તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અયોધ્યામાં શ્રી રામમંદિર માટે કાનૂની કસરત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેટલાક ઝઘડાઓ એવા હોય છે, જેનો ઉકેલ કાયદાની અદાલતો દ્વારા નહીં પણ પરસ્પરની સમજૂતી અને સદ્ભાવના દ્વારા જ લાવી શકાય. અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થળે શ્રી રામ મંદિર બાંધવા માટેનો કાનૂની ઝઘડો છેક ઇ.સ.૧૯૫૦થી ચાલી રહ્યો છે, પણ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે મનમેળના અભાવને લીધે તેનો ઉકેલ આવતો નથી. હવે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ જે.એસ. કહેરે પણ કબૂલ કર્યું છે કે આ વિવાદનો ઉકેલ કાયદાથી લાવવાને બદલે પરસ્પરની સમજૂતીથી જ લાવવો જોઇએ. ભારતના ચીફ જસ્ટિસે તો એક ડગલું આગળ વધીને આ વિવાદમાં મધ્યસ્થી બનવાની તૈયારી પણ વ્યક્ત કરી છે. ભારતના હિન્દુઓએ તેમ જ મુસ્લિમોએ પણ આ દરખાસ્ત સ્વીકારી લેવી જોઇએ.

અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદનો જે વિવાદ છે તે મૂળભૂત રીતે કાનૂની વિવાદ નથી પણ આસ્થાનો વિવાદ છે. ઇ.સ.૧૯૫૦માં ફૈઝાબાદની કોર્ટમાં જે કેસ દાખલ કરવામાં આવ્યો તે મિલકતનો કેસ હતો. તેમાં બાબરી મસ્જિદની ૨.૭૭ હેક્ટર જમીન પર હિન્દુઓ તેમ જ મુસ્લિમો દ્વારા પણ માલિકીનો દાવો કરવામાં આવ્યો હતો. જો ઝઘડો જમીનની માલિકી પૂરતો હોય તો કોર્ટના ચુકાદાના સ્વીકાર વડે તેનો હલ આવી શકે; પણ અહીં ઝઘડો આસ્થાનો હતો. ભારતના કરોડો હિન્દુઓ માને છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનો જન્મ થયો તે સ્થાને પ્રાચીન કાળથી મંદિર હતું, જેનો ધ્વંસ કરીને સોળમી સદીમાં બાબરી મસ્જિદનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ઇ.સ.૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બરે કેટલાક હિન્દુ કટ્ટરવાદીઓ દ્વારા બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી તે સાથે ધાર્મિક વિવાદ પૂરો થઇ જવો જોઇતો હતો; કારણ કે મુસ્લિમોની કોઇ ધાર્મિક આસ્થા આ જમીન સાથે જોડાયેલી નથી.

અદાલત સમક્ષ કોઇ પણ મિલકતનો ઝઘડો લાવવામાં આવે ત્યારે તેને ઉચિત જણાય તો તેમાં મધ્યસ્થી કરે છે અને તે રીતે ઘણા ઝઘડાઓ ઉકલી પણ જતા હોય છે. બાબરી મસ્જિદનો ઝઘડો હવે ખરા અર્થમાં મિલકતનો ઝઘડો રહ્યો હોવાથી ભારતના ચીફ જસ્ટિસે તેમાં મધ્યસ્થી કરવાની દરખાસ્ત કરી તેમાં કાંઇ અનુચિત નથી; પણ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં તેને પણ શંકાથી જોવામાં આવી રહી છે. ઇ.સ.૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે પછી પહેલી વખત કેન્દ્રમાં અને ઉત્તર પ્રદેશમાં પણ ભાજપી મોરચાની સરકાર આવી છે, માટે ચીફ જસ્ટિસની દરખાસ્તમાં કેટલાકને રાજકીય રંગો દેખાઇ રહ્યા છે. બંને પક્ષોએ આ શંકા છોડીને દરખાસ્તને રચનાત્મક નજરે જોવાની જરૂર છે.

