તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલિવૂડ એટલે સાહસિક વિષયો માટેનું હોલિવૂડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ ઉદ્યોગમાં બોક્સ ઓફિસના અભ્યાસુઓ આજકાલ શાહરુખ ખાન અને દીપિકાની 'ચેન્નઈ એક્સપ્રેસ’ અને તેની રજૂઆતના એક સપ્તાહ બાદ રજૂ થનારી અક્ષયકુમાર, ઈમરાન ખાન અને સોનાક્ષી સિંહા અભિનીત 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા’માં કોનો વકરો વધુ હશે તેના પર નજર રાખી રહ્યા છે. ઈદ પર રજૂ થનારી શાહરુખ અભિનીત ફિલ્મ અને ગયા વર્ષે ઈદના એક દિવસ પહેલાં ૧પમી ઓગસ્ટે રજૂ થયેલી 'એક થા ટાઈગર’ના પહેલા દિવસના કલેક્શનની સરખામણી પણ થશે. 'એક થા ટાઈગર’એ પહેલા દિવસે ૩૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

કેટલાક આંકડાકીય નિષ્ણાતોનું માનવું છે કે છેલ્લા એક વર્ષમાં મલ્ટિપ્લેક્સની સંખ્યા વધવા તથા મલ્ટિપ્લેક્સની ટિકિટોના ભાવ વધવાને કારણે શાહરુખની ફિલ્મ આ આંકડો પાર કરી લેશે અને કેટલાકનું કહેવું છે કે તે આ આંકડો પાર નહીં કરી શકે. અક્ષયકુમાર અભિનીત ફિલ્મ પણ પહેલા દિવસે ૧પમી ઓગસ્ટની રજાના કારણે ૨૦ કે ૨૨ કરોડની કમાણી કરી શકે છે. 'એક થા ટાઈગર’ આદિત્ય ચોપરાની ફિલ્મ હોવાને કારણે તેણે વિદેશમાં સલમાન ખાનની સરેરાશ હિ‌ટ કરતાં પણ વધુ કમાણી કરી હતી, જ્યારે વિદેશક્ષેત્ર શાહરુખનો ગઢ મનાય છે, જેમાં રણબીર-દીપિકાની 'યે જવાની હે દિવાની’એ ઘૂસણખોરી કરી છે. વિવેચકોની નજર તો રિતિકની 'ક્રિશ-૩’ પર પણ છે, જે દિવાળીના એક દિવસ બાદ રજૂ થશે. રાકેશ રોશનનો ટ્રેક રેર્કોડ જોતાં કહી શકાય છે કે પહેલા દિવસે તે અંદાજે ૪૦ કરોડની કમાણી કરશે.

'ચેન્નઈ એક્સપ્રેસ’ શાહરુખનુમા ફિલ્મ નથી અને બીજી બાજુ 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા’ દાઉદની વાર્તા હોવાને કારણે તેમાં 'ડોન’ શાહરુખ વધુ સારો લાગી શક્યો હોત. શક્ય છે કે સલમાન અને અક્ષયકુમારની છેલ્લા કેટલાક સમયની સતત સફળ ફિલ્મો જોઈને શાહરુખે વિચાર્યું હોય કે તે રોહિ‌ત શેટ્ટીને લઈને એવી જ રમત રમે, કારણ કે કદાચ લોકોને આવી ફિલ્મો જોઈએ છે. તેથી તેમણે પોતાની રોમેન્ટિક છબીથી વિરુદ્ધ લોકપ્રિય પ્રવાહ સાથે વહેવાનો નિર્ણય કર્યો હોય. આ બધા જ સિનિયર કલાકારો ઝડપથી બદલાતા ભારતની અને સિનેમામાં થઈ રહેલા પ્રયોગોની અવગણના કરી રહ્યા છે. મહેશ ભટ્ટની નવા કલાકારોની 'આશિકી-૨’ અને 'રાંઝણા’ ચાલી રહી છે. 'ફુકરે’ પણ નફો કરી રહી છે. બીજી બાજુ રણબીર કપૂર સતત જોખમ ઉઠાવી રહ્યો છે. તે 'બરફી’ બાદ અનુરાગ કશ્યપ સાથે 'બોમ્બે વેલવેટ’ કરી રહ્યો છે અને અનુરાગ બસુ સાથે તેણે ભાગીદારી કરી લીધી છે. ફરહાન પણ 'ભાગ મિલ્ખા ભાગ’ની સાથે મુખ્ય પ્રવાહનો સ્ટાર બનવાની પહેલ કરી રહ્યો છે. અજય બહલ 'બીએ પાસ’ જેવી સાહસિક ફિલ્મ બનાવી રહ્યો છે.

સિનિયર કલાકારોએ પ્રશંસકોની ઈચ્છા મુજબ પોતાની છબીમાં કંઈક નવું કરવું પડશે. તેમણે નવા લેખક અને યુવા ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કરવું જોઈએ. 'કાઈ પો છે’ જેવી સાહસિક ફિલ્મ એક વિવાદાસ્પદ વિષય પર નવા કલાકારો સાથે ઝંડો લહેરાવી ચૂકી છે. અભિષેક કપૂરની 'રોક ઓન’ પણ સફળ ફિલ્મ હતી. આ ઉદ્યોગમાં હંમેશાં સાહસિક વિષયો ચાલ્યા છે. દેવ આનંદે તેમની લોકપ્રિય છબીથી વિરુદ્ધ 'ગાઈડ’ જેવી ફિલ્મ બનાવી અને વહીદા રહેમાને પણ રોઝાની ભૂમિકા કરીને અદ્ભુત સાહસ બતાવ્યું હતું. એક તવાયફની પુત્રી તેના લંપટ પતિને છોડીને પોતાનું મનપસંદ કામ કરવા માગે છે. તેનાથી વધુ બિનપરંપરાગત ચરિત્ર આજ સુધી નથી આવ્યું. સારાંશ એ છે કે અલગ ચાલવું જ એકમાત્ર રસ્તો છે.