બીસીસીઆઈને લપડાક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ ર્બોડ (બીસીસીઆઈ) ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ના સ્પોર્ટ/મેચ ફિક્સિંગ કૌભાંડનાં મૂળ સુધી પહોંચવાને બદલે દોષીઓ પર પડદો નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે જ્યારે એવી ખબર પડી ગઈ ત્યારે સુપ્રીમ ર્કોટ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો કે વિશ્વસનીય તપાસની વ્યવસ્થા તે પોતે કરે. ગયા અઠવાડિયે ર્કોટે બીસીસીઆઈની સંસ્થાકીય સ્વાયત્તતામાં હસ્તક્ષેપ કરવા પ્રત્યે અનિચ્છા વ્યક્ત કરી હતી. આથી જ તેણે તક આપી હતી કે મુકુલ મુદગલ સમિતિએ જે ૧૩ લોકોના આચરણને શંકાસ્પદ ગણાવ્યાં હતાં તેમના અંગે વિશ્વસનીય તપાસની યોજના ખુદ બીસીસીઆઈ રજૂ કરે. જોકે આ સંસ્થાએ ત્રણ એવા સભ્યોની સમિતિ બનાવી, જેમનાં હિ‌ત ર્બોડ સાથે જોડાયેલાં હોવાનો તાત્કાલિક ખુલાસો થઈ ગયો. આથી ર્કોટને ફરીથી જસ્ટિસ મુકુલ મુદગલની મદદ માગવી પડી છે. આનંદની વાત એ છે કે ન્યાયાધીશ મુદગલ તેને માટે રાજી થઈ ગયા છે. તેમને તપાસ માટે જે એજન્સીઓ અને સુવિધાઓની જરૂર પડશે, તેના અંગે તેઓ પોતાનો અભિપ્રાય આપશે તથા આશા છે કે આવતાં અઠવાડિયા સુધીમાં તપાસનો દાયરો તથા મુદગલ સમિતિના અધિકારક્ષેત્ર અંગે ર્કોટ નક્કર વ્યવસ્થા આપી દેશે. બીસીસીઆઈ એ સમજી શકતું નથી કે જ્યાં સુધી શંકાસ્પદ ૧૩ લોકો અંગે સત્ય બહાર આવતું નથી ત્યાં સુધી તે અને આઈપીએલ બંને શંકાના દાયરામાં રહેશે. બીસીસીઆઈનું આચરણ શંકા વધારનારું જ રહ્યું છે. ગયા વર્ષે ફિક્સિંગ કૌભાંડના ઘટસ્ફોટ બાદ તેણે એવી તપાસ સમિતિ બનાવી, જેને બોમ્બે હાઈર્કોટે ગેરકાયદે ઠેરવી હતી. ત્યારે બીસીસીઆઈએ આઈપીએલને સ્વચ્છ બનાવવાના ઉપાય જાહેર કર્યા હતા, જેમાં એક એવો પણ હતો કે તેમાંથી ચીયરલીડર્સને ખસેડી દેવાશે. જોકે અત્યારે સંયુક્ત આરબ અમીરાતમાં ચાલી રહેલી ટૂર્નામેન્ટમાં દરેક મેચમાં ચીયરગર્લ્સને ડાન્સ કરતી જોઈ શકાય છે. એન. શ્રીનિવાસનને ર્બોડના અધ્યક્ષ પદેથી ખસેડી દેવાના સુપ્રીમ ર્કોટના ચુકાદા બાદ પણ બીસીસીઆઈએ કોઈ બોધપાઠ લીધો નથી. આથી તપાસ ર્કોટના દાયરામાં જતી રહી છે. હવે બીસીસીઆઈની સંસ્થાકીય બાબતોમાં હસ્તક્ષેપની દલીલ પણ કોઈ સાંભળશે નહીં. દેશની પ્રાથમિક ઇચ્છા છે કે આ રમતને સટ્ટાખોરો અને ફિક્સોથી મુક્ત કરવામાં આવે.