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદ અદાલતમાં ગયો તેનાં ૬૦ વર્ષ પછી ઇ.સ.૨૦૧૦ની ૧ ઓક્ટોબરે અલ્લાહાબાદ હાઇ કોર્ટે જે ચુકાદો આપ્યો તે હકીકતમાં કાનૂની ચુકાદો નહોતો પણ મધ્યસ્થી જેવો ચુકાદો જ હતો. હાઇ કોર્ટે પોતાના ચુકાદામાં વિવાદાસ્પદ ૨.૭૭ હેક્ટર જમીનને ત્રણ ભાગમાં વહેંચી દીધી હતી. તે પૈકી ત્રીજા ભાગની જમીન સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ બાંધવા માટે આપવામાં આવી હતી તો બે તૃતિયાંશ જમીન રામ મંદિર બાંધવા માટે હિન્દુ મહાસભા અને નિર્મોહી અખાડાને આપવામાં આવી હતી. મુસ્લિમ સંસ્થાઓ સંપૂર્ણ જમીન પર દાવો કરતી હોવાથી તેણે આ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. 

હિન્દુ સંસ્થાઓ રામ જન્મ ભૂમિની જમીન પર નવી મસ્જિદ બને તેમ ન ઇચ્છતી હોવાથી તેમણે પણ ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો.  સુપ્રિમ કોર્ટે ઇ.સ.૨૦૧૧ના માર્ચમાં બધી અરજીઓ દાખલ કરતાં અલ્લાહાબાદ હાઇ કોર્ટના ચુકાદાને સ્થગિત કરી દીધો હતો. સુપ્રિમ કોર્ટમાં પાંચ વર્ષ સુધી કોઇ પ્રગતિ ન જણાતા ભાજપના સંસદસભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ ચુકાદો જલદી આપવા સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ કેટલાક મુસ્લિમ નેતાને મળ્યા હતા, તેમણે પણ કોર્ટનો ચુકાદો જલદી આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. કદાચ સ્વામીની આ અરજીના કારણે જ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસે કેસમાં મધ્યસ્થી બનવાની તૈયારી વ્યક્ત કરી છે. સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસે બંને પક્ષ મધ્યસ્થીનો ચુકાદો સ્વીકારવા તૈયાર થશે કે કેમ? તે જાણવાની જવાબદારી પણ સ્વામીને સોંપી છે. 

સુબ્રમણ્યમ સ્વામીએ બંને પક્ષનો સંપર્ક કરીને ૩૧મી માર્ચ સુધીમાં હેવાલ આપવાનો રહેશે. ભારતના ચીફ જસ્ટિસે અયોધ્યાના વિવાદનો પરસ્પર સમજૂતીથી ઉકેલ આણવાની વાત કરી તેને ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ અને આર.એસ.એસ.ના નેતાઓએ વધાવી લીધી છે, પણ મુસ્લિમ નેતાઓ આ માટે તૈયાર હોવાનું જણાતું નથી. હાઇ કોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારનારા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય અસદુદ્દીન ઓવૈસીએ તરત જ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ‘‘બાબરી મસ્જિદનો કેસ મિલકતની માલિકી બાબતનો કેસ છે. તે ભાગીદારી બાબતનો કેસ નથી. માટે અમે અલ્લાહાબાદ હાઇ કોર્ટના ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી છે.’’ મુસ્લિમ નેતાના તેવર જોઇને ખ્યાલ આવે છે કે તેઓ ચીફ જસ્ટિસની મધ્યસ્થીની દરખાસ્ત સ્વીકારવા તૈયાર નથી.

રામ જન્મ ભૂમિ-બાબરી મસ્જિદનો વિવાદ મૂળભૂત રીતે ધાર્મિક આસ્થાનો મુદ્દો હોવાથી કોર્ટ દ્વારા તેનો ઉકેલ સંભવિત જ નથી; કારણ કે કોર્ટનો ચુકાદો બેમાંથી કોઇ એક પક્ષ ન સ્વીકારે તો વિખવાદ ઊભો જ રહેવાનો છે. ભૂતકાળમાં વાટાઘાટો દ્વારા આ વિવાદ હલ કરવાના ૯ વખત પ્રયાસો થઇ ચૂક્યા છે, પણ તે બધા નિષ્ફળ ગયા છે. હવે પહેલી વખત ભારતના શીખ ચીફ જસ્ટિસે આ વિવાદમાં મધ્યસ્થી કરવાની દરખાસ્ત કરી છે ત્યારે બંને પક્ષે તેને વધાવી લેવી જોઇએ. બંને કોમના જે તત્ત્વો આ વિવાદને બળતો જ રાખવા માગે છે તેઓ દેશના સેવકો નથી પણ દુશ્મનો છે.

ન્યૂઝ વોચ, સંજય વોરા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો