• Gujarati News
  • Bofors Scandal Do Not Ever Forget The People Of India By Sanjay Vora

ભારતની પ્રજા બોફોર્સ કૌભાંડને ક્યારેય ભૂલવાની નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
-ભ્રષ્ટાચારનું સ્મારક | આ કૌભાંડનાં તમામ મુખ્ય પાત્રો મૃત્યુ પામ્યાં છે તો પણ કૌભાંડ જીવતું છે

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સ્વિડીશ મીડિયાને આપેલી મુલાકાતમાં ફરીથી બોફોર્સ કૌભાંડની યાદોને તાજી કરી છે. ઇ.સ. ૧૯૮૭માં બહાર આવેલું બોફોર્સ તોપોનું કૌભાંડ માત્ર ૬૪ કરોડ રૂપિયાનું હતું, પણ તેની તપાસ પાછળ લગભગ ૨૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયા પછી પણ કોઇને સજા થઇ શકી નહોતી. યુપીએના શાસન કાળમાં થયેલાં ૨-જી, કોમનવેલ્થ ગેમ્સ અને કોલગેટ જેવાં કૌભાંડો સામે બોફોર્સ કૌભાંડ મગતરાં જેવું લાગે, પણ તેનું આજે પણ મહત્ત્વ છે, કારણ કે ભારતમાં ટોચના સ્થાને પ્રવર્તમાન ભ્રષ્ટાચાર પહેલી વખત બહાર આવ્યો હતો, જેને કારણે પ્રજા ચોંકી ઉઠી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી કહે છે તેમ ભારતની કોર્ટમાં બોફોર્સ કૌભાંડ માટે કદી કોઇને સજા કરવામાં આવી નહોતી, પણ તેનો અર્થ એટલો જ થાય છે કે બોફોર્સ કૌભાંડમાં સંડોવાયેલા લોકો એટલા વગદાર હતા કે ભારતની તપાસ એજન્સીઓ અને અદાલતો તેમને સજા કરાવવામાં નિષ્ફળ ગઇ હતી.

બોફોર્સ કૌભાંડનો પહેલવહેલો ઘટસ્ફોટ ઇ.સ. ૧૯૮૭ની ૧૬મી એપ્રિલે સ્વિડીશ રેડિયો ઉપર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે બોફોર્સ તોપના સોદામાં ભારતના ટોચના રાજકારણીને ૬૪ કરોડ રૂપિયાની લાંચ ચૂકવવામાં આવી છે. ભારતના મીડિયામાં આ કૌભાંડ બાબતમાં થોકબંધ લેખો છપાવા લાગ્યા. આ તમામ લેખોમાં શંકાની સોય તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી સામે તાકવામાં આવી હતી, કારણ કે તેઓ બોફોર્સમાં કમિશન મેળવનારા ઇટાલિયન બિઝનેસમેન ઓક્ટોવિયો ક્વોટ્રાચીના કૌટુંબિક મિત્ર હતા. હકીકતમાં રાજીવ ગાંધીની જ મદદથી તેમને બોફોર્સ તોપના સોદામાં વચેટિયા તરીકે કમિશન મળ્યું હતું. આ કૌભાંડ બહાર આવ્યા પછી માત્ર રાજીવ ગાંધીએ જ નહીં પણ તેમના મરણ પછી કોંગ્રેસ પક્ષે પણ ક્વોટ્રોચીને છાવરવાનું કામ કર્યું હતું. ભારતમાં બોફોર્સ કંપનીના બે એજન્ટ હિન્દુજા બ્રધર્સ અને વિન ચડ્ઢા હતા. તેઓ કેન્દ્ર સરકાર સાથે બોફોર્સ તોપના સોદાની વાટાઘાટો ચલાવી રહ્યા હતા ત્યાં ક્વોટ્રોચી છેલ્લા તબક્કામાં ટપકી પડ્યા હતા. બોફોર્સ કંપનીએ ક્વોટ્રોચી સાથે શરત કરી હતી કે જો ભારત સરકાર ઇ.સ. ૧૯૮૬ની ૩૧મી માર્ચ પહેલા તોપસોદા પર સહી કરે તો જ તેમની કંપનીને કમિશન મળે. રાજીવ ગાંધી પર ક્વોટ્રોચીનો એટલો બધો પ્રભાવ હતો કે ૧૯૮૬ની ૨૪મી માર્ચે તેઓ બોફોર્સ સોદામાં સહી કરાવી શક્યા હતા.

