• Gujarati News
  • Be Aware Of Harmful Elements Cold Drinks In Market By Kanti Bhatt

‘એનર્જી ડ્રિંક્સ’માં રહેલાં હાનિકારક તત્ત્વોથી ચેતો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
-આરોગ્ય સાથે ખેલ| આજ સમગ્ર વિશ્વમાં લગભગ 1.3 અબજ પાઉન્ડના કુલ 55 કરોડ લિટર એનર્જી ડ્રિંક્સનાં પીણા વેચાય છે
પચીસ વર્ષ પહેલાં ગરીબોએ જ બે છેડા ભેગા કરવા અને ઘર ચલાવવા ‘ફાસ્ટ પેસ્ડ’ લાઈફ જીવવી પડતી. સાંજ પડયે થાકીને ઠૂસ થઈ જતા. પણ હવે તો તવંગર લોકો જીંદગીને‘માણવા’ માટે ‘ફાસ્ટ લાઈફ’ જીવે છે. તેમને ફાસ્ટ લાઈફમાં સધીયારો મળે- એનર્જી મળે એ માટે વિવિધ પીણાની કંપનીઓએ પણ અપટુડેટ- દેખાવડા- બોટલ્ડ પીણા બજારમાં મુકયા છે. કંપનીઓ તેમના ‘એનર્જી ડ્રીંક્સ’ તમને ‘ઈન્સ્ટન્ટ એનર્જી’ આપે છે તેવો ખોટો દાવો કરે છે. આ પીણા બનાવતી કંપની તમારી કેટલી બધી ‘ચિંતા’ કરે છે? જાહેરાતોમાં લખે છે કે, તમારે આજની આ રેટ-રેસમાં બિલકુલ પાછળ ન પડવું જોઈએ અને તેને માટે ‘એનર્જી ડ્રીંક્સ’ લેવા જોઈએ!!! યુરોપ-અમેરિકામાં તો એનર્જી ડ્રીંક્સનો રાફડો ફાટ્યો છે અને હવે ભારતમાં 200 મીલીગ્રામના પીણાની કિંમત રૂ.20થી શરૂ થાય છે. તેના નામ પણ આકર્ષક છે. પ્રથમ નંબરે ‘રેડબુલ’ નામનું ટીનમાં પેક કરેલું પીણું છે. આ રેડબુલ મૂળ તો ઓસ્ટ્રીયામાં બનતું હતું. હવે તમને સૌને ‘ઈન્સ્ટન્ટ એનર્જી’ આપે છે! કંપનીનો દાવો છે કે તમારા મગજ-મનને ફોક્સ કરે છે!!! આશ્ચર્ય ચિન્હ મુકતા જ જાઓ.
પરદેશથી કંપનીઓ એનર્જી આપવા આવે તો ભારતની દેશી કંપનીઓ શું કામ પાછળ રહે? ડાબરે પણ ગ્લુકોન ડીના પાવડરનું પીણું કાઢ્યું છે. તમારા થાક સામે ‘લડે છે’ અને તમારા હાડકા મજબુત કરી રોગપ્રતિકારક શક્તિ આપે છે! કંપનીઓના આ બધા ‘બોગસ’ દાવાને કોઈ પડકારતું પણ નથી એટલે એનર્જી ડ્રીંકનાં ધતિંગ ચાલે છે. આ ઉપરાંત હોર્સ પાવર્સ આપતું બ્રિટનનું ‘મોનસ્ટર’, ‘બર્ન’ (BURN), ઝીંગા (TZINGA) વગેરે નામના પીણા બજારમાં ઉપલબ્ધ છે. જાહેરખબરમાં ગેટોરેડ (GATORADE) બહુ આગળ છે અને બધા સ્પોર્ટસમેન પીવે છે તેવું ડીંડક કંપની હાંકે છે. જો આ બધા પરદેશીને ટક્કર મારવા દેશી નામની દુડી લગાવવા કોઈએ ‘પંચામૃત હરબલ એનર્જી ડ્રીંક’ પણ કાઢ્યું છે. એમાં આમળા, બીટ, ગાજર, આદુ, સુંઠ વગેરે મસાલા નાખ્યા છે અને આમળાના ગુણગાન પણ વધુ ગાયા છે. એ એનર્જી ડ્રીંક તેના ગુણ પ્રમાણે નહીં પણ તેની કીંમતના 80 ટકા ઉત્પાદન ખર્ચ પબ્લિસીટીના ખર્ચમાં કેટલું આગળ છે તે પ્રમાણે ચાલે છે. તમારે આ કહેવાતા ‘એનર્જી ડ્રીંક્સ’ ખરેખર કેવી ‘માયા’ છે અને તે તમારા બાળકોના,પત્નીના અને ખુદ તમારા સ્વાસ્થ્ય સાથે કેવી રમત રમે છે તે જોઈએ.
(1) ડો. પોલ ગાલાહેર (Dr Paul Gallagher) કહે છે કે, આ એનર્જી ડ્રીંક્સ પીવાથી કેટલીક વખત તમારું સ્વાસ્થ્ય કે પેટ કે આંતરડા, લીવર ને ખરાબ કરે છે અને તેને લીધે તમને એકાએક હાર્ટ એટેક પણ આવી શકે છે. ઈગ્લેંડ પુરતો અભ્યાસ થયો છે અને તે ભારતને પણ લાગુ પડે છે. આજે 12થી 19 વર્ષના બાળક-બાળકી ભૂખ- તરસ લાગે ત્યારે ઊંચા લેબલવાળા કે કેનવાળા પીણા ઢીંચે છે. (2) કૃપા કરી તમારું બાળક ‘રેડબુલ,’ ‘મોનસ્ટર એનર્જી ડ્રીંક,’ એન. ઓ. એસ. ડ્રીંક, ‘મધર એનર્જી ડ્રીંક, ‘શાર્ક એનર્જી ડ્રીંક, ‘ગુરુ એનર્જી ડ્રીંક’ (કેવું સુંદર નામ) અને હવે જેનું નામ તમે જાણો છો તે ‘કોકાકોલા’ અને ‘પેપ્સીકોલા’ના કેટલા ડબલાં કે બોટલ ઢીંચે છે તેનું ધ્યાન રાખો. પશ્ચિમના આરોગ્યશાસ્ત્રી અને ‘હેલ્ધી ડ્રીંક’ની વેબસાઈટ કહે છે કે, કોકાકોલા અને પેપ્સીથી બાળકના શરીરને હાર્મફૂલ ઈફેક્ટ થાય છે.
(3) ડો. પોલ ગાલાહેર લખે છે કે, આ એનર્જી ડ્રીંકમાં જીનસેંગ અને તોરીન નામના તત્વો હોય છે. તે તમારી જાણમાં ન આવે તેવા હાનિકારક તત્વો ધરાવે છે. વિજ્ઞાનીઓ લખે છે કે આ પીણા બનાવનારાનું ‘માર્કેટિંગ’ બહુ જોરદાર હોય છે. તેમનો દાવો હોય છે કે, તમે કે બાળકો આ એનર્જી ડ્રીંક પીવો તો તેનાથી ‘થાક લાગતો નથી’ (!) અને તમારું ફિઝીકલ પરફોરમન્સ ‘સુધારે’ છે. (4) આજે માર્કેટિંગના જોરને કારણે 55 કરોડ લીટર એનર્જી ડ્રીંક્સના પીણા વેચાય છે, તે લગભગ 1.3 અબજ પાઉન્ડ એટલે કે રૂ. 91 અબજના થાય છે. હવે 2019માં તેનું વેચાણ માર્કટિંગને કારણે 65 કરોડ લીટરનું થશે. (5) આ બધા એનર્જી ડ્રીંકમાં શું હોય છે? તેમાં આવતા કેફેનને તો અમેરિકા અને ભારતના આરોગ્ય ખાતાઓ ‘ડ્રગ’ કહે છે અને તે પીણા તમારી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને ખરાબ અસર કરે છે. તેને જો વારંવાર મોટા ડોઝમાં પીવાય તો સીરીયસ સાઈડ ઈફેકટ થાય છે. જો તમે પરદેશ ગયો હો કે દિલ્હી કે મુંબઈમાં હો તો લુકોઝેડ (LUCOZADE) નામનું પીણું પણ જોતા હશો જ. આ એનર્જી ડ્રીંકમાં 120 મીલીગ્રામ જેટલું કેફેન હોય છે. અમે- હું અને બીજા પત્રકારો કે અખબારો આ બધી બાઘડા જેવી ડ્રીંક્સ કંપનીથી ચેતીને ચાલીએ છીએ. અમે પોતે કહેતા નથી કે તે નુકસાન કરે છે કે ફાયદો કરે છે, તમારે સામાન્ય બુદ્ધિ- કોમન સેન્સથી વિચારવાનું છે. વરીયાળીનું ઠંડુ સરબત જોખમ વગરનું છે. તકમરીયા રાત્રે પલાળીને સાકર સાથે પીવાથી ઠંડક આપે છે. હું 60 વર્ષથી રાત્રે પલાળેલી કાળી દ્રાક્ષ સવારે પીઉં છું.

(6) ગર્ભવતી સ્ત્રીએ બોટલ્ડ પીણા ખુબ જોઈ વિચારીને પીવા જોઈએ. લંડનના ‘ઈન્ડીપેન્ડન્ટ’ 2-4-2015માં લખ્યું છે કે, ‘ઈન્ટરેશનલ રીસર્ચ ટીમ’ જે (સ્પેન) મેડ્રીડ ખાતે છે તેની રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટલ કહે છે કે, ‘એનર્જી ડ્રીંક કેન ટ્રીગર સડન કાર્ડીઆક ડેથ્સ ઈન યંગ ઓલ્સો’! (7) લંડન ખાતેના મૂળ ભારતના કાર્ડીઓલોજીસ્ટ ડો. આસીમ માલહોત્રા કહે છે કે અમારા રીસર્ચથી ખાતરી થઈ કે બાળકોનાં હૃદય માટે પણ એનર્જી ડ્રીંક જોખમકારક છે. (8) સેરા કાસીડી નામની પત્રકાર લખે છે કે, તમારા બાળકો એનર્જી ડ્રીંક પીવે તો તોફાની થાય છે, તેનું વર્તન ખરાબ થાય છે. બોટલ્ડ કે કેનના પીણામાં કેટલા બધા ‘ઉત્તેજક’ તત્ત્વો હોય છે તે કોઈ જાણતું નથી. કોકાકોલા કંપનીએ ‘બર્ન’ (BURN) નામનું નવું પીણું કાઢ્યું છે. સાત ફલેવરમાં આ પીણું આવે છે અને તમારા બાળકનાં સ્વાસ્થ્ય સાથે સતત જાનની જોખમી રમત રમે છે. (9) મુંબઈની નારંગ કંપનીને લાગ્યું હશે કે, ભારતમાં ‘આરોગ્યદાયી’ પીણા બનાવનાર નથી એટલે ફ્રાંસની ડોનાન કંપનીના સહયોગમાં ‘બ્લ્યૂ’ નામનું પીણું બનાવ્યું છે! આ દેશી પીણાને ચકાસીને પીવા દેજો.