્યું છે.
સાથે જ ચેતવણી ઉચ્ચારી છે કે જો તેઓ અદાલતને સંતોષજનક જવાબ નહીં આપી શકે તો 2-જી સ્પેક્ટ્રમ કેસમાં તેમણે જે કોઈ નિર્ણયો લીધા છે, તેને રદ્દ કરી શકાય છે. કોલસા ગોટાળા સંબંધિત સુનાવણીમાં સુપ્રીમે અરજીકર્તાના એ આરોપને ગંભીરતાથી લીધો છે કે રંજીત સિન્હાએ એ કંપનીઓ અને વ્યક્તિઓને બચાવવાનો પ્રયાસ કર્યો છે, જેના વિરુદ્ધ સીબીઆઈ તપાસ કરી છે. દેશની મુખ્ય એજન્સીના પ્રમુખ માટે તેનાથી વધુ શરમજનક સ્થિત સંભવત: બીજી કોઈ હોઈ શકે નહીં. શું તેઓ કોર્ટમાં પોતાનો અસરકારક બચાવ કરી શકશે? આ સવાલની સાથે સીબીઆઈ અને બે મોટા ગોટાળાની વિશ્વસનીયતા દાવ પર લાગી છે. આમેય સીબીઆઈની પ્રતિષ્ઠા પહેલાંથી જ ખરડાયેલી છે.