બોફોર્સ કૌભાંડ બહાર આવ્યા પછી તેમાં સંડોવાયેલા વગદાર લોકોને સજા ન થાય તે માટે બીજાં અનેક કૌભાંડો બન્યાં હતાં. પહેલું કૌભાંડ બોફોર્સ કૌભાંડને છાવરવા માટે જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટિનું ગઠન કરવાનું હતું, જેનો હેતુ લોકોનો રોષ શાંત પાડવાનો હતો. બોફોર્સ કૌભાંડમાં સંડોવણી બદલ રાજીવ ગાંધીને ભારતની કોઇ કોર્ટમાં સજા થઇ નથી, પણ લોકોએ ઇ.સ. ૧૯૮૭ની ચૂંટણીમાં તેમને હરાવીને સજા કરી દીધી હતી. બોફોર્સના મુદ્દાને જ ચગાવીને વી.પી. સિંહ વડા પ્રધાન બન્યા, પણ બોફોર્સમાં રાજીવ ગાંધીની સંડોવણી બાબતમાં નિર્ણાયક પુરાવા મેળવવામાં તેઓ સફળ થયા નહીં.વી.પી. સિંહ ભારતના વડા પ્રધાન બન્યા તે પછી બોફોર્સના કૌભાંડમાં સત્ય તારવી કાઢવાની બાબતમાં ખાસ કશું ઉકાળી શક્યા નહીં. તેઓ વડા પ્રધાન હતા તે દરમિયાન સી.બી.આઇ બોફોર્સ કૌભાંડમાં એફઆઇઆર નોંધાવવા જેવું પ્રાથમિક પગલું પણ લઇ શકી નહોતી. બોફોર્સ કૌભાંડમાં પહેલી ફરિયાદ છેક ૧૯૯૦ના જાન્યુઆરી મહિનામાં નોંધાવવામાં આવી. તેના એક વર્ષ પછી કેન્દ્રમાં પાછી કોંગ્રેસની સરકાર આવી, જેના વડા પ્રધાન નરસિંહ રાવ બન્યા હતા.
આ દરમિયાન સરકારનું રિમોટ કન્ટ્રોલ શ્રીમતી સોનિયા ગાંધીના હાથમાં હતું. તેમના ઇશારે બોફોર્સની તપાસને ધીમી પાડી દેવામાં આવી. ઇ.સ. ૧૯૯૩માં સરકારને ખ્યાલ આવ્યો કે બોફોર્સની તપાસનો રેલો ક્વોટ્રોચીના પગ હેઠળ આવે તેમ છે, ત્યારે કેન્દ્ર સરકારે તેમને ભારત છોડીને ઇટાલી ભેગા થઇ જવામાં મદદ કરી.ઇ.સ. ૧૯૯૮માં કેન્દ્રમાં એનડીએની સરકાર આવી, જેના વડા પ્રધાન અટલબિહારી વાજપેયી બન્યા હતા. આ સરકારે પણ કોઇ ગૂઢ કારણોસર બોફોર્સ કૌભાંડની તપાસને આગળ વધારવામાં રસ દાખવ્યો નહોતો. બોફોર્સ કૌભાંડની તપાસ ભારતની જેમ સ્વિડનમાં પણ ચાલી રહી હતી. સ્વિડનની કોર્ટમાં પણ ક્વોટ્રોચી સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં સ્વિડનના પોલીસ વડા લિન્ડસન ભારત આવીને શ્રીમતી સોનિયા ગાંધીની પૂછપરછ કરવા માંગતા હતા, પણ અટલબિહારી વાજપેયીની સરકારે તેમને તેમ કરવાની છૂટ આપી નહોતી.

ઇ.સ.૨૦૦૩માં બ્રિટને ક્વોટ્રાચીનું બેન્ક ખાતું ફ્રિજ કરી દીધું હતું, ઇ.સ. ૨૦૦૭માં ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસના અનુસંધાનમાં આર્જેન્ટિનામાં ક્વોટ્રોચીની ધરપકડ કરી હતી, પણ સીબીઆઇ તેને ભારત લાવવામાં નિષ્ફળ ગઇ હતી. ઇ.સ.૨૦૦૮માં તો સીબીઆઇએ રેડ કોર્નર નોટિસ જ રદ્દ કરાવી નાખી હતી. તેના પગલે બ્રિટને ક્વોટ્રોચીનું ફ્રિજ કરેલું ખાતું પણ મુક્ત કરી દીધું હતું. ઇ.સ.૨૦૦૯માં સીબીઆઇએ ક્વોટ્રોચી સામેનો કેસ પડતો મૂકવા અદાલતમાં અરજી કરી હતી. અદાલતે ૨૦૧૧માં તે વિનંતી સ્વીકારી લીધી હતી. બોફોર્સ કૌભાંડનાં તમામ મુખ્ય પાત્રો હવે મૃત્યુ પામી ચૂક્યાં છે. ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધીની જેમ તત્કાલીન સ્વિડીશ વડા પ્રધાન ઓલોફ પાલ્મેની પણ હત્યા થઇ ચૂકી છે. મુખ્ય આરોપી ક્વોટ્રાચી પણ મરણ પામ્યા છે. તો પણ બોફોર્સ કૌભાંડ પ્રજાની યાદોમાં જીવતું છે અને જીવતું રહેશે.
@ sanjay.vora@dbcorp.in