• Gujarati News
  • Bhagavadgomandal In A Cells In Unprecedented Knowledge

અભૂતપૂર્વ ગુજરાતી જ્ઞાન કોષ : ભગવદગોમંડળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાન્સીસ બેકન નામના ભાષાશાસ્ત્રીએ 1597માં એક કંઠસ્થ થાય તેવું વાક્ય કહેલું. ‘નોલેજ ઇઝ પાવર’ જ્ઞાન એક શક્તિ છે. ગુજરાતીમાં અભૂતપૂર્વ જ્ઞાન કોષની 9 ભાગમાં ત્રણ-ત્રણ આવૃત્તિ પ્રગટ થઈ છે તે ભગવદગોમંડળની આજે વાત કરવી છે. એક નાનકડી વાત વચ્ચે કરી લઉં ‘દરેક માણસને જાણવાનો હક્ક છે. અમેરિકામાં આ હક્કને રાઈટ ટુ નો (Know) કહે છે પણ મારા-તમારા જેવા સામાન્ય માનવી માટે તો જગતમા જે કાંઈ બન્યુ છે તે જાણવાની આપણી ફરજ છે અને તે માટે એન્સાઇક્લોપિડીયા રચાયા છે.

ગુજરાતીમાં ગોંડળના ભગવતસિંહ બાપુએ ભગવદગોમંડળ તૈયાર કરાવ્યો છે તેની ત્રીજી આવૃત્તિ રાજકોટના પ્રકાશક આજે વેચી રહ્યા છે, તે બતાવે છે કે ગુજરાતી જ્ઞાનકોષમાં (ભગવદગોમંડળ) ગુજરાતીઓને રસ પડ્યો છે. ખરેખર આજની ગુજરાતી જ નહીં પણ હિન્દી પ્રજા ગોંડળના મહારાજા ઠાકોર શ્રી સર ભગવતસિંહજી સંગ્રામજી મહારાજાના આભારી છે કે તેમણે અંગત રસ લઈને 1928માં 87 વર્ષ પહેલાં આ ગુજરાતી જ્ઞાન કોષ તૈયાર કરાવ્યો. તેમાં ગોંડળના મહારાજાએ જે ખંત વાપરી તે અભૂતપૂર્વ છે. જ્યારે 90 વર્ષ પહેલાં જ ભગવતસિંહ બાપુએ જ્ઞાનકોષ પ્રગટ કરવાનુ નક્કી ક્યું ત્યારથી તેમણે નાનામા નાના માણસ જે ગુજરાતી જાણતો હોય તેને રસ લેતો ર્ક્યો. એટલી હદે કે કોઈ પણ ભરવાડ, કોળી કે રાજપુત કે બ્રાહ્મણ કે વિદ્વાન માણસ અમુક ગુજરાતી શબ્દનો અર્થ શોધીને સુચવે તેને તે સમયના એક આના (ચાર તાંબાના પૈસા)થી માંડીને રાણીછાપનો ચાંદીનો રૂપિયો પણ ઈનામમાં આપતા.

ચારણો, બારોટો અને ભરવાડો પણ બાપુને નવા નવા ગામઠી શબ્દો સૂચવતા જેના અર્થ ચેક કરીને ભગવદગોમંડળની કાચી આવૃત્તિમાં સામેલ કરતા. ઘણી વખત કોઈ માણસ ચાલતો ચાલતો ભાવનગરથી ગોંડળ આવે અને નવો શબ્દ સૂચવે તો મહારાજા પાસે નોટબુક ન હોય તો બાપુ તેમના કિંમતી સફેદ ઝભ્ભા ઉપર પેન્સીલથી તે નવા શબ્દનો અર્થ લખી નાખતા. છેક 1926ની સાલથી 90 વર્ષ પહેલાં આ શબ્દકોષ તૈયાર થઈ રહ્યો હતો અને તે છપાવવા માટે મુંબઈથી ખાસ ટાઈપો બનાવનારા કારીગરોને બોલાવીને ગોંડળમાં ગુજરાત ટાઈપની ફાઉન્ડ્રી શરૂ કરી. શરૂમાં મહારાજાએ 20000 શબ્દો (વીસ હજાર) ભેગા ર્ક્યા. એ પછી રાજકોટના પટેલ બંધુઓ, ગોપાળ પટેલ અને પ્રવીણ પટેલે ખેતરની ખેતીને બદલે ‘જ્ઞાનની ખેતી’ શરૂ કરી અને 1987 સુધીમાં ભગવદગોમંડળના પોણા ત્રણ લાખ શબ્દોના અર્થવાળો જ્ઞાનકોષ પ્રગટ ર્ક્યો. આજે તો વાત ક્યાંય પહોંચી છે.

ઈન્ટરનેટ ઉપર પણ ભગવદગોમંડળ વાંચવા મળે છે આજે ભગવદગોમંડળનો વ્યાપ આંકડામાં નીચે મુજબ છે. કંટાળ શો નહીં. લખી લેજો કે ભગવદમંડળનાં જ્ઞાનકોષમાં કુલ્લ 10000 (દસ હજાર) પાના છે. તે 27 વર્ષની મહેનતનું ફળ છે. તે 9 ગ્રંથોમાં 2.81 લાખ શબ્દો તેના અર્થ સહીત છે. આ શબ્દો અર્થ સહીત વધીને આજે 8.22 લાખ થાય છે. આ નવગ્રંથો મારી પાસે છે તેને હું લગભગ રોજ મારા પેરેલીસીસ વાળા હાથેપગે લંગડો લંગડો ચાલીને છ વખત જોઉં છું. આ નવ ગ્રંથમાં 28156 જેટલા ઈડીયમ્સ (મુહાવરા, રોજીંદી બોલી કે વાકચાતુર્ય) છે અને 10000 કહેવતો છે. ઘણા તેને માતૃભાષાનો ‘ગોલ્ડન ટ્રેઝર’ કહે છે.
મારી ભીખ છે કે દરેક વાચક પોતાના ઘરમાં આ નવગ્રંથો વસાવી લેકારણ કે રાજકોટના પટેલ બંધુઓએ આ ગ્રંથો સાહસ કરીને પ્રગટ ર્ક્યા તેના પ્રકાશનને ‘ગુજરાતી સાહિત્ય એકેડમી કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ઈવન ગુજરાત યુનિવર્સિટી પણ હાથ અડાડવા તૈયાર નહોતી. ભગવદસિંહ બાપુએ 20000 નકલો છપાવી તે તો 1956 સુધીમાં તમામ વેચાઈ ગયેલા. દાહોદની કોલેજમાં જૂના ગ્રંથો હતા તે ચોરાઈ ચોરાઈને લોકો વાંચતા થયા અને ઘણાએ ચોરી કરીને પછી રૂ. 10000મા 9 ગ્રંથ (ચોરેલા) વેચેલા. મહુવામાં જ્યારે બાલમંદિર થયું અને સંચાલક દીનુભાઈ જોષીએ લાઈબ્રેરી વસાવી ત્યારે અમે ટીનેજર તરીકે ચોરી ચોરીને પુસ્તકો વાંચતાં પણ રાત્રે પુસ્તકો પાછા મુકી આવતા એક રમૂજી વાત એ બની કે ગુજરાત સરકારના રેકોર્ડસ વિભાગમાં રખાયેલા ભગવદગોમંડળના નવે નવ ભાગ કોઈ પટાવાળાએ પસ્તીના ભાવે વેચી દીધેલા.

મને યાદ છે કે હજી સુધી 2015માં પણ ભારતની કોઈ પણ ભાષામાં હજી આ પ્રકારના જ્ઞાનકોષ તૈયાર થયા નથી. અને ગોપાલભાઈ પટેલનો પણ એ દાવો 1990 સુધી હતો. ગોંડળની નગરપાલિકાના પુસ્તકાલયે ઘણા પ્રકાશકોને વીનવ્યા પણ કોઈએ હાથ અડકાડયો નહીં. આ જ્ઞાનકોષના ખેડાણનો થોડોક પટેલ બંધુનો ઈતિહાસ જોઈએ. પ્રવીણભાઈ અને ગોપાળભાઈ રાજકોટમાં એક નાનકડી- સરક્યુલેટીંગ લાઈબ્રેરી અને પુસ્તકોની નાની હાટડી ચલાવતા હતા. ધીરે ધીરે પુસ્તકોના વ્યાપારમાં પ્રગતિ કરી અને પ્રકાશક બન્યા.
એ પછી જેને કોઈ હાથ અડાડતુ નહોતુ તેવા ભગવદગોમંડળનું સાહસિક પ્રકાશન હાથ ધર્યુ. તેને માટે 70 ટન જેટલો કાગળ ત્યારે વપરાયા હતો. નવ ગ્રંથનું વજન ત્યારે 30 વર્ષ પહેલાં 15 કીલો જેટલુ હતું. આજે પણ મારા પેરેલીસીસવાળા હાથ એક એક ગ્રંથ માંડ ઉપાડી શકે છે તેટલા વજનદાર છે. તે સમયની બેલારપુર મિલે ભગવદગોમંડળ માટે ખાસ કાગળ આપેલો. એક સરખો કાગળ જ વપરાયો છે. તમે કહેશો કે ભગવદગોમંડળમાં શું ‘હીરામોતી’ ટાંક્યા છે. તો તે માટે તમારે લેખનો બીજો ભાગ જોવો પડશે.