બોલિવૂડ : ગ્લેમર પાછળ ખદબદી રહેલી ગંદકી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના સિતારાઓ અન્ડરવર્લ્ડ સાથેની સાઠગાંઠથી માંડીને રેકેટ બાબતમાં બદનામ થાય છે. હવે સ્પોટ ફિક્સિંગનું બોલિવૂડ કનેકશન બહાર આવતાં ગ્લેમરની દુનિયાની એક વધુ ગંદકી જાહેર થઇ છે. દારાસિંહનો પુત્ર વિંદૂ રંધાવા બોલિવૂડનો નિષ્ફળ સ્ટાર ગણાય છે, પણ સ્પોટ ફિક્સિંગ બાબતમાં તેણે સારું એવું કાઠું કાઢયું હોવાનું જણાઇ રહ્યું છે. આ કારણે જ તેની મિત્રતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર ધોનીની પત્ની સાક્ષી સાથે હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ એન. શ્રીનિવાસનના જમાઇ અને ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ ગુરુ મૈયપ્પન સાથેની વિંદૂની દોસ્તી પણ શંકાનો મુદ્દો બની છે. જાણકારો કહે છે કે શ્રીસંત અને વિંદૂ તો સ્પોટ ફિક્સિંગની ગેમમાં નાનાં માછલાઓ છે. આ ગેમના સૂત્રધારો બહુ મોટા મહાનુભાવો છે.

તાજેતરમાં વિંદૂ ચેન્નાઇ સુપર કિંગ્સની એક મેચ દરમિયાન સાક્ષી ધોનીની બાજુમાં ખભે ખભા અડાડીને બેઠેલો જોવા મળ્યો હતો. તેઓ બંને સાથે મળીને ચેન્નાઇની ટીમને બિરદાવી રહ્યા હતા. નવાઇની વાત એ છે કે વિંદૂ જે સ્ટેન્ડમાં બેઠો હતો એ સ્ટેન્ડ ખેલાડીઓના સ્વજનો માટે જ રિઝર્વ રાખવામાં આવે છે. આ સ્ટેન્ડમાં વિંદૂને ટિકિટ કોણે અપાવી? મુંબઇ પોલીસ એમ માને છે કે વિંદૂએ પોતાના બોલિવૂડના સ્ટેટસનો ઉપયોગ બુકીઓ અને ક્રિકેટરો વચ્ચે કડીરૂપ બનવા માટે કર્યો હતો. વિંદૂએ પોતાના મોબાઇલ ફોનથી ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ ગુરુના મોબાઇલ ઉપર સંખ્યાબંધ ફોન કર્યા હતાં. ગુરુ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ એન. શ્રીનિવાસનનો જમાઇ છે અને શ્રીનિવાસન ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક પણ છે. આ કારણે હવે સ્પોટ ફિક્સિંગનો રેલો આઇપીએલની ટીમોના માલિકો અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના ટોચના અધિકારીઓ સુધી પહોંચી ગયો છે.

ભૂતકાળમાં બોલિવૂડની અનેક ખૂબસૂરત અભિનેત્રીઓ ક્રિકટરોના પ્રેમમાં પડીને તેમણે પરણી હોય તેવા કિસ્સાઓ બન્યા છે. શર્મિલા ટાગોર અને નવાબ પટૌડીનો કિસ્સો ખૂબ જાણીતો છે. સંગીતા બજિલાણીએ મોહમ્મદ અઝહરૂદ્દીન સાથે શાદી કરીને આ પરંપરા આગળ ધપાવી હતી. યુવરાજસિંહ દીપિકા પાદૂકોણેના પ્રેમમાં પડ્યો હતો અને તેઓ લગ્ન કરવાના હતા, પણ તેમાં વિઘ્ન આવી ગયું હતું. શ્રીસંતનું નામ તો અનેક હિરોઇન સાથે સંકળાયેલું છે. શ્રીસંત સૂરા અને સુંદરીઓના મોહમાં ગળાડૂબ હતો. બુકીઓ દ્વારા શ્રીસંતને સ્પોટ ફિક્સિંગની માયાજાળમાં ફસાવવા માટે હિન્દી ફિલ્મોની બી ગ્રેડની અભિનેત્રીઓ અને કોલ ગર્લ્સનો છુટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે મુંબઇની ફાઇવ સ્ટાર હોટેલમાંથી શ્રીસંતની ધરપકડ કરી ત્યારે પણ તેની સાથે મરાઠી ફિલમોની એક અભિનેત્રી હતી. આ અભિનેત્રીનો ઉપયોગ બુકીઓ શ્રીસંત સાથે સોદાબાજી માટે કરતા હતા.

મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીની વિંદૂ સાથેની ઘનિષ્ઠતા બહાર આવ્યા પછી તેની શ્રીસંત સાથેની કડી પણ બહાર આવી છે. પોલીસના કહેવા મુજબ શ્રીસંતે સ્પોટ ફિકિસંગના રૂપિયામાંથી પોતાની ગર્લફ્રેન્ડ માટે એક બ્લેકબેરી ફોન ખરીધ્યો હતો, જે પોલીસે જપ્ત કર્યો છે. શ્રીસંતની આ ગર્લફ્રેન્ડ સાક્ષીની ફ્રેન્ડ નીકળી છે. તેઓ ઔરંગાબાદની કોલેજમાં સાથે મળીને હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરતાં હતાં. સાક્ષીએ જ શ્રીસંત ઉપરાંત બીજા અનેક ક્રિકેટરો સાથે આ યુવતીની ઓળખાણ કરાવી હતી. આ યુવતીના પિતા અતુલ ઝાલા રેલવેની પ્રતિષ્ઠિત ટ્રેન ‘પેલેસ ઓન વ્હીલ્સ’ના મેનેજર છે. સાક્ષીને આ રીતના સંબંધો જોડવાનું ભારે પડી શકે તેમ છે.

સ્પોટ ફિક્સિંગના કૌભાંડમાં વિંદૂનું નામ કેવી રીતે ઉછળ્યું તે પણ જાણવા જેવું છે. ગયા અઠવાડિયે મુંબઇની પોલીસે રમેશ વ્યાસ નામના મોટા બુકીના કાલબાદેવીમાંથી ધરપકડ કરી હતી, જે ડી - કંપની અને મુંબઇના બુકીઓ વચ્ચે લિન્કનું કામ કરતો હતો. રમેશ વ્યાસની પોલીસે પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું હતું કે વિંદૂ રંધાવા અનેક બુકીઓ સાથે અને ક્રિકેટરો સાથે સંકળાયેલો છે. મુંબઇની પોલીસે ત્યારબાદ વિંદૂના અનેક બુકીઓ અને ક્રિકેટરો સાથેના ટેલિફોનિક સંવાદો ટેપ કરી લીધા હતા, જેનો ઉપયોગ તેઓ પુરાવા તરીકે કરવાના છે.

આઇપીએલમાં જો સટ્ટો ચાલતો હોય તો તેના માટે ટીમના માલિકો જવાબદાર છે. ક્રિકેટમાં જો સટ્ટો ચાલતો હોય તો તેના માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના વહીવટદારો જવાબદાર છે. ક્યાં તેઓ પોતે સટ્ટામાં સંડોવાયેલા છે અથવા ક્રિકેટરો દ્વારા ચાલતા ફિક્સિંગ બાબતમાં તેઓ આંખ આડા કાન કરે છે; માટે આ તમાશો ચાલે છે. મુંબઇ અને દિલ્હીની પોલીસ આ કૌભાંડની તળિયાઝાટક તપાસ કરે તો ચમરબંધીઓ ધૂળ ચાટતા થઇ જાય તેમ છે.

દારાસિંહનો પુત્ર વિંદુ રંધાવા એક નિષ્ફળ બોલિવૂડ સ્ટાર છે. બોલિવૂડમાં તેનો કોઇ ભાવ પૂછતું નહોતું. એટલે કે બગિ બોસ સિરિયલમાં જોડાયો હતો અને વિજેતા પણ બન્યો હતો. સાક્ષી ધોની સાથે વિંદુનો ફોટો અખબારોમાં છપાયો ત્યારે તે અચાનક લાઇમલાઇટમાં આવી ગયો હતો. મુંબઇના એક ટેબ્લોઇડને આપેલી મુલાકાતમાં વિંદૂએ એવો દાવો કર્યો હતો કે તે અને સાક્ષી ‘સારા મિત્રો’ છે. આ મિત્રતા સ્ટેન્ડમાં સાથે બેસીને ક્રિકેટની મેચ નિહાળવા પૂરતી મર્યાદિત છે કે તેના તાર ‘સ્પોટ ફિક્સિંગ’ સાથે પણ જોડાયેલા છે ? આ સવાલનો જવાબ મેળવવા મુંબઇની પોલીસ સાક્ષીને પણ પૂછપરછ માટે બોલાવે તેની તમામ સંભાવનાઓ છે. સાક્ષીને જો પોલીસ પૂછપરછ માટે બોલાવે તો ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ સંરક્ષણાત્મક ભૂમિકામાં આવી જાય તેમ છે.

આઇપીએલની ટીમોની જે અધધધ હરાજીઓ થઇ અને તેમણે જે ભારે રકમો આપીને ખેલાડીઓ ખરીધ્યા તે જોઇને લાગતું હતું કે આઇપીએલમાં ચિક્કાર કમાણી થવાની છે. ટીમોના માલિકોનો અનુભવ કહે છે કે આઇપીએલની ટીમોમાં રોકાણ ધંધાની દ્રષ્ટિએ ખોટનો સોદો છે. આ કારણે જ ૧,૭૦૦ કરોડ રૂપિયા ખર્ચીને પુણેની ટીમ ખરીદનારી સહારા ઇન્ડિયા કંપનીએ આઇપીએલમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. હવે જે ટીમો ખોટ ખાઇને પણ આઇપીએલમાં ટકી રહી છે, તેમના ઇરાદાઓ ઉપર શંકા ગયા વિના રહેતી નથી.
sanjay.vora@dainikbhaskargroup